વલસાડમાં છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે પણ જૂન મહિનામાં ઓછો વરસાદ પડ્યો, ખેડૂતોમાં ચિંતા

author img

By

Published : Jul 7, 2021, 5:14 PM IST

વલસાડમાં છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે પણ જૂન મહિનામાં ઓછો વરસાદ પડ્યો, ખેડૂતોમાં ચિંતા

રાજ્યમાં દર વર્ષે સરેરાશ ચોમાસું જૂન મહિનાના પ્રથમ કે બીજા સપ્તાહમાં આવી જાય છે. જોકે, આ વર્ષે ચોમાસું દર વર્ષ કરતા વહેલું બેસ્યું હતું. તેમ છતાં હાલમાં વરસાદ પાછળ ખેંચાતા વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વલસાડમાં છેલ્લા 3 વર્ષથી જૂન મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ પડી રહ્યો છે.

  • વલસાડ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા
  • વર્ષ 2020માં જૂન મહિનામાં માત્ર 157mm વરસાદ વરસ્યો હતો
  • 2017માં જૂન મહિનામાં 518mm વરસાદ વરસ્યો હતો
  • વર્ષ 2021માં જૂન મહિનામાં સરેરાશ 338mm વરસાદ નોંધાયો

વાપીઃ વલસાડ જિલ્લામાં વર્ષ 2017માં જૂન મહિનામાં જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી એક મહિનામાં સરેરાશ 518 મીમી આકાશી પાણી વરસાવ્યું હતું. જોકે, ત્યારાબાદ સતત જૂન મહિનામાં વરસાદનું જોર ઘટ્યું છે. હાલમાં પણ જૂન મહિનામાં પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ શહેરીજનો કાળઝાળ ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લા કરતા વધુ વરસાદ વરસે છે. એ રીતે વલસાડ જિલ્લો અને ખાસ કરીને કપરાડા તાલુકો ગુજરાતનું ચેરાપૂંજી કહેવાય છે. જોકે, છેલ્લા 5 વર્ષના જૂન મહિનાના આંકડા જોઈએ તો, આ વિસ્તારમાં વરસાદની પેટર્ન સતત બદલાઈ રહી છે. છેલ્લા 3 વર્ષથી આ જિલ્લામાં જૂન મહિનામાં વરસાદ ઓછો વરસી રહ્યો છે. આ વર્ષે જિલ્લામાં જૂન મહિનામાં સરેરાશ 338 મીમી વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

વલસાડમાં છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે પણ જૂન મહિનામાં ઓછો વરસાદ પડ્યો

આ પણ વાંચોઃ સરકાર પાણી નહીં આપે તો ખેડૂત પાયમાલ થશે, ખેડૂતોની સરકાર પાસે અરજ

જૂન મહિનો ધરમપુર તાલુકા માત્ર નબળો રહે છે

છેલ્લા 5 વર્ષના વરસાદના જૂન મહિનાના આંકડાની ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના તારણ આધારે વાત કરીએ તો, વર્ષ 2015ના જૂન મહિનામાં જિલ્લામાં સરેરાશ 351 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કપરાડા તાલુકામાં સૌથી વધુ 449 મીમી વરસાદ નોંધાયો હતો. તો ધરમપુરમાં સૌથી ઓછો 230 મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Monsoon: દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં 10 જુલાઈ સુધી વરસાદ આવે તેવી હવામાન વિભાગની આગાહી

વર્ષ 2016માં ઉમરગામમાં 445 મીમી વરસાદ વરસ્યો હતો

વર્ષ 2016માં જિલ્લામાં સરેરાશ માત્ર 166 મીમી વરસાદ વરસ્યો હતો. આ વર્ષનો જૂન મહિનો જિલ્લાના ખેડૂતો માટે દુષ્કાળનો મહિનો સાબિત થયો હતો. જેમાં ઉમરગામ તાલુકામાં બારે મેઘ ખાંગા થતા 445 મીમી સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધરમપુરમાં માત્ર 54 મીમી વરસાદ વરસ્યો હતો.

વર્ષ 2017ના જૂન મહિનામાં વાપીમાં બારેમેઘ ખાંગા થયાં હતાં

વર્ષ 2017માં પાછલા 5 વર્ષમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વર્ષે વલસાડ જિલ્લામાં સરેરાશ 518 મીમી વરસાદ નોંધાયો હતો, જેમાં વાપી તાલુકામાં સૌથી વધુ 613 મીમી વરસાદ વરસતા વાપીના તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ થયું હતું. જ્યારે પાછલાં વર્ષ મુજબ ફરી ધરમપુરમાં સૌથી ઓછો પણ સારો કહી શકાય તેવો 442 મીમી વરસાદ પડ્યો હતો.

વર્ષ 2018માં વલસાડમાં સરેરાશ 475 મીમી વરસાદ પડ્યો હતો

વર્ષ 2018માં પણ જૂન મહિનામાં વલસાડ જિલ્લામાં સરેરાશ 475 મીમી વરસાદ વરસ્યો હતો. વર્ષ 2018માં તાલુકા મુજબ, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 682 મીમી અને ધરમપુરમાં સૌથી ઓછો 341 મીમી વરસાદ નોંધાયો હતો. તો વર્ષ 2019માં જિલ્લામાં સરેરાશ 295 મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 409 મીમી અને ઉમરગામ તાલુકામાં સૌથી ઓછો 228 મીમી વરસાદ વરસ્યો હતો.

વર્ષ 2020માં પારડીમાં માત્ર 21 મીમી વરસાદ પડ્યો હતો

વર્ષ 2020નો જૂન મહિનો વલસાડ જિલ્લા માટે સૌથી નબળો મહિનો પૂરવાર થયો હતો. જિલ્લામાં સરેરાશ માત્ર 157 મીમી વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ડાંગરનું વાવેતર કરનારા ખેડૂતોએ મેઘરાજાની કાગડોળે રાહ જોઈ હતી. એમાં પણ પારડી તાલુકામાં જૂન મહિનામાં માત્ર 21 મીમી વરસાદ જ નોંધાયો હતો. જ્યારે કપરાડા તાલુકામાં 341 મીમી વરસાદ નોંધાયો હતો.

વર્ષ 2021માં મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતોમાં ચિંતા વધી

આ વર્ષે 2021માં ફરી મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. તો અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી શહેરીજનો તોબા પોકારી રહ્યા છે. આ વર્ષે ચોમાસુ વહેલું બેસ્યા બાદ જાણે મેઘરાજા રિસાયા હોય તેમ વલસાડ જિલ્લામાં જૂન મહિના દરમિયાન સરેરાશ 338 મીમી વરસાદ વરસ્યો છે. તાલુકા મુજબ જોઈએ તો, ધરમપુર તાલુકામાં સૌથી ઓછો 259 મીમી, કપરાડા તાલુકામાં સૌથી વધુ 390 મીમી, વાપી તાલુકામાં 343 મીમી, વલસાડ તાલુકામાં 348 મીમી, ઉમરગામ તાલુકામાં 325 મીમી અને પારડી તાલુકામાં 370 મીમી વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં હજી પણ આશા જીવંત છે

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં સરેરાશ ચોમાસાની સિઝન દરમિયાન 2,000 મીમીથી 3,700 મીમી સુધીનો વરસાદ વરસતો હોય છે. જે દર 2 કે 3 વર્ષે ભારેથી અતિભારે અથવા તો ધાર્યા કરતાં ઓછો એ મુજબ વરસે છે. આ સિસ્ટમ પાછલા 100 વર્ષથી અવિરત ચાલી રહી છે. જેમાં ક્યારેક સતત ત્રણેક વર્ષ સુધી જૂન મહિનામાં જ મેઘરાજા મબલખ આકાશી પાણી વરસાવે છે. તો, ક્યારેક સતત ત્રણેક વર્ષ સુધી ખેડૂતોને રાહ જોવડાવી ત્યારબાદ તરબોળ કરે છે. કેમ કે જૂન મહિના બાદ પણ બાકીના મહિનામાં આ વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે. એટલે આ વર્ષે પણ શરૂઆતમાં ભલે ચોમાસુ નબળું જણાતું હોય પણ વર્ષ નબળું નહિ જાય તે આશા સદાય જીવંત રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.