ETV Bharat / state

યશવી ફાઉન્ડેશન વિવાદોના ઘેરામાં, યુવતીનો આરોપ: સંસ્થાએ અમારા નામ વટાવી પબ્લિસિટી મેળવી, અમને મુશ્કેલીમાં મૂકી છેડો ફાડી નાખ્યો

સંસ્થાએ હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીને લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી

સંસ્થાએ હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીને લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી
સંસ્થાએ હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીને લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 1, 2026 at 10:31 PM IST

1 Min Read
Choose ETV Bharat

સુરત: શહેરમાં સામાજિક સેવાના નામે કાર્યરત 'યશવી ફાઉન્ડેશન' અત્યારે વિવાદનું કેન્દ્ર બની છે. એક હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાની જાહેરાત કર્યા બાદ, સંસ્થાએ અચાનક પીછેહઠ કરતા પીડિત યુવતીએ સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ફરહા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી જણાવ્યું છે કે, સંસ્થાએ માત્ર પોતાની TRP વધારવા માટે તેમનો ઉપયોગ કર્યો અને હવે તેમને મુશ્કેલીમાં મૂકીને છેડો ફાડી નાખ્યો છે.

મળતી માહિતી મુજબ, ફરહા અને તેના સાથીએ યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્ન માટે નોંધણી કરાવી હતી. સંસ્થાએ 14 માર્ચના રોજ તેમના લગ્ન કરાવવાની ખાતરી આપી હતી. ગત 25 ફેબ્રુઆરીએ ડુમસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યુગલને બોલાવી, સંસ્થાના કર્મચારીઓએ દબાણપૂર્વક તેમનો ઇન્ટરવ્યુ પત્રકારો સમક્ષ અપાવ્યો હતો. યુવતીનો આરોપ છે કે, સંસ્થાએ જાણીજોઈને 'હિન્દુ-મુસ્લિમ' કાર્ડ રમી ન્યૂઝ લીડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

યશવી ફાઉન્ડેશનનો વિવાદ વકર્યો (ETV Bharat Gujarat)
વાયરલ વીડિયોમાં ફરહાએ ભારે હૈયે જણાવ્યું કે:"અમે કોઈની લાગણી દુભાવવા નહોતા માગતા. સંસ્થાએ પબ્લિસિટી માટે અમારા નામ ઉછાળ્યા, જેના કારણે સોશિયલ મીડિયા પર અમને નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો છે. હવે અમારું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. અમારી જિંદગી બરબાદ કરવા બદલ યશવી ફાઉન્ડેશનનો આભાર."

બીજી તરફ, યશવી ફાઉન્ડેશન ચૅરિટેબલ ટ્રસ્ટે 27 ફેબ્રુઆરીના રોજ સ્પષ્ટતા કરી હતી કે, યુવતીના પરિવારજનો આ લગ્ન માટે તૈયાર નથી. નવા લગ્ન નોંધણી કાયદા મુજબ, પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ અનિવાર્ય હોવાનું જણાવી સંસ્થાએ આ ફોર્મ રદ્દ કર્યું છે. સંસ્થાએ દાવો કર્યો છે કે તેઓ કોઈ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાવવા માંગતા નથી.

સુરતના સામાજિક વર્તુળોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે જો કાયદાકીય ગૂંચ હતી, તો સંસ્થાએ અગાઉ પબ્લિસિટી કેમ કરી? પીડિત યુવતીએ અન્ય યુવતીઓને પણ આવી સંસ્થાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો:

સુરત પોલીસે સાયબર ફ્રોડ ગેંગના 5 આરોપીને ઝડપ્યા, રાજસ્થાનથી દૂબઈ સુધી ફેલાયેલા નેટર્વકનો પર્દાફાશ

હથોડા ગૌ-હત્યા કેસમાં પોલીસે આરોપીઓનો હાથમાં દોરડા બાંધી વરઘોડો કાઢ્યો, ઘટનાસ્થળેથી ધારદાર હથિયાર મળ્યા