વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આવનારું વર્ષ કેવું રહેશે? હોળીની જ્વાળા પરથી રમણીભાઈ વામજાએ કાઢ્યો વર્ષનો વરતારો
દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા દર વર્ષે હોળીની ઝાળ જોવાની એક વિશેષ પરંપરા સદીઓ પૂર્વેથી ચાલતી આવે છે.

Published : March 3, 2026 at 3:58 PM IST
જુનાગઢ: પ્રાચીન દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજા એ હોળીના દિવસે હોળીની ઝાળ અને પવન પરથી પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. તે મુજબ આ વર્ષે ચોમાસુ સારું જશે પરંતુ કપાસના પાકને ખૂબ નુકસાન થાય તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. વધુમાં આ વખતની હોળીની ઝાળ કષ્ટદાયક સ્થિતિમાં જોવા મળી રહી છે, જેને કારણે દેશના કોઈ ખૂબ જ ખ્યાતના અથવા તો પ્રસિદ્ધ રાજનેતાનું નિધન થાય તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. વધુમાં હોળીની ઝાળને લઈને સમગ્ર વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વિકટ બને રાજા અને પ્રજા કષ્ટદાયક સમયમાંથી પસાર થાય તેવુ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે.
હોળીની ઝાળ પરથી આવનારું વર્ષ કષ્ટદાયક
દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા દર વર્ષે હોળીની ઝાળ જોવાની એક વિશેષ પરંપરા સદીઓ પૂર્વેથી ચાલતી આવે છે. જે અંતર્ગત આ વખતે હોળીના દિવસે ઝાળ અને પવન આકાશ તરફ જતા જોવા મળ્યા. આ પ્રકારનો વરતારો રાજા અને પ્રજા માટે કષ્ટદાયક હોવાનું અનુમાન વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા લગાવવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની રાજા અને પ્રજા કષ્ટદાયક સમયમાંથી પસાર થાય તેમજ દેશના કોઈ ખ્યાતનામ રાજનેતા આપણી વચ્ચેથી વિદાય લે તેવું અનુમાન વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજા એ વ્યક્ત કર્યું છે.
હોળીની ઝાળના પવન અને વર્ષ કથન
હોળીની ઝાળ અને તેના પરથી વર્ષ કથન વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. તે મુજબ જો પશ્ચિમ દિશા તરફનો પવન હોય તો તે ઉત્તમ ફળ આપનારું માનવામાં આવે છે. વાયવ્ય દિશાનો પવન તોફાની વરસાદ ધન્યધાન્ય સારા થવાની નિશાની છે. ઉત્તર દિશા તરફનો પવન સારો વરસાદ લાવનાર માનવામાં આવે છે. તેવી જ રીતે પશ્ચિમ દિશામાં જો પવન વાય તો તેને સારા સમયની નિશાનીનું સૂચક માનવામાં આવે છે. હોળીના દિવસે પૂર્વ દિશાનો પવન ક્યાંક વરસાદ તો ક્યાંક એકદમ દુષ્કાળ જેવી સ્થિતિનું વર્ણન કરે છે. દક્ષિણ દિશા તરફનો પવન હોળીના દિવસે વાય તો ધન ધાન્યનો નાશ અને કૃષિ ઉપજ એકદમ ઓછી થાય તેવું અનુમાન લગાવવામાં આવે છે.
ઉત્તર દિશા તરફનો જો પવન હોળીના દિવસે વાય તો સમગ્ર પૃથ્વી પર પાણી-પાણી જોવા મળી શકે છે તેવી જ રીતે ઈશાન ખૂણાનો પવન સાધારણ વરસાદ અને અગ્નિ તરફ જો હોળીના દિવસે પવન જોવા મળે તો તે દુષ્કાળ અથવા તો ઓછા વરસાદનું સૂચક માનવામાં આવે છે. હોળીના દિવસે જો પવન આકાશ તરફ જાય તો રાજા પ્રજા તૂટે યુદ્ધ થાય અને કોઈ મોટા ખ્યાતનામ રાજનેતાનું અવસાન થાય તેવી સંભાવનાઓ પણ રહેલી છે. વધુમાં તમામ દિશાઓ તરફ હોળીના દિવસે જો પવન ફૂંકાય તો સમગ્ર વર્ષમાં ગમે ત્યારે ન બનવાના બનાવો ઘટવાની સાથે રાજા અને પ્રજા ખૂબ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:

