Women Reservation Bill : લાંબા સમયથી અટવાયેલા મહિલા અનામત બિલના વિરોધી કોણ છે અને શા માટે, જાણો આ અહેવાલમાં...

Women Reservation Bill : લાંબા સમયથી અટવાયેલા મહિલા અનામત બિલના વિરોધી કોણ છે અને શા માટે, જાણો આ અહેવાલમાં...
સંસદના પાંચ દિવસના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવનાર છે. સોમવારે સાંજે કેબિનેટ સભ્યોએ આ બિલને મંજૂરી આપી દીધી હતી. મંગળવારે આ બિલ નવા સંસદ ભવનમાં રજૂ થઈ શકે છે. આ બિલ છેલ્લે 2010માં યુપીએ સરકાર દ્વારા રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ વિરોધને કારણે લોકસભામાં બિલ અટકી ગયું હતું. આજે પણ કેટલાક પક્ષો આ બિલનો વિરોધ કરે છે. આ વિરોધ પાછળ તેમનું કારણ શું છે તે જુઓ આ અહેવાલમાં...
નવી દિલ્હી : દેશમાં 27 વર્ષથી પેન્ડિંગ મહિલા આરક્ષણ બિલને સોમવારે સાંજે કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ બિલ આજે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. પાંચ દિવસીય સંસદ સત્ર પહેલા મોદી સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ઘણા રાજકીય પક્ષોએ આ બિલ રજૂ કરવાની જોરદાર રજૂઆત કરી હતી. હવે આ બિલ સંસદના વિશેષ સત્રમાં પસાર થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, આ બિલનો મુદ્દો ઘણા દાયકાઓ જૂનો છે. ઉપરાંત આ બિલના સમર્થનમાં જેટલા લોકો છે, તેટલો જ આ બિલનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
મહિલા અનામતનો વિરોધ : ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ બિલને સમર્થન આપવામાં આવ્યું છે. પરંતુ અન્ય પક્ષોના વિરોધ અને મહિલા ક્વોટામાં પછાત વર્ગો માટે અનામતની કેટલીક માગણીઓ એવી હતી જેના કારણે આ બિલ પર સર્વસંમતિ થઈ શકી નહોતી. 2010માં યુપીએ સરકાર દ્વારા સંસદમાં આ બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યસભામાં હોબાળા વચ્ચે બિલ પાસ થઈ ગયું હતું. પરંતુ લોકસભામાં બિલ પસાર થઈ શક્યું નહીં અને બિલ અટકી ગયું હતું. સંસદમાં લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત બેઠક રાખવાના નિર્ણયનો કેટલાક સાંસદોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ માર્શલ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
કોણ કરી રહ્યું છે વિરોધ ? મહિલા અનામત સામે કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓને વાંધો છે. તેઓ માને છે કે, આ અનામતનો લાભ અમુક વિશેષ વર્ગને જ મળશે. જેના કારણે રાજકારણમાં પછાત વર્ગ, દલિત અને લઘુમતી સમુદાયોની મહિલાઓની ભાગીદારીમાં ઘટાડો આવી શકે છે. આ રાજકીય પક્ષોની માંગ છે કે, મહિલા અનામત બિલમાં એસી-એસટી સિવાય ઓબીસી અને લઘુમતી સમુદાય માટે પણ બેઠકો અનામત હોવી જોઈએ. આ બિલનો વિરોધ કરી રહેલા પક્ષોમાં મુખ્યત્વે જનતા દળ (JDU), રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને સમાજવાદી પાર્ટીનો સમાવેશ થાય છે. આ ત્રણેય પક્ષોએ હંમેશા ઓબીસી, દલિત અને લઘુમતીઓને મહિલાઓને સામેલ કરવાની માંગ કરી છે. પરંતુ આ મુદ્દાને આગળ લાવવામાં આ પક્ષોનો ઉદ્દેશ્ય 50 ટકા વસ્તીમાં તેમની હાજરી નોંધાવવાનો છે. ઉપરાંત જો મોદી સરકાર આ બિલ પાસ કરાવવામાં નિષ્ફળ જશે તો આ પાર્ટીઓ સરકારને મહિલા વિરોધી સાબિત કરી શકશે.
મહિલાઓ માટે જોગવાઈ : આ બિલમાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો પ્રસ્તાવ છે. PRS લેજિસ્લેટિવ પર ઉપલબ્ધ એક અહેવાલ અનુસાર આ બિલમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને એંગ્લો-ઇન્ડિયન્સ માટે 33 ટકા ક્વોટાની અંદર ક્વોટા પેટા-ક્વોટાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્યારે અનામત બેઠકોને દરેક સામાન્ય ચૂંટણી પછી રોટેશનના આધારે બદલવાની હતી. જેનો મતલબ એ થયો કે ત્રણ ચૂંટણીના રોટેશન બાદ તમામ મતવિસ્તાર એક વખત અનામત શ્રેણીમાં આવી જશે. આ અનામતનો અમલ 15 વર્ષ માટે કરવાનો હતો. વર્ષ 2008-2010 માં નિષ્ફળ પ્રયાસ પહેલા આ બિલ 1996, 1998 અને 1999 માં રજૂ કરવામાં આવ્યું હતું.
લોકસભા અને વિધાનસભામાં અનામત : સત્તાવાર આંકડા અનુસાર લોકસભામાં મહિલા સાંસદની સંખ્યા 15 ટકાથી ઓછી છે. જ્યારે રાજ્યની વિધાનસભાઓમાં મહિલા સાંસદની સંખ્યા 10 ટકાથી ઓછી છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરી સહિતની ઘણા રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. ડિસેમ્બર 2022 ના સરકારી ડેટા અનુસાર બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 10-12 ટકા મહિલા ધારાસભ્ય હતા. ઉપરાંત છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ અનુક્રમે 14.44 ટકા, 13.7 ટકા અને 12.35 ટકા સાથે મહિલા ધારાસભ્યોની યાદીમાં આગળ છે.
