સુપ્રીમ સહમતિઃ પેગાસસ જાસૂસી મામલે તપાસ કમિટી બનાવાશે

author img

By

Published : Sep 23, 2021, 12:54 PM IST

સુપ્રીમ સહમતિઃ પેગાસસ જાસૂસી મામલે તપાસ કમિટી બનાવાશે

ગુરુવારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પેગાસસ જાસૂસી વિવાદ મામલે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ એડવોકેટ સી. યુ. સિંહને કહ્યું કે પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ આ અઠવાડિયે એક સમિતિની રચના કરવા માગે છે. જોકે તપાસ કમિટીમાં સમાવિષ્ટ કરવામાં આવનારમાંથી કેટલાક લોકોએ શામેલ થવાનો ઇનકાર કર્યો છે.

  • પેગાસસ જાસૂસી વિવાદમાં સુપ્રીમની સહમતિ
  • સુપ્રીમે તપાસ કમિટીની રચના કરવા જણાવ્યું
  • તપાસ સમિતિમાં શામેલ થવામાં કેટલાકે કર્યો ઇનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી વિવાદની તપાસ માટે એક સમિતિની રચના કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયે આ સંંદર્ભે આદેશો આપશે. હાલમાં ચાલી રહેલી પેગાસસ અરજીઓમાંની એક અરજી સંદર્ભે હાજર વરિષ્ઠ વકીલ ચંદર ઉદયસિંહને સીજેઆઈએ મૌખિકપણે આ બાબત જણાવી હતી, જ્યારે તેઓ અન્ય કેસ માટે ઉલ્લેખ કરી રહ્યાં હતાં.

નિષ્ણાત કમિટીમાં કેટલાક લોકો જોડાવા નથી માગતાં

પેગાસસ જાસૂસી કેસની સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ રમનાએ જણાવ્યું હતું કે નિષ્ણાત સમિતિ માટે કેટલાક લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે તેમાંથી ઘણા નિષ્ણાતો વ્યક્તિગત સમસ્યાઓના કારણે કમિટીમાં શામેલ થવા સક્ષમ નથી. સુનાવણી દરમિયાન સીજેઆઈએ જણાવ્યું કે આ અંગેનો આદેશ આગામી સપ્તાહ સુધીમાં આવી શકે છે. ટેકનિકલ નિષ્ણાતોની સમિતિ ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે નિષ્ણાતોની સમિતિ બનાવીને આ સમગ્ર મામલાની તપાસ કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટે કરેલી છે આ સ્પષ્ટતા

અગાઉ સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી સોફ્ટવેરના કથિત ઉપયોગની કોર્ટ-મોનિટરિંગ તપાસની માગ કરતી PIL પર કેન્દ્રને નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે કથિત પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારતાં સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટ નથી ઇચ્છતી કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં થાય તેવી કોઈ બાબત જાહેર કરે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોસની ત્રણ સભ્યોની ખંડપીઠે અરજીઓ પર કેન્દ્રનો જવાબ માગતા કહ્યું કે 10 દિવસ પછી આ કેસની સુનાવણી થશેે અને કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે જોશે.

મામલાની પશ્ચાદભૂમિકા

કેટલાક સમય પહેલાં પેગાસસ જાસૂસી મામલો બહાર આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીઓએ દાવો કર્યો હતો કે ભારત સરકારે ઇઝરાયલી સોફ્ટવેર દ્વારા દેશના ઘણાં નેતાઓ, પત્રકારો અને અન્ય હસ્તીઓની જાસૂસી કરી હતી. આ આરોપોને કેન્દ્ર સરકાર દ્વારા નકારવામાં આવ્યાં હતાં. જે લોકોની જાસૂસી કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે તેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સહિત કેન્દ્રીય પ્રધાનોના નામ પણ હતાં. આ મુદ્દે વિપક્ષે સડકથી લઇ સંસદ સુધી વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસુસી મામલા અંગે સુનાવણી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ Rahul Gandhi's Statement On Pegasus: સરકાર પર પ્રહાર કરતા કહ્યુ, પેગાસસનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.