ભારતમાં પેટ્રોલ-ડીઝલ વાહનની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહન લોકોની પ્રથમ પસંદ બન્યા, FY26માં 24.6 ટકાનો વધારો નોંધાયો
નાણાકીય વર્ષ 2026માં ભારતની ઇલેક્ટ્રિક મોબિલિટીમાં વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષ બજારમાં 24.52 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું.

Published : April 8, 2026 at 1:42 PM IST
હૈદરાબાદ: નાણાકીય વર્ષ 2026માં ભારત ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ આગળ વધ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં, બજારમાં વાહનોનું છૂટક વેચાણ 24.52 લાખ યુનિટ સુધી પહોચ્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં 24.6 ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો માત્ર એક કેટેગરી પૂરતો મર્યાદિત નહતો પરંતુ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વાહનો તમામમાં બે આંકડામાં મજબૂત વધારો જોવા મળ્યો છે.
ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનનું વેચાણ 2 લાખ યુનિટ્સની નજીક
પાછલા નાણાકીય વર્ષમાં, સૌથી મોટો બદલાવ ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોમાં જોવા મળ્યો હતો, જ્યાં લોકોએ તેને અપનાવવામાં વેગ પકડ્યો છે. આ સેગમેન્ટનું રિટેલ વેચાણ 1,99,923 યુનિટ્સ સુધી પહોચ્યું હતું જ્યારે એક વર્ષ અગાઉ વેચાણ 1,08,873 યુનિટ્સ હતું. આ વેચાણ સાથે સેગમેન્ટના વેચાણમાં 83.63 ટકાનો વધારો થયો છે.
આ સેગમેન્ટ 2 લાખના આંકથી માત્ર થોડો જ પાછળ રહી ગયો પરંતુ આ સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી મજબૂત વાર્ષિક વધારો નોંધાયો છે. વોલ્યુમની દ્રષ્ટિએ, Tata Motors Passenger Vehiclesએ 78,811 યુનિટ્સ સાથે બજારમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું છે. તે બાદ JSW MG Motor Indiaએ 53,089 યુનિટ્સ સાથે બીજુ સ્થાન મેળવ્યું છે. તે બાદ Mahindra & Mahindra 42,721 યુનિટ્સ વેચાણ સાથે ત્રીજા સ્થાન પર રહી છે.
ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વાહનનું વેચાણ પણ વધ્યું
ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વાહનના વેચાણની વાત કરીએ તો EV વેચાણમાં આ સેગમેન્ટનો સૌથી મોટો ભાગ રહ્યો છે. આ સેગમેન્ટે 14 લાખ યુનિટ્સના વેચાણના આંકડાને પાર કરી લીધો છે. નાણાકીય વર્ષ 2026માં આ સેગમેન્ટમાં 21.81 ટકાનો વધારો થયો છે અને આ 11,50,790 યુનિટ્સથી વધીને 14,01,818 યુનિટ્સ સુધી પહોંચી ગયું છે.
આ સેગમેન્ટમાં TVS Motor Companyએ 3,41,513 યુનિટ્સ ઇલેટ્ર્કિક ટુ વ્હીલર વાહનનું વેચાણ કર્યું છે અને લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવી લીધુ છે. આ યાદીમાં બીજુ સ્થાન Bajaj Autoનું છે, જેને 2,89,349 યુનિટ્સનું વેચાણ કર્યું છે. ત્રીજા સ્થાન પર Ather Energyએ 2,39,178 યુનિટ્સનું વેચાણ કર્યું છે.
થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનનું કેટલું વેચાણ થયું?
ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર વાહનોએ શહેરી અવર જવર અને લાસ્ટ માઇલ પરિવહનમાં પોતાની ભૂમિકા ભજવી છે. થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ વધીને 8,30,819 યુનિટ્સ થયું છે જે નાણાકીય વર્ષ 2025ની 6,98,914 યુનિટ્સની તુલનામાં 18.97 ટકાનો વધારો દર્શાવે છે.
જોકે, તેમની સંખ્યા હજુ પણ તુલનાત્મક રીતે ઘણી ઓછી છે પરંતુ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોએ સૌથી ઝડપી વિકાસ દર્જ કર્યો છે. પાછલા નાણાકીય વર્ષના 8,820 યુનિટ્સથી વધીને છૂટક વેચાણ બમણા કરતા પણ વધુ થઇને 19,454 યુનિટ્સ સુધી પહોંચી ગયું છે જે 120.57 ટકાનો વધારો દર્શાવે છે.
તમામ સેગમેન્ટમાં વધારો
વર્ષનો સારાંશ આપતા, ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)ના પ્રમુખ સી.એસ. વિગ્નેશ્વરે જણાવ્યું કે, "નાણાકીય વર્ષ 2026 ભારતની ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટોરી માટે મહત્ત્વનું વર્ષ રહ્યું છે. ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ્સ અને કોમર્શિયલ વ્હીકલ્સ મળીને કૂલ EV રિટેલ લગભગ 24.52 લાખ યુનિટ્સ હતું જેમાં વાર્ષિક આધાર પર લગભગ 24.6 ટકાનો વધારો થયો છે અને દરેક કેટેગરીમાં મજબુત બમણા અંકમાં વધારો નોધાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, "આ માત્ર ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની સિદ્ધિ નથી પણ એક મોટા પાયે એનર્જી ટ્રાંજિશનનું નેતૃત્ત્વ કરનારા ભારતની ક્ષમતાનું પ્રમાણ છે, પછી તે 'લાસ્ટ-માઇલ' ઓટો રિક્ષા હોય કે ફેમિલી કાર હોય."
તમામ સેગમેન્ટમાં સતત થઇ રહેલો વધારો દર્શાવે છે કે બજારમાં માંગ વધી રહી છે અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રાઇવેટ અને કોમર્શિયલ બન્ને રીતે ઉપયોગમાં વધુ મજબૂતીથી સ્વીકૃતિ મળી રહી છે.
આ પણ વાંચો:

