Gujarat Assembly Election 2022: જાતિગત સમીકરણોથી ઘેરાયેલી અને ભાજપનો ગઢ ગણાતી કેશોદ વિધાનસભા બેઠક, જાણો શું છે ખાસિયત

author img

By

Published : Apr 10, 2022, 12:16 PM IST

ભાજપનો ગઢ ગણાતી કેશોદ વિધાનસભા બેઠક પર કોળી અને પાટીદાર મતદારોનો દબદબો

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઈ રહી છે. આ તકે Etv Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપશે. ગુજરાતની કઈ વિધાનસભા બેઠકનું શું મહત્વ છે? કઈ બેઠક પરથી કોણ VIP ઉમેદવાર આવે છે? વગેરે તમામ માહિતી Etv Bharatની સીરિઝમાં જાણવા મળશે. તો જાણો કેશોદ વિધાનસભા બેઠક સીટ વિશે.

જૂનાગઢ: આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈને ધીમેધીમે હવે રાજકીય માહોલ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય વિધાનસભાની 182 બેઠકો (Assembly Seats In Gujarat) પૈકી જૂનાગઢ શહેર અને જિલ્લાની કુલ 5 બેઠકો પર ચૂંટણી યોજાશે. જૂનાગઢ જિલ્લામાં કુલ 5 વિધાનસભાની બેઠકો (assembly seats of junagadh) આવેલી છે. જૂનાગઢ માણાવદર, વિસાવદર, કેશોદ (Keshod assembly seat) અને માંગરોળ વિધાનસભા બેઠક જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કરી રહી છે.

કેશોદ વિધાનસભા બેઠક પર અંદાજીત 2.25 લાખ મતદારો- જૂનાગઢ જિલ્લાની 88 નંબરની કેશોદ વિધાનસભા બેઠક પર અંદાજીત 2.25 લાખ મતદારો મતાધિકાર ધરાવે છે. કેશોદ વિધાનસભા બેઠક પર કોળી (Koli Voters In Keshod), પાટીદાર, આહિર, દલિત અને લઘુમતી સમાજ (Minority Voters In Keshod)ના મતદારો નિર્ણાયક મતદાર તરીકે છેલ્લા 30 વર્ષથી સામે આવી રહ્યા છે. કેશોદ વિધાનસભા બેઠક પર કોળી, લેઉવા અને કડવા પાટીદાર, મસોયા અને સોરઠીયા, આહિર, દલિત, લઘુમતી, મહીયા, કાઠી, હાટી અને રાજપૂત સાથે સાથે મહેર, લોહાણા, સિંધી અને બ્રાહ્મણ મતદારો પણ ચૂંટણીના પરિણામોને કોઇપણ રાજકીય પક્ષની તરફેણમાં પરિવર્તિત કરી શકવા માટે ખૂબ નિર્ણાયક બને છે. વર્ષ 1975થી 2012 સુધી કેશોદ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા

વર્ષ 1972 પૂર્વે કેશોદ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી- વર્ષ 1972માં કેશોદ વિધાનસભા બેઠક પરથી કેવદ્રાના સહકારી અને ખેડૂત આગેવાન ઠાકરશીભાઈ લાડાણી ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ વર્તમાન સમયમાં વર્ષ 2017 (Gujarat Assembly Election 2017)ની સામાન્ય ચૂંટણીઓમાં વિજેતા બનીને ભાજપના દેવાભાઈ માલમ રાજ્ય સરકારમાં રાજ્યપ્રધાન બનવા સુધીની સફર કરી ચૂક્યા છે. અગાઉ શંકરસિંહ વાઘેલાના સમયે સત્તાપલટાના ભાગ બચુભાઈ સોંદરવા પણ કેશોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે સરકારમાં પ્રધાન પદું મેળવી ચૂક્યા છે. અહીંથી ધારાસભ્ય રહેલા માધાભાઇ બોરીચા અનુસૂચિત જાતિ નિગમના ચેરમેન (Chairman of Scheduled Caste Corporation) સુધી પહોંચી ગયા છે.

કેશોદ વિધાનસભાની બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની- રાજકીય અને જ્ઞાતિ જાતિની દ્રષ્ટિએ જૂનાગઢ જિલ્લાની સૌથી મહત્વની બેઠક કેશોદ વિધાનસભાને માનવામાં આવે છે. આ એટલા માટે કે, કેશોદ વિધાનસભાનો સમાવેશ પોરબંદર લોકસભા બેઠક (Porbandar Lok Sabha seat)માં થાય છે. જેને કારણે આ બેઠકને જૂનાગઢની સાથે પોરબંદરના સાંસદ સભ્યના વિકાસના કામોનો પણ લાભ મળી રહ્યો છે. ધારાસભામાં જૂનાગઢની સાથે અને લોકસભામાં પોરબંદર સાથે જોડાયેલી કેશોદ વિધાનસભાની બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે જીતવી ખૂબ મહત્વની માનવામાં આવે છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 5 વિધાનસભા બેઠકો પૈકી એક માત્ર કેશોદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. આ માટે પણ આ બેઠક રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વની માનવામાં આવે છે.

વર્ષ 2018 મુજબ કેશોદ સીટ પર નોંધાયેલા મતદારો- કેશોદ વિધાનસભા બેઠક પર અંદાજિત 2.25 લાખ પૈકી 1.22 લાખ પુરુષ (Male voters in keshod) અને 1.07 લાખ મહિલા મતદારો (Women voters In Keshod) મતદાનનો અધિકાર ધરાવે છે. જે પૈકી 40 હજારની આસપાસ કોળી મતદારો, 38 હજારની આસપાસ લેઉવા અને કડવા પાટીદારો (Kadva Patidar Population In Keshod), 32 હજારની આસપાસ સોરઠીયા અને મસોયા આહિર મતદારો, 20,000થી થોડા વધારે દલિત મતદારો, 9થી 10 હજારની વચ્ચે લઘુમતી મતદારો, 12 હજારની આસપાસ કાઠી, હાટી, મહિયા રાજપૂત દરબારો, 5 હજાર જેટલા મહેર, 3000 જેટલા લોહાણા, 4000 જેટલા બ્રાહ્મણ અને અઢી હજાર જેટલા સિંધી મતદારો કેશોદ વિધાનસભા બેઠક પર મહત્વના મતદારો તરીકે આજે પણ રાજકીય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો: Gujarat Election 2022 : ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન, જાણો તેમની વિશેષતા

અત્યાર સુધીના ચૂંટણી પરિણામો પર એક નજર- કેશોદ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 1972 બાદ અહીંથી એકમાત્ર પરબત ચાવડાને બાદ કરતા કોંગ્રેસનો સ્વતંત્ર ઉમેદવાર ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જયેશ લાડાણીની સામે ભાજપના કોળી ઉમેદવાર દેવાભાઈ માલમ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેમાં કોળી મતદારોના પ્રભુત્વની વચ્ચે કોળી જ્ઞાતિના ઉમેદવાર દેવાભાઈ માલમ ધારાસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાના સમયમાં થયેલા સત્તાપલટામાં અહીંથી ધારાસભ્ય બનેલા બચુભાઈ સોંદરવા રાજ્ય સરકારમાં પ્રધાન બનવામાં સફળ રહ્યા હતા. અહીંથી જ ધારાસભ્ય રહેલા માધાભાઇ બોરીચા અનુસૂચિત જાતિ નિગમના ચેરમેન પણ બન્યા હતા. વર્તમાન ધારાસભ્ય દેવાભાઈ માલમ રાજ્ય સરકારમાં રાજ્ય પ્રધાન તરીકે કામ કરી રહ્યા છે.

કેશોદ વિધાનસભા બેઠકની ખાસ વાત
કેશોદ વિધાનસભા બેઠકની ખાસ વાત

આગામી ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગની શક્યતાઓ- આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. વર્ષ 2017ની સરખામણીએ આ વખતની કેશોદ વિધાનસભાની ચૂંટણી મતોના વિભાજનને કારણે પરિણામો પર વિપરીત અસર ઊભી કરી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીઓ પોતાના ઉમેદવારને પસંદ કરવાને લઈને જ્ઞાતિ અને જાતિનું સમીકરણ ચોક્કસ ધ્યાન પર લેશે. આવા સમયે કોળી જ્ઞાતિના કોઈ 2 ઉમેદવારો વચ્ચે ત્રીજા પક્ષનો અન્ય જ્ઞાતિનો ઉમેદવાર ચૂંટણી જંગ જીતવામાં સફળ બનશે તેવું ગણિત અત્યારથી જ મંડાઈ રહ્યું છે.

જ્ઞાતિ અને જાતિના નવા સમીકરણ જોવા મળી શકે છે- ભાજપ મુખ્યત્વે કોળી જ્ઞાતિના ઉમેદવારને પસંદ કરે તો કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર પર ફરી એકવાર વિજયી કળશ ઉતારી શકે છે. તો પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી પણ મુખ્યત્વે કોળી કે આહિર જ્ઞાતિના કાર્યકરને પોતાનો ઉમેદવાર બનાવશે જે કેશોદ વિધાનસભા બેઠક પર કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષના દબદબાની સાથે જ્ઞાતિ અને જાતિના સમીકરણ પર નવી રાજકીય ગઠજોડ કેશોદ વિધાનસભાની બેઠક પર વિશેષ પ્રભાવી બનતું જોવા મળશે.

કેશોદ વિધાનસભા બેઠકની ખાસ વાત
કેશોદ વિધાનસભા બેઠકની ખાસ વાત

કેશોદ વિધાનસભાના મતદારોની આશા અને અપેક્ષાઓ- કેશોદ વિધાનસભા બેઠક કેશોદ શહેરને બાદ કરતા ગામડાઓના મતદારોથી બનેલી છે. અહીંના મતદારોની આવક અને રોજગારી મોટેભાગે ખેતી સાથે સંકળાયેલી છે. જેને લઈને ખેતીને લગતી કોઈ નક્કર યોજનાઓ અને ખેડૂતોને કૃષિ જણસોના પોષણક્ષમ બજાર ભાવો મળે તેવી માંગ આ વિસ્તારના મતદારો કરી રહ્યા છે. વધુમાં ખેતી વિષયક કોઈ ઉદ્યોગો આવે તો આ વિસ્તારને વધુ ફાયદો થાય તેમ છે. વધુમાં સ્થાનિક રોજગારીનું સર્જન થાય તેવા ગૃહઉદ્યોગ સ્થાપવામાં આવે તો રોજગારીની તકોમાં વધારો કરી શકાય છે.

કેશોદ વિધાનસભા બેઠકની ખાસ વાત
કેશોદ વિધાનસભા બેઠકની ખાસ વાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.