ડીસામાં આઇસક્રીમ ખાતા ખાતા યુવકને આવ્યો હાર્ટએટેક, ગણતરીની સેંકડોમાં જ મોત
બનાસકાંઠાના ડીસામાં આઇસક્રીમ ખાતા ખાતા યુવકને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

Published : July 2, 2026 at 11:01 AM IST
બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં આઇસક્રીમ ખાતા ખાતા યુવકને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. હાર્ટ એટેક આવતા જ યુવકનું ગણતરીની સેકન્ડોમાં જ મોત થયું હતું.
ડીસામાં આઇસક્રીમ ખાતા ખાતા યુવકને આવ્યો હાર્ટ એટેક
ડીસામાં ખુરશીમાં બેસી આરામથી આઇસક્રીમ ખાવાની મજા માણતા યુવકને અચાનક હાર્ટ એટેક આવતા ગણતરીની સેકન્ડોમાં જ ખુરશીમાંથી નીચે ઢળી પડ્યો હતો. જોકે, યુવક કઇ સમજે અને મદદ માગે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી.
CCTV કેમેરામાં જોઈ શકાય છે કે યુવક ખુરશીમાં આરામથી બેઠેલો છે ત્યારબાદ તેને શરીરમાં અસ્વસ્થતા અને છાતીમાં તીવ્ર દુઃખાવો થતો હોય તેવુ લાગે છે અને પછી તે ખુરશીમાંથી નીચે ઢળી પડે છે. નજીકમાં બેઠેલો યુવક તેને મદદ કરવાનો અને ઉભો કરવાનો પ્રયાસ કરે છે.જોકે, દુકાનમાં હાજર અન્ય લોકો પણ યુવકને શું થયુ તે સમજે તે પહેલા તો ગણતરીની સેંકડોમાં યુવકનુ મોત થઈ જાય છે.
મૃતક યુવકની ઓળખ ડીસાના 43 વર્ષીય મુકેશ લોધાના નામે થઈ છે. સ્વસ્થ હાલતમાં દુકાનમાં આઈસક્રીમ ખાવા આવેલા યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, યુવકને તાત્કાલિક તબીબી સહાય મળે તે પહેલા જ યુવકનું ગણતરીની સેકન્ડોમાં મોત નિપજ્યું છે.
અચાનક બનેલી ઘટનાથી દુકાન સંચાલક અને હાજર લોકો પણ ગભરાઈ ગયા હતા અને જોતજોતામાં લોકોના ટોળેટોળા પણ એકત્ર થયા હતા.
મુકેશ લોધાના મોતથી પરિવાર ઉપર પણ આભ ફાટી પડ્યા જેવી પરિસ્થિતિ આવી પડી હતી. ઘરેથી બિલકુલ સ્વસ્થ નીકળેલા યુવકનો ઘરે મૃતદેહ પહોચતા પરિવાર ઉંડા આઘાતમાં સરકી ગયુ છે.
આ પણ વાંચો:

