વડનગર રેલવે સ્ટેશન સાથે મારી જૂની યાદો; આ વખતે રૂબરૂ આવવાનું રહી ગયું, ફરી વખત ચોક્કસ આવીશ : વડાપ્રધાન મોદી

author img

By

Published : Jul 16, 2021, 6:21 PM IST

વડનગર રેલવે સ્ટેશન સાથે મારી જૂની યાદો

વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, સાયન્સ સિટી 2.0 સહિત કુલ 8 વિકાસકાર્યોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ અંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક પર હોટલ બનાવીને રેલવે સ્ટેશનની જમીન પર જ ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી મહાત્મા મંદીરનું મહાત્મ્ય વધ્યું છે. આ સિવાય વડનગર સાથેની પોતાની યાદો તાજા કરીને મહેસાણા વરેઠા લાઈન અને સુરત પીપાવાવ રેલવે લાઈનના વિદ્યુતીકરણના પ્રોજેક્ટને સૌથી ઓછા સમયમાં પૂર્ણ થનારા પ્રોજેક્ટ્સમાંના ગણાવ્યા હતા.

  • વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં 8 વિકાસના કાર્યોનું કર્યું લોકાર્પણ
  • ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પરથી બે ટ્રેનોને બતાવી લીલીઝંડી
  • સાયન્સ સિટીમાં 3 પ્રોજેક્ટ્સને પણ લોકો માટે મૂક્યા ખુલ્લા

ન્યૂઝ ડેસ્ક : વડાપ્રધાન મોદી આજે શુક્રવારે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, હોટલ લીલા, મહેસાણા-વરેઠા રેલવે લાઈન, સુરત-પીપાવાવ રેલવે લાઈનના વિદ્યુતીકરણ પ્રોજેક્ટ, સાયન્સ સિટી ખાતે રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી તેમજ નેચર પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે વડનગર સાથે પોતાની યાદો તાજા કરી હતી અને સાયન્સ સિટી ખાતેના નવા આકર્શણના કેન્દ્રોને નિહાળવા બાળકો અને યુવાઓને આહ્વાન કર્યું હતું.

સોમનાથની ધરતીને વિશ્વનાથની ધરતી સાથે જોડવાનું કાર્ય

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વર્ષો સુધી આપણે ક્વોલિટી પબ્લિક સ્પેસ અને લાઈફથી વંચિત રહ્યા છે, પરંતુ હવે સમગ્ર ઈકો સિસ્ટમ બદલાઈ રહી છે. અમદાવાદ સાથે ગુજરાતમાં રેલ કનેક્ટિવીટી વધી છે. ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક ટ્રેન સોમનાથની ધરતીને વિશ્વનાથની ધરતી સાથે જોડવાનું કાર્ય કરશે. રેલવેમાં નવા રિફોર્મની જરૂર હતી. અમે રેલવેને એક સર્વિસ તરીકે નહિ, પરંતુ એક એસેટ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. પાછલા કેટલાક સમયમાં રેલવેમાં સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા વધી છે તેમજ ઘણુ બધુ મોર્ડનાઈઝેશન પણ થયું છે. આવનારા દિવસોમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર શરૂ થયા બાદ ટ્રેનોની સ્પીડ વધશે.

સાયન્સ સિટી બાળકોને રિક્રિએશન અને પ્રોડક્ટિવિટી સાથે જોડે છે : PM મોદી

વડાપ્રધાને કહ્યું કે, સાયન્સ સિટી બાળકો માટે રિક્રિએશન અને પ્રોડક્ટિવિટીને સાથે જોડે છે. બાળકોને વિજ્ઞાન સાથે જોડવાનું પ્લેટફોર્મ છે. નવું નેચરપાર્ક બાળકોને ખૂબ પસંદ આવશે. એક્વાટિક ગેલેરી વધારે આનંદિત કરે તેમ છે. એશિયાના ટોપના એક્વેરિયમમાંનું એક છે. રોબોટિક ગેલેરીમાં રોબોટ સાથે વાતચીત કરવાની સાથે સાથે રોબોટિક્સના ક્ષેત્રમાં કામ કરવા યુવાઓને પ્રેરણા આપશે. વિવિધ ક્ષેત્રોમાં રોબોટ કઈ રીતે કામ આવશે તે જાણી શકાશે. રોબો કેફેમાં રોબોટ શેફ દ્વારા બનાવેલું ભોજન અને રોબોટ વેઈટર દ્વારા પીરસેલું ભોજન ભાગ્યે જ ચૂકશે. મારો આગ્રહ છે કે વધારે વિદ્યાર્થીઓ અને યુવાઓ આવે અને સાયન્સ સિટી બાળકોના કિલ્લોલથી ગૂંજતું રહે.

21મી સદીના ભારતને 20મી સદીની રીતોથી આધુનિક ન કરી શકાય

વડાપ્રધાને જણાવ્યું હતું કે, 21મી સદીના ભારતને 20મી સદીની રીતોથી આધુનિક ન કરી શકાય. ગઈકાલે જ્યારે મેં આ પ્રોજેક્ટ્સના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા તો લોકોએ કહ્યું કે આ તો માત્ર વિદેશમાં જોવા મળે. લોકોના માનવામાં નથી આવી રહ્યું કે આ ગુજરાતમાં છે. આ મારા માટે ખૂબ જ ખુશીની વાત હતી.ગુજરાત અને ગુજરાતના લોકોએ પણ આ બાબતે ગર્વ લેવો જોઈએ. તેમણે કાંકરિયાને અનુલક્ષીને કહ્યું, કોઈએ વિચાર્યુ ન હતું કે, જુના અમદાવાદની એક ઝીલ આટલી બધી નામના મેળવશે.

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન નવા ભારતની નવી ઓળખનું મહત્વપૂર્ણ સોપાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, તે સમયે રાજ્યના બસ સ્ટેશનોને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે આધુનિક કર્યા હતા. જ્યારબાદ દિલ્હી ગયા બાદ રેલવે અને વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓને તેના નિરીક્ષણ કરવા માટે ગુજરાત મોકલ્યા હતા. જ્યારબાદ તેમને પૂછ્યું હતું કે, આપણા રેલવે સ્ટેશન પણ આ પ્રકારે આધુનિક કેમ ન હોઈ શકે ? જ્યારબાદથી દેશભરના રેલવે સ્ટેશન્સના આધુનિકરણ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે શુક્રવારે પોતાની સ્પીચ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગાંધીનગરનું આ આધુનિક રેલવે સ્ટેશન નવા ભારતની નવી ઓળખનું એક મહત્વપૂર્ણ સોપાન છે.

વડનગર રેલવે સ્ટેશન સાથેની યાદો તાજા કરી

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડનગર રેલવે સ્ટેશન સાથે મારી જૂની યાદો છે. વડનગર તેમજ આસપાસના રેલવે સ્ટેશન્સના આધુનિકરણથી રેલવેને તેમજ ત્યાંના સ્થાનિકોને સારી એવી કનેક્ટિવિટી મળી રહેશે. મહેસાણા-વરેઠા લાઈન, સુરત-પીપાવાવ લાઈનનું વિદ્યુતીકરણ એ દેશમાં સૌથી ઓછા સમયમાં પૂર્ણ થનારા પ્રોજેક્ટ્સમાંના છે. આ પ્રોજેક્ટ્સ સાથે મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવીટી છે. જેના કારણે આગામી દિવસોમાં ઉદ્યોગો માટે મદદરૂપ સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.