કોરોના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ અમને પ્રેરણા પૂરી પાડે છે : ડૉ. નિશિતા

author img

By

Published : May 15, 2021, 4:54 PM IST

Updated : May 15, 2021, 8:26 PM IST

ડૉ. નિશિતા મહેશ્વરીની ETV Bharat સાથે વાતચીત

પરિવારના સભ્યોને કોરોના થયો તો પણ ફરજને પહેલા પ્રાધાન્ય આપ્યું. આજે પણ દરરોજ ઘરે જાય છે. ત્યારે ખૂબ સંભાળવું પડે છે કે તેમને કારણે તેમના પરિવારમાં કોઈને કોરોનાનો ચેપ ના લાગે આ શબ્દો છે વાપીની જનસેવા હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવતા ડૉ. નિશિતા મહેશ્વરીના કે જેમણે કોરોના કાળમાં પોતાની ફરજ અને પરિવારને કઈ રીતે સંભાળે છે તેની વાતચીત દરમ્યાન કહ્યા છે.

  • ફરજ પરથી ઘરે જઈએ ત્યારે ખૂબ સાવચેતી રાખવી પડે છે : ડૉ નિશિતા
  • સજા થયેલા દર્દીઓ ફરી મળે છે તો તેને જોઈને ખુશ થઈએ છીએ
  • મિત્રના પિતાને બચાવી નહી શકવાનો થયો હતો અફસોસ

વાપી : કોરોનાના સેકન્ડ રાઉન્ડમાં અનેક તબીબો, પેરામેડીકલ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ પોતાની ફરજને વળગી રહ્યા છે. હજારો દર્દીઓને કોરોનાની સારવાર આપી બચાવ્યા છે. આવી જ સેવા વાપીની જનસેવા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. નિશિતા મહેશ્વરી કરી રહ્યા છે. ડૉ. નિશિતાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દર્દીઓને સારવાર આપતી વખતે દર્દીઓની રોગ પ્રતિકાર શક્તિ અમને પ્રેરણા આપે છે.

ડૉ. નિશિતા મહેશ્વરીની ETV Bharat સાથે વાતચીત

આ પણ વાંચો: અમદાવાદના ડોક્ટર સેલવી ખજાનચી દર્દીઓને આપી રહ્યા છે ટેલિફોનીક સારવાર

તબીબો દર્દીઓની તકલીફમાં તેને કરે છે બનતી મદદ

કોરોનાની પહેલી લહેરમાં અમદાવાદ અને હાલમાં વાપીની શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કોવિડના દર્દીઓને સેવા આપતા ડૉ. નિશિતા મહેશ્વરી સાથે ETV Bharat એ મુલાકાત કરી હતી. આ પ્રસંગે, ડૉ. નિશિતા મહેશ્વરીએ દિનચર્યા, કોવિડકાળમાં બનેલા સારા-નરસા પ્રસંગો અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હાલના કોવિડના સમયમાં ખૂબ સાંભળવું પડે છે. રોજ સવારે ઘરેથી હોસ્પિટલ આવ્યા બાદ વોર્ડમાં દર્દીઓને ચેક કરવા, તેમની દવાઓ અંગે જાણકારી મેળવવી કોઈને તકલીફ હોય તો તેને બનતી મદદ કરવી, આખો દિવસ આ રીતે જ દર્દીઓની સરસંભાળમાં નીકળી જાય છે.

એક જ લક્ષ્ય 'safety is more important'

ડૉ. નિશિતાએ જણાવ્યું હતું કે, જ્યારે ઘરે જઈએ છીએ ત્યારે ખૂબ સંભાળવું પડે છે. પરિવારમાં વૃદ્ધ દાદી, માતા-પિતા અને ભાઈ છે. જેમને કોરોનાનો ચેપના લાગી જાય તે માટે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. આ સમયગાળામાં અનેક પારિવારિક પ્રસંગોમાં હાજરી નથી આપી શકતા. પોતાના માટે, પરિવાર માટે અને દર્દીઓ માટે એક જ લક્ષ્ય રાખીએ છીએ કે 'safety is more important' એટલે ઘરે આવ્યાં બાદ પણ તેમની સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડે છે.

પરિવારના સભ્યો કોરોનામાં સપડાયા

ડૉ. નિશિતા મહેશ્વરીએ પોતાનો એક પ્રસંગ વર્ણવતા જણાવ્યું હતું કે, તે ગત વર્ષે પ્રથમ લહેરમાં અમદાવાદ હતાં. ત્યારે, વાપીમાં તેમનો પરિવાર કોરોનામાં સપડાયો હતો. આ સમયે તેઓ ઘરે આવી શક્યા નહોતા તેમના પરિવારે જાતે જ બધું સંભાળ્યું હતું અને સ્વસ્થ થયા હતાં.

આ પણ વાંચો: માણાવદર સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ રોજ 18 કલાક બજાવે છે ફરજ

દર્દીઓને જોઈને પરિવારથી દૂર રહેવામાં મળે છે હિંમત

જ્યારે પણ હોસ્પિટલમાં કોઈ કોરોના પોઝિટિવ દર્દી દાખલ થાય છે. ત્યારે, તેમનો આત્મવિશ્વાસ અને રોગને પ્રતિકાર કરવાની તેમની તાકાત જ અમને પ્રેરણા પુરી પાડે છે. પરિવારથી દૂર રહીને તે અહીં સારવાર મેળવે છે. આથી, એમને જોઈને અમને પણ પરિવારથી દૂર રહેવાની હિંમત મળે છે.

દર્દીઓ સાજા થઈને ઘરે જાય એ ખુશીનો પ્રસંગ

દુઃખદ પ્રસંગ અંગે ડૉ. નિશિતાએ જણાવ્યું હતું કે, એ પ્રસંગ તેમને માટે હચમચાવનાર હતો કે જ્યારે, તેમના મિત્રના પિતા સારવાર માટે દાખલ થયા હતાં. અને તેમને તેઓ બચાવી શક્યા નહી. આથી તેનો ખૂબ અફસોસ થાય છે. આ ઉપરાંત, સારા પ્રસંગો અંગે વાત કરતા ડૉ. નિશિતાએ જણાવ્યું હતું કે, જે દર્દી સારા થઈને ઘરે જઈને ફરી પોતાના ફોલોઅપ માટે આવે છે. ત્યારે, તેને જોઈને ખૂબ ખુશી થાય છે. આથી, અમારા માટે જેટલા વધારે દર્દીઓ સાજા થઈને નીકળે છે તે અમારા માટે યાદગાર દિવસો હોય છે.

તબીબોએ અનેક દર્દીઓને બચાવ્યા

ઉલ્લેખનીય છે કે, ડૉ. નિશિતા જેવા અનેક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આ રીતે દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમની ફરજ સાથેની નિષ્ઠા જ દર્દીઓ માટે પણ કોરોના સામે જીત મેળવવા મજબૂત બનાવે છે.

Last Updated :May 15, 2021, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.