અફઘાની લાડી અને ફ્રાન્સનો વર, આ રીતે ભારતીય બંધારણે કરાવ્યું મિલન....

author img

By

Published : Aug 14, 2021, 3:24 PM IST

ફ્રાન્સના યુવક અને અફઘાનિસ્તાનની કન્યાના લગ્ન

ફ્રાન્સના યુવક અને અફઘાનિસ્તાનની કન્યા હવે તેમના લગ્નની નોંધણી કરાવી શકશે. આ માટે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને નિર્દેશ આપ્યો છે. આ દંપતીને સોમવારે આગળની કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યા છે. તેની અરજીને લઈને 30 દિવસ સુધી નોટિસ આપવામાં આવશે, જેથી જો કોઈને વાંધો હોય તો તે જાણ કરી શકે. આ પ્રક્રિયા બાદ બન્ને ફ્રાન્સ પરત જઈ શકશે.

  • ફ્રાન્સના યુવક અને અફઘાની યુવતીએ કર્યા ભારતમાં લગ્ન
  • દિલ્હી હાઇકોર્ટે આ દંપતીના લગ્ન નોંધણી માટે રસ્તો મોકળો કર્યો
  • દંપતી આગામી સપ્ટેમ્બરમાં ભારતથી ફ્રાન્સ પરત ફરી શકશે

નવી દિલ્હી: ફ્રાન્સના યુવકને અફઘાનિસ્તાનની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ યુવક તેની સારવાર માટે ભારત આવ્યો હતો અને ત્યારે તે બન્નેની મુલાકાત થઈ હતી. તેઓએ દિલ્હીની એક મસ્જિદમાં લગ્ન કર્યાં, પરંતુ પરત જવા માટે કાનૂની સમસ્યા નળી હતી. ભારતના બંધારણએ તેમની આ સમસ્યા હલ કરી તેમના માટે પાછા ફરવાનો માર્ગ મોકળો કરી દીધો છે. દિલ્હી હાઇકોર્ટે આ સંદર્ભમાં આદેશ આપ્યો છે અને તે આગામી સપ્ટેમ્બરમાં ફ્રાન્સ પરત ફરી શકે છે.

દિલ્હીના મસ્જિદમાં કર્યા લગ્ન

દંપતીના વકીલ દિવ્યાંશુ પાંડેએ કહ્યું હતું કે, યુવક ફ્રાન્સનો છે, જ્યારે છોકરી અફઘાનિસ્તાનની છે. બન્ને પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. ગત માર્ચ મહિનામાં બન્ને સારવાર માટે ભારત આવ્યા હતા, આ દરમિયાન બન્ને મળ્યા અને 7 એપ્રિલના રોજ ડિફેન્સ કોલોની સ્થિત મસ્જિદમાં તેમણે લગ્ન કર્યા. આ દંપતી અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને જઈ શકે તેમ નથી, આથી બન્નેએ ફ્રાન્સ જવાનું નક્કી કર્યું હતું. જ્યારે યુવક પત્નીના વિઝા માટે ફ્રેન્ચ એમ્બેસી પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી કર્યા વગર તેની પત્ની વિઝા મેળવી શકશે નહી.

દિલ્હી હાઇકોર્ટમાં કરાઈ હતી અરજી

દંપતીના વકીલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. ભારતીય બંધારણની કલમ 14નો ઉલ્લેખ કરીને તેમણે હાઇકોર્ટ પાસે તેમના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાવવા માંગ કરી હતી. હાઇકોર્ટે આ અંગે દિલ્હી સરકારને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. આ જવાબમાં હાઇકોર્ટને કહેવામાં આવ્યું હતું કે પ્રાદેશિક SDM આ મામલાને અગ્રણી રીતે જોઈ રહ્યા છે.

30 દિવસ સુધી નોટિસ બાદ દંપતી જશે ફ્રાન્સ

દંપતીના વકીલ એડવોકેટ દિવ્યાંશુ પાંડેએ કહ્યું કે, ભારતના કાયદામાં સ્પષ્ટ છે કે જો કોઈ બે વિદેશીઓ અહીં લગ્ન કરે છે, તો તેઓ વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ નોંધણી કરાવી શકે છે. હાલ દંપતીને SDM ઓફિસમાંથી ફોન આવ્યો છે. તેઓને સોમવારે આગળની કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યા છે. તેની અરજી અંગે 30 દિવસ સુધી નોટિસ આપવામાં આવશે જેથી જો કોઈને વાંધો હોય તો તે કહી શકે. જો આ સમયગાળા દરમિયાન કોઈ વાંધો ન હોય, તો તેમના લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ નોંધવામાં આવશે. તે બાદ બન્ને ફ્રાન્સ જઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.