World Diabetes Day 2023: 14 નવેમ્બરને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે, આજના દિવસે જાણો ડાયાબિટીસ વિશે

World Diabetes Day 2023: 14 નવેમ્બરને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે, આજના દિવસે જાણો ડાયાબિટીસ વિશે
દેશ અને ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે. આવા સમયે ડાયાબિટીસ શું છે, તેને કેવી રીતે નિયંત્રીત કરી શકાય તે જાણકારી હોવી આવશ્યક છે. ડાયાબિટીસ રોગ વિશેની વર્તમાન સ્થિતિ વિશે વાંચો વિગતવાર
અમદાવાદઃ અત્યારે સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. આ રોગ પ્રત્યે અવેરનેસ લાવવા સમગ્ર વિશ્વમાં 14મી નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તબીબી સંસ્થાઓ અને WHO સાથે સંકળાયેલ સંસ્થાનો ડાયાબિટીસ ચેક અપ કેમ્પ, ડાયાબિટીસ અવેરનેસ વર્કશોપ્સ તેમજ આ રોગમાં લેવામાં આવતી કાળજીની જાણકારીનો ફેલાવો થાય તેવા કાર્યક્રમો કરતી હોય છે.
એક સમયે ગુજરાત હતું ડાયાબિટીસ કેપિટલઃ એક એવો પણ સમય હતો જ્યારે ભારતમાં ડાયાબિટીસનું કેપિટલ આપણું ગુજરાત ગણાતું હતું. દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 8 ટકા ડાયાબિટીસના દર્દીઓ છે. સમગ્ર રાજ્યમાં પ્રિ-ડાયાબિટીક સ્ટેજના કુલ 10.5 ટકા લોકો છે. આ આંકડો ચિંતાજનક છે. આ દર્દીઓમાં સામાન્ય કરતા વધુ સુગર લેવલ જોવા મળ્યું છે. ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓ વધવા પાછળનું કેટલાક મુખ્ય કારણો છે. જેમાં મેદસ્વીતા, બેઠાડુ જીવન, કસરત અને શારીરિક શ્રમનો અભાવ તેમજ આનુવંશિકતાનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં ડાયાબિટીસના 10 કરોડ દર્દીઓઃ આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ લેન્સેટ અનુસાર ભારતમાં ડાયાબિટીસના આશરે 10 કરોડથી વધુ દર્દીઓ છે. ICMRના અભ્યસમાં પણ આપણા દેશમાં 101 મિલિયન એટલે કે 10 કરોડથી વધુ દર્દીઓ ડાયાબિટીસથી પીડાય છે. દેશમાં ડાયાબિટીસના વધતા યુવા દર્દીઓ ચિંતાનો વિષય છે. એક મેડિકલ સર્વે અનુસાર 18થી 35 વર્ષના યુવાનોમાં હાયપર ટેન્શન, મેદસ્વીતા અને બેઠાડું જીવન જેવા કારણો ડાયાબિટીસને નોંતરે છે. ભારતમાં છેલ્લા 4 વર્ષમાં 4 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ વધી ગયા છે. દેશના શાંત ગણાતા ગોવા અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ડાયાબિટીસના દર્દીઓમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે.
ડાયાબિટીસને દૂર રાખવા દર્દીઓએ નિયમિત કસરત કરવી જોઈએ. આ સાથે લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવો જોઇએ. દરેકે આજના જમાનામાં મીઠું(નમક-Salt) અને ગળ્યા પદાર્થો ઓછા લેવા જોઈએ. કસરતમાં પણ એરોબિક સાથે સ્ટ્રેન્થ વધે એવી કસરત કરવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું બ્લડ પ્રેશર નિયંત્રીત રાખવું જોઇએ. હાલ ડાયાબિટીસ માટે બજારમાં નવી અસરકારક દવાઓ આવી છે. હાલ રિવર્સલ ડાયાબિટીસનું પણ ચલણ વધ્યું છે. જે ન થાય તે માટે વજન ઘટાડવું બહુ જરુરી છે. એક વખત ડાયાબિટીસ નિયંત્રીત થાય પછી વજન અને સુગર ન વધે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ...ડૉ. હિતેશ મહેતા( ફેમિલી ફિઝિશિયન, અમદાવાદ)
ડાયાબિટીસના દર્દીઓ વધવાના કારણોઃ છેલ્લા બે દાયકાથી દેશ અને ગુજરાતમાં ખોરાકમાં સુગરનું પ્રમાણ વધ્યું છે. જીવનશૈલીમાં અનિયમિતતાને લીધે ઉત્પન્ન થતી બિમારી ડાયાબિટીસ પર ICMRએ રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અનુસાર ગુરાતમાં 28.5 ટકા દર્દીઓમાં હાયપર ટેન્શન અને 23.5 ટકા દર્દીઓમાં સ્થૂળતા ડાયાબિટીસના મુખ્ય કારણો ગણાય છે. વર્તમાનમાં દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો ડાયાબિટિસનો દર પાંચમો કિશોર દર્દી ભારતીય છે. કોરોના બાદ ડાયાબિટીસના દર્દીઓની સ્થિતિ વધુ કપરી બની છે. ડાયાબિટીસ રોગ કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે.
ડાયાબિટીસના પ્રમુખ લક્ષણોઃ આ રોગમાં શરીર ઈન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે. જેથી દર્દીને શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ જાળવી રાખવા માટે ઈન્જેક્શન લેવા પડે છે. આ ઉપરાંત દર્દીને થાક ખૂબ લાગે છે, વજન ઝડપથી ઘટી જાય છે, દ્રષ્ટિ ધુંધળી બની જાય છે, દર્દીના પેશાબમાં શર્કરા નીકળે છે તેમજ દર્દીને વારંવાર પેશાબ આવે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવાના ઉપાયોઃ આ રોગ એક વાર થઈ ગયા બાદ તેનાથી સદંતર મુક્તિ બહુ કપરી છે. જો કે ડાયાબિટીસને કાબૂમાં લઈ શકાય છે. જેના માટે કેટલાક ચોક્કસ પ્રયત્નોની આવશ્યકતા છે. જેમાં નિયમિત ચાલવું, ખોરાકનું નિયમન, કસરત, તબીબી સલાહ અનુસાર દવા અને સારવાર વગેરેનો સમાવેશ થાય છે. જો શરીરમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ હશે તો કોરોના, ડેન્ગ્યુ તેમજ હાર્ટ એટેક જેવી બિમારીઓ જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી ડાયાબિટીસને કાબૂમાં રાખવાથી શરીરમાં અન્ય રોગો પર નિયંત્રણ કરી શકાય છે.
