સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 3 મહિનાના બાકી પગારને લઈનેમહિલા સફાઈ કર્મચારીઓનો હોબાળા
સુરેન્દ્રનગર મનપાની કોન્ટ્રાક્ટ એજન્સીમાં કાર્યરત 50થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગાર ન મળતાં આંદોલન પર ઉતરી, પગાર નહીં તો કચેરી નહીં છોડવાની ચીમકી.

Published : July 4, 2026 at 6:10 PM IST
સુરેન્દ્રનગર: મહાનગરપાલિકાની કોન્ટ્રાક્ટ એજન્સીમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નથી. આ મુદ્દે 50થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓએ મહાનગરપાલિકા ખાતે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો હતો. પગાર ન મળતાં મહિલાઓ આકરા પાણીએ જોવા મળી હતી અને કચેરી ન છોડવાની ચીમકી આપી હતી. ઘટનાને પગલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું અને એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સાથે તાત્કાલિક પગાર ચૂકવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ત્રણ મહિનાથી પગાર વિના રાત-દિવસ સફાઈ
મહિલા સફાઈ કર્મચારીઓએ જણાવ્યું કે, તેમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નથી. તેઓને રાત્રે સાત વાગ્યે સફાઈ માટે બોલાવવામાં આવે છે અને મોડી રાત સુધી એક વાગ્યા સુધી સફાઈ કરાવવામાં આવે છે. આટલી મહેનત છતાં ત્રણ મહિનાનો પગાર બાકી હોવાથી પોતાનું અને પરિવારનું જીવનધોરણ જાળવવું મુશ્કેલ બની ગયું છે. દેવું કરીને ઘર ચલાવવાની હાલાકીનો અનુભવ થઈ રહ્યો હોવાની વેદના તેમણે ઠાલવી હતી. છેલ્લા ચાર દિવસથી રજૂઆતો કરવા છતાં ‘આજે પગાર થશે, કાલે થશે’ના માત્ર વાયદા મળી રહ્યા હોવાનો તેમનો આક્ષેપ છે.
કોન્ટ્રાક્ટરના ગેરવર્તન અને બ્લેક લિસ્ટની કાર્યવાહી
મહિલાઓએ કમિશનર અને અન્ય અધિકારીઓ સમક્ષ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ કરી હતી. તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવતા આજે તેઓએ મહાનગરપાલિકા કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં ધામા નાખી હોબાળો મચાવ્યો હતો. આ પગલે તાત્કાલિક ધોરણે અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા અને સંબંધિત કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવાની જાહેરાત કરી હતી. સાથે જ મહિલાઓના પગાર તાત્કાલિક ચૂકવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
પોલીસ હસ્તક્ષેપ અને ઉગ્ર વાતાવરણ
કમિશનર કચેરીનો ઘેરાવ કરતી મહિલાઓને પોલીસે કચેરીની બહાર કાઢવાનો પ્રયાસ કરતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. સીટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળે ધામા નાખી મામલો શાંત પાડવાના પ્રયત્નો કર્યા હતા.
સફાઈ કર્મચારીની વેદના
સફાઈ કર્મચારી પાયલ પરમારે જણાવ્યું કે, “છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતાં જીવન ધોરણ ચલાવવું કઠિન બન્યું છે. ઘરની પરિસ્થિતિ કથળી રહી છે, રસોડું ચલાવવું અને બાળકોની ફી ભરવાના પૈસા નથી. કોન્ટ્રાક્ટર ફોન ઉપાડતા નથી અને જવાબ આપતા નથી, આથી આંદોલન કરવાની ફરજ પડી છે. જ્યાં સુધી પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી ઓફિસની બહાર નીકળવાના નથી.”
સેનિટેશન અધિકારીનું નિવેદન
સેનિટેશન અધિકારી કુલદીપ પરમારે જણાવ્યું કે, “કોન્ટ્રાક્ટરને બોલાવી તાત્કાલિક પગાર ચૂકવવા સૂચના આપવામાં આવી છે. તમામ મહિલા કર્મચારીઓના પગાર થાય તે માટે પ્રયત્નો શરૂ કરાયા છે. પગારનો પ્રશ્ન ગંભીર છે અને એજન્સીને કડક સૂચના અપાઈ છે.”
આ પણ વાંચો...

