હમાસ-ઈઝરાયેલ વિવાદમાં નાગરિકોની હત્યાની ભારત સખત નિંદા કરે છે : વડાપ્રધાન મોદી

હમાસ-ઈઝરાયેલ વિવાદમાં નાગરિકોની હત્યાની ભારત સખત નિંદા કરે છે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ સિઝન 2 માં વર્ચ્યુઅલ સંબોધિત કરતા હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેઓ કહ્યું કે, હમાસ-ઈઝરાયેલ વિવાદમાં નાગરિકોની હત્યાની ભારત સખત નિંદા કરે છે. Israel Hamas conflict, Voice of Global South Summit season 2, global south, PM Modi condemns civilians deaths
નવી દિલ્હી : હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે, પશ્ચિમ એશિયાના ઘટનાક્રમમાં નવા પડકારો ઉભરી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે કે ગ્લોબલ સાઉથના દેશોએ સમગ્ર વિશ્વના હિત માટે અવાજ ઉઠાવવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દ્વારા આયોજિત બીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા હમાસ-ઈઝરાયલ વિવાદની ટીકા કરી હતી. ગ્લોબલ સાઉથનો અર્થ વિકાસશીલ, ઓછા વિકસિત અથવા અવિકસિત દેશોથી છે, જે મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં સ્થિત છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલાની નિંદા કરે છે. અમે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં થઈ રહેલી નાગરિકોની હત્યાની સખત નિંદા કરીએ છે. અમે વાતચીત, કૂટનીતિ તેમજ સંયમ પર ભાર મૂક્યો છે. અમે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમથી નવા પડકારો ઉભરી રહ્યાં છે. નોંધનીય છે કે વિકાસશીલ દેશો સામે આવતા પડકારો અને ચિંતાઓ પર અવાજ ઉઠાવવા માટે ભારતે જાન્યુઆરીમાં વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટની પ્રથમ આવૃત્તિનું આયોજન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 21 મી સદીની બદલાતી દુનિયાને પ્રતિબિંબિત કરવા માટે વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આપણે 100 થી વધુ દેશ છીએ પરંતુ આપણી પ્રાથમિકતાઓ એક સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખર સંમેલન પાંચ 'C' એટલે પરામર્શ, સંચાર, સહકાર, સર્જનાત્મકતા અને ક્ષમતા નિર્માણના માળખા હેઠળ સહકાર માટે અપીલ કરી હતી. વડાપ્રધાને G20 માં આફ્રિકન યુનિયનની ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદી વધુમાં કહ્યું કે, હું તે ઐતિહાસિક ક્ષણ ભૂલી શકતો નથી જ્યારે ભારતના પ્રયાસોના કારણે આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. G20 માં લેવાયેલા મહત્વના નિર્ણયોની ચર્ચા કરતા તેમણે કહ્યું કે, આ વખતે G20 દેશોએ ક્લાઈમેટ ચેન્જને પહોંચી વળવા માટે ફંડ આપવામાં નોંધપાત્ર ગંભીરતા દાખવી છે. આ ઉપરાંત G20 માં ગ્લોબલ સાઉથના દેશોને આબોહવા પરિવર્તન પર સરળ શરતમાં નાણાં અને ટેકનોલોજી પ્રદાન કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે ભારત માને છે કે નવી ટેકનોલોજીથી ગ્લોબલ સાઉથ અને નોર્થ વચ્ચેનું અંતર વધવું જોઈએ નહીં.
