નવી Mercedes-Benz GLC EV ભારતમાં લોન્ચ; 700 કિમીથી વધુની રેન્જ, જાણો કેટલી છે કિંમત?
Mercedes-Benz Indiaએ ભારતમાં પોતાની નવી Mercedes-Benz GLC EV લોન્ચ કરી છે, જેની પ્રારંભિક કિંમત ₹78.50 લાખ છે.

Published : November 4, 2026 at 10:15 PM IST
હૈદરાબાદ: લક્ઝરી કાર નિર્માતા Mercedes-Benz Indiaએ ભારતીય બજારમાં પોતાની નવી Mercedes-Benz GLC EV લોન્ચ કરી દીધી છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત ₹78.50 લાખ છે. ખાસ વાત એ છે કે, આ ભારતમાં વેચાતી Mercedes-Benzની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર છે.
નવી Mercedes-Benz GLC EVનું એસેમ્બલિંગ પુણે નજીક આવેલા જર્મન ઓટોમેકરના પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, આ વાહન માટે બુકિંગ ઓક્ટોબર 2026માં શરૂ કરવામાં આવ્યું હતું.

નવી Mercedes-Benz GLC EVની વિશેષતાઓ
ભારતીય બજારમાં આ SUV ને Mercedes-Benz GLC400 તરીકે રજૂ કરવામાં આવી છે. તેમાં 94kWh નું બેટરી પેક આપવામાં આવ્યું છે, જે એકવાર ચાર્જ કરવા પર 711 કિમી સુધીની રેન્જ આપે છે. કંપનીના જણાવ્યા અનુસાર, DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને 10 મિનિટ ચાર્જ કરવાથી 300 કિમી સુધીની રેન્જ મેળવી શકાય છે.

આ વાહનમાં ડ્યુઅલ-મોટર સેટઅપ છે, જે કુલ 482.4bhp પાવર અને 800Nm ટોર્ક જનરેટ કરે છે. આ તેને તેના વર્ગના સૌથી શક્તિશાળી વાહનોમાંનું એક બનાવે છે. 4.85 મીટરની લંબાઈ અને 2.97 મીટરના વ્હીલબેઝ સાથે તે પોતાની શ્રેણીના સૌથી મોટા વાહનોમાં સ્થાન ધરાવે છે.
નવી Mercedes-Benz GLC EV ની ડિઝાઈન અને ફીચર્સ
ડિઝાઈનની વાત કરીએ તો, નવી GLC EV ભારતીય બજારમાં AMG ડિઝાઈન પેકેજ સાથે ઉપલબ્ધ છે. આ વાહનમાં ઇલેક્ટ્રિક-સ્પેસિફિક AMG ગ્રિલ, 20-ઇંચના AMG-સ્પેશિફિક વ્હીલ્સ, એલ્યુમિનિયમ રનિંગ બોર્ડ્સ અને કનેક્ટેડ ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે.
ફીચર્સની વાત કરીએ તો, GLC ઇલેક્ટ્રિકમાં MBUX હાઇપરસ્ક્રીન, ડોલ્બી એટમોસ (Dolby Atmos) સાથેની બર્મિસ્ટર (Burmester) સાઉન્ડ સિસ્ટમ, એમ્બિયન્ટ લાઇટિંગ, પેનોરેમિક ગ્લાસ રૂફ, વેન્ટિલેશન અને મસાજ ફંક્શન ધરાવતી આગળની સીટો, ફુલ-LED લાઇટિંગ પેકેજ, પાવર-ફોલ્ડિંગ સેકન્ડ-રો સીટો, વાયરલેસ ચાર્જિંગ પેડ, લેવલ 2 ADAS, ઓટો-પાર્ક ફંક્શન અને 570 લિટરની બૂટ સ્પેસ (ડિક્કી) આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં 128 લિટરની 'ફ્રન્ક' ગાડીની આગળના ભાગમાં આવેલી સ્ટોરેજ જગ્યા પણ છે.

નવી મર્સિડીઝ-બેન્ઝ GLC EVના હરીફો
સ્પર્ધાની દૃષ્ટિએ તેનો મુખ્ય હરીફ BMW iX3 SUV હશે, જે 2027માં બજારમાં આવશે. BMWની આ મિડ-સાઇઝ SUVમાં સમાન સ્પેસિફિકેશન્સ, ફીચર્સ, ઇન્ટિરિયર સ્પેસ અને રોડ પ્રેઝન્સ જોવા મળે તેવી અપેક્ષા છે.
નવી મર્સિડીઝ-બેન્ઝ GLC ઇલેક્ટ્રિકની જેમ જ આગામી BMW iX3 પણ ભારતમાં સ્થાનિક સ્તરે એસેમ્બલ કરવામાં આવશે તેવી શક્યતા છે. ઉત્પાદકને આ વાહન માટે અત્યાર સુધીમાં 1,000થી વધુ બુકિંગ મળી ચૂક્યા છે અને માર્ચ 2027 સુધીનું તમામ ઉત્પાદન બુક થઈ ગયું છે.
આ પણ વાંચોઃ
નવેમ્બર 2026માં લોન્ચ થવા જઈ રહી છે આ ચાર નવી કાર, જુઓ લિસ્ટ
ભારતમાં રેન્જ રોવર SVનું સવાઈ કલેક્શન લોન્ચ; જાણો તેની કિંમત અને ફીચર્સ

