Chardham Yatra 2023 : ભાઈબીજના દિવસે બંધ થશે કેદારનાથ અને યમુનોત્રીના કપાટ, ચારધામ યાત્રા પૂર્ણતા તરફ

Chardham Yatra 2023 : ભાઈબીજના દિવસે બંધ થશે કેદારનાથ અને યમુનોત્રીના કપાટ, ચારધામ યાત્રા પૂર્ણતા તરફ
વર્ષ 2023 ની ચારધામ યાત્રા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. જેની શરૂઆત મંગળવારે ગંગોત્રી ધામના કપાટ બંધ થવાની સાથે થઈ છે. હવે ભાઈબીજના તહેવાર નિમિત્તે બુધવારના રોજ યમુનોત્રી ધામ અને વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ બંધ કરવામાં આવશે. બંને ધામોના કપાટ બંધ કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ઉત્તરાખંડ : આ વખતે બાબા કેદારનાથના દર્શન કરવા માટે રેકોર્ડ બ્રેકિંગ સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા. હવે આ વર્ષની યાત્રાની સીઝનનો અંત આવી રહ્યો છે. ત્યારે કેદારનાથ યાત્રા બુધવારે પૂર્ણ થશે. આ સાથે કેદારનાથના કપાટ બંધ થઈ જશે. કેદારનાથના કપાટ 15 નવેમ્બર બુધવારના રોજ સવારે 8 વાગ્યે બંધ કરવામાં આવશે.
બાબા કેદાર સમાધિમાં લીન થશે : કેદારનાથ ધામના કપાટ બંધ થયા બાદ બાબા કેદાર છ મહિના સુધી સમાધિમાં લીન રહેશે. કેદારનાથ ધામમાં કપાટ બંધ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. બાબા કેદારની પાંચ મુખવાળી ચાંદીની ડોલી કેદારનાથના સ્ટોરેજ રૂમમાંથી મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગઈ છે. આ ડોલીમાં બાબા કેદારની ભોગ મૂર્તિ તેના શીતકાલીન વિશ્રામસ્થાન ઊખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે પહોંચશે.
કેદારનાથના કપાટ બંધ થશે : પૌરાણિક પરંપરા અને ધાર્મિક વિધિ અનુસાર ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે બાબા કેદારના કપાટ શિયાળાના છ મહિના સુધી બંધ રહેશે. કેદારનાથના કપાટ બંધ થયા પછી બાબા કેદારની પૂજા આગામી છ મહિના સુધી ઊખીમઠ ઓમકારેશ્વર મંદિરની શિયાળું ગાદીસ્થળ ખાતે થશે. આ વખતે કેદારનાથ ધામની યાત્રા ઐતિહાસિક રહી છે. અત્યાર સુધીમાં રેકોર્ડ 19 લાખ 55 હજારથી વધુ ભક્તો બાબા કેદારના દરબારમાં પહોંચ્યા છે.
6 મહિના બાબા કેદાર ઓમકારેશ્વર મંદિરમાં રહેશે : ઊખીમઠ ઓમકારેશ્વર મંદિરમાં ભગવાન શંકરની શિયાળુ પૂજા અર્ચના છ મહિના સુધી કરવામાં આવશે. જે ભક્તો કોઈ કારણસર કેદારનાથ ધામ સુધી પહોંચી શકતા નથી તેઓ ઓમકારેશ્વર મંદિરમાં આવીને ભગવાન કેદારનાથની પૂજા અર્ચના કરી શકે છે. શિયાળા દરમિયાન ઓમકારેશ્વર મંદિરમાં ભગવાન કેદારનાથની પૂજા કરવામાં આવે છે. કેદારસભાના અધ્યક્ષ રાજકુમાર તિવારીએ કહ્યું કે, દર વર્ષે ભાઈબીજના તહેવાર પર શિયાળા માટે કેદારનાથ ધામના કપાટ બંધ કરવામાં આવે છે. કેદારનાથના કપાટ બંધ થયા બાદ બાબા કેદારનાથની ડોલી વિવિધ પડાવ પરથી પસાર થયા બાદ શિયાળુ ગાદીસ્થળ ઊખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે પહોંચશે.
શ્રદ્ધાળુઓની ઐતિહાસિક સંખ્યા નોંધાઈ : આ વખતે મોટાભાગે હવામાન ખરાબ હતું તેમ છતાં કેદારનાથ ખાતે દર્શનાર્થે આવતા ભક્તોની ભીડ ચાલુ રહી હતી. વરસાદની મોસમમાં પણ લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. રાજકુમાર તિવારીએ કહ્યું કે, આ વર્ષની શરૂઆતથી જ હવામાન ખરાબ છે. તેમ છતાં બાબા કેદારનાથમાં ભક્તોની શ્રદ્ધા ઓછી થઈ નથી. આ વર્ષની યાત્રાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. 13 નવેમ્બર મંગળવાર સુધી 19,55,413 (19 લાખ 55 હજાર 413) શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. આગામી વર્ષમાં આ રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે.
યમુનોત્રીના કપાટ બુધવારે બંધ થશે : કેદારનાથ ધામના કપાટ બંધ થવાની સાથે જ વિશ્વ પ્રસિદ્ધ યમુનોત્રી ધામના કપાટ પણ બુધવારે ભાઈબીજના દિવસે બંધ થશે. ભાઈબીજના દિવસે સવારે 11.57 વાગ્યે યમુનોત્રી ધામના કપાટ બંધ થઈ જશે. જ્યારે યમુનોત્રી ધામના કપાટ બંધ થશે તે સમયે અભિજીત મુહૂર્ત અને મકર લગ્ન હશે. યમુનોત્રી ધામના કપાટ બંધ થયા બાદ શિયાળાના 6 મહિના સુધી ખરસાલી ખુશી મઠમાં માતા યમુનાના દર્શન કરી શકાશે. યમુનોત્રી ધામ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. આ વર્ષે 7,35,040 (7 લાખ 35 હજાર 40) ભક્તો યમુનોત્રી ધામના દર્શન કરવા પહોંચ્યા હતા.
