ગાંધીનગર લોકસભા ક્ષેત્રના 5 ગામોની 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' હેઠળ પસંદગી

author img

By

Published : Jul 12, 2020, 3:57 AM IST

ETV BHARAT

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ માણકોલ, મોડાસર અને ગાંધીનગર જિલ્લાના, કલોલ તાલુકામાં આવેલ બિલેશ્વરપુરા અને રામનગર તથા ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામની 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' માટે પસંદગી કરાઇ છે.

ગાંધીનગરઃ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ માણકોલ, મોડાસર અને ગાંધીનગર જિલ્લાના, કલોલ તાલુકામાં આવેલ બિલેશ્વરપુરા અને રામનગર તથા ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામની 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' માટે પસંદગી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, 11 ઓક્ટોબર 2014ના રોજ જયપ્રકાશ નારાયણની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ની શરૂઆત કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત પ્રત્યેક સાંસદ દ્વારા પોતાના લોકસભા ક્ષેત્રમાંથી પસંદ કરેલા ગામડાના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.જેમાં જુદી-જુદી સરકારી યોજનાઓનો આ ગામડાઓમાં અમલ કરીને તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવે છે. આ પ્રક્રિયા હેઠળ ભૌતિક-માળખાગત સુવિધાઓ સહિત સ્માર્ટ સ્કૂલ, આરોગ્ય સુવિધાઓ, પોતાના ઘરના ઘરથી વંચિત નાગરિકો માટે પાકા મકાનો જેવી વિવિધ પ્રકારની સવલતો સામેલ છે.

આ હેતુસર સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું માણકોલ ગામ નળસરોવર રોડ પર આવેલ પ્રથમ ગામ હોવાથી તે નળ સરોવરનું ‘પ્રવેશદ્વાર’ ગણાય છે. 500થી 600 વર્ષ પહેલા વસેલું આ માણકોલ ગામ સાણંદથી 18 કી.મીના અંતરે સ્થિત છે અને 5862ની વસ્તી ધરાવે છે. માણકોલ ગામ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા એવા પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈનું વતન હોવાથી ખૂબ જ મહત્વ ધરાવે છે. નળ સરોવર અને સાણંદ શહેરને જોડતું આ ગામ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મીની વેપારી મથક તરીકે પ્રચલિત છે. આ ગામમાં નવરાત્રીનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. અહીં સ્થિત માં બુટભવાનીના મંદિરે ત્રીજા નોરતે આયોજિત થતાં નવચંડી યજ્ઞમાં હજારો ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ મેળવે છે.

આ ઉપરાંત સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું મોડાસર ગામ પૌરાણિક વારસો ધરાવે છે. મોડાસર ગામ સાણંદથી 10 કિ.મીના અંતરે આવેલું છે અને 2019ની સ્થિતિએ 5,410 લોકોની વસ્તી ધરાવે છે. આ પાંડવ કાલીન ગામમાં લોકવાયકા મુજબ અત્રિમુનિ દ્વારા તપોબળથી શિવલિંગ ઉત્પન્ન થયેલ છે. જે અત્રેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. આ અત્રિમુની દ્વારા કરાઇ રહેલા તપ દરમિયાન ઋષિને તરસ લાગતાં તેમના માટે માતા અનસૂયા દ્વારા આજુબાજુમાં પાણીની શોધ કરવા છતાં પાણી પ્રાપ્ય ન થતાં અત્રિમુનિએ તે જગ્યાએ બાણથી પ્રહાર કરતાં પાણીનો સ્ત્રોત તીર આકારે ઉત્પન્ન થયેલ જે બાણગંગા તળાવના નામથી પ્રચલિત છે. સાણંદ- બાવળા પંથકમાં આ તળાવમાં સ્નાનનું અને ચૈત્રી પૂનમના મેળાનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. અહીં દર વર્ષે ચૈત્ર સુદ-અગિયારસથી પૂનમ સુધી 5 દિવસનો મેળો ભરાય છે. તેમાં પૂનમના દિવસે ભગવાન શિવજીનો વરઘોડો (માંડવી) પણ નીકળે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનનો લાભ લે છે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના કલોલ તાલુકાના પસંદ કરેલ બિલેશ્વરપુરા ગામ કલોલથી 8 કિ.મીના અંતરે આવેલું છે. આ ગામનું નામ ગામમાં સ્થિત સ્વ્યંભૂ શિવલીંગ બિલેશ્વર મહાદેવ પરથી આવેલા છે. બિલેશ્વરપૂરા ગામમાં જોવાલાયક રામજી મંદિર અને મહાકાળી માતાજીનાં મંદિરો આવેલા છે. બિલેશ્વરપુરાની વસ્તી 2,071 નોંધાયેલી છે.

કલોલ તાલુકાનું જ અન્ય પસંદ કરાયેલું રામનગર કલોલથી 6 કિ.મીના અંતરે સ્થિત છે. જેમાં 2019ની સ્થિતિએ રામનગર વસ્તી 2038 નોંધાયેલી છે. અહીં નોધનીય છે કે, વર્ષ 2008-09માં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે ‘ગ્રામ પંચાયત નિર્મળ ગામ’ પુરસ્કાર, વર્ષ 2010-11 માં ‘સ્વર્ણિમ ગ્રામ’પુરસ્કાર અને તાજેતરમાં ગામની જળ સ્વચ્છ સમિતિને વાસમો દ્વારા રૂપિયા 50,000નો પુરસ્કાર રામનગર ગામે મેળવેલો છે.

આ ઉપરાંત ગાંધીનગર તાલુકા અને જિલ્લામાં પસંદ કરાયેલું રૂપાલ ગામ સમગ્ર વિશ્વમાં આસો નવરાત્રીમાં નોમના દિવસે ત્યાં યોજાતી “પલ્લી યાત્રા” માટે આગવી ખ્યાતિ ધરાવે છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા વરદાયિની માતાના મંદિરનું નિર્માણ કરી માતાજીની પ્રતિષ્ઠા કરી હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 12 કી.મી ના અંતરે સ્થિત રૂપાલ ગામ ખાતે મહાભારત કાળનું પાંડવોના અજ્ઞાતવાસના સમયનું વિશ્વવિખ્યાત વરદાયીની માતાનું પવિત્ર મંદિર સ્થિત છે. જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક ગણાય છે. રૂપાલ ગામ 6,587 જેટલી વસ્તી ધરાવે છે.

આમ સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિત માણકોલ, મોડાસર, બિલેશ્વરપુરા, રામનગર અને રૂપાલ ગામની પશ્ચાદભૂમિને અને સ્થાનિક રીતે તેમના મહત્વને ધ્યાનમાં રાખીને તમામ માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક સુવિધા ઉપલબ્ધ બને અને આદર્શ ગામ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે સાંસદ અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ ગામોને 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' હેઠળ સમાવેશ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.