Apple Pay: ભારતમાં લૉન્ચ થવાની તૈયારી, Google Pay અને Paytmને મળશે ટક્કર
એપલ પોતાની ડીજિટલ પેમેન્ટ સર્વિસ ભારતમાં લૉન્ચ કરવા માટે દેશની અગ્રણી પ્રાઈવેટ બેંક સાથે વાતચીત કરી રહી છે

Published : February 26, 2026 at 6:27 PM IST
હૈદરાબાદ: Apple Inc. હવે ભારતમાં પોતાની ડિજિટલ પેમેન્ટ સેવા Apple Pay શરૂ કરવાની તૈયારીમાં છે. તેના માટે કંપની ભારતની કેટલીક મોટી પ્રાઇવેટ બેંકો સાથે ચર્ચા કરી રહી છે. Bloomberg ની એક રિપોર્ટ અનુસાર, એપલ ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એક્સિસ બેંક સાથે વાતચીત કરી રહી છે. કંપનીનો પ્રયાસ છે કે 2026ના મધ્ય સુધીમાં ભારતમાં Apple Pay લોન્ચ કરવામાં આવે.
જોકે, હજુ સુધી એપલે ભારતમાં પોતાની પેમેન્ટ સર્વિસની ચોક્કસ લોન્ચ સમયરેખા નક્કી કરી નથી, પરંતુ ચર્ચા આગળ વધી રહી હોવાથી એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ભારતમાં લોકોને Apple Pay દ્વારા ઑનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા મળશે. આ યોજના માટે એપલ વૈશ્વિક પેમેન્ટ નેટવર્ક કંપનીઓ Mastercard Inc. અને Visa Inc. સાથે પણ ચર્ચા કરી રહી છે.
આ મુદ્દે એપલે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે. બીજી તરફ, જે બેંકો સાથે એપલ ચર્ચા કરી રહી છે, તેમની તરફથી પણ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ભારતમાં Apple Pay શરૂ થશે તો તે ભારત સરકાર દ્વારા સમર્થિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI ને પણ સપોર્ટ કરશે. UPIનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે.
Google Pay અને PhonePe ને મળશે ટક્કર
UPI મારફતે લોકો તરત જ પૈસા ટ્રાન્સફર કરી શકે છે અને બિલ પેમેન્ટ કરી શકે છે, અને હાલમાં તે ભારતના ડિજિટલ પેમેન્ટ બજારમાં અગ્રેસર છે. ભારતમાં પહેલાથી જ Alphabet Inc. ની પેમેન્ટ સર્વિસ Google Pay, Walmart Inc. ના નિયંત્રણ હેઠળની PhonePe, તેમજ Amazon Pay અને Paytm જેવી કંપનીઓ ઑનલાઇન પેમેન્ટ ક્ષેત્રમાં સક્રિય સેવાઓ આપી રહી છે.
આવા સંજોગોમાં Apple Pay ની એન્ટ્રી બાદ ભારતના ઑનલાઇન પેમેન્ટ બજારમાં સ્પર્ધા વધુ વધશે. તેનો અસર હમણાંથી જ દેખાવા લાગી છે, કારણ કે Apple Pay અંગેની ખબર આવતા જ Paytm ની પેરેન્ટ કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો છે. Apple Pay Face ID અથવા Touch ID દ્વારા સુરક્ષિત ચુકવણીની સુવિધા આપે છે. ભારતના કેન્દ્રીય બેંકે પણ તાજેતરમાં ડિજિટલ પેમેન્ટમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને મંજૂરી આપી છે, જેના કારણે એપલને પોતાના સિસ્ટમ સાથે સુસંગતતા સાધવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો:
સેમસંગે લોન્ચ કરી નવી ગેલેક્સી S26 સિરીઝ અને Buds4, જાણો કિંમત અને શાનદાર ફિચર્સ
iPhone યૂઝર્સ માટે WhatsApp નવા ફીચર પર કરી રહ્યું છે કામ, જાણો શું છે ખાસ

