ધાર્મિક પ્રસંગોને ટાર્ગેટ કરતી મહિલા ગેંગ ઝડપાઈ, વેસુ ભાગવત કથામાં 7 ચેઈન ચોરીનો ભેદ ઉકેલાયો
પકડાયેલી ત્રણેય મહિલાઓ રીઢા ગુનેગાર છે અને ભારતભરમાં ધાર્મિક પ્રસંગોમાં જઈને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

Published : December 31, 2025 at 4:59 PM IST
સુરત: સુરત શહેરમાં યોજાતા ભવ્ય ધાર્મિક આયોજનો હવે ચોર ટોળકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. વેસુના નંદીની-1 એપાર્ટમેન્ટમાં આયોજિત ભાગવત કથા દરમિયાન આરતીની ભીડનો લાભ લઈ 7 મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન સેરવી લેનાર દિલ્હીની કુખ્યાત મહિલા ગેંગને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે. પકડાયેલી ત્રણેય મહિલાઓ રીઢા ગુનેગાર છે અને ભારતભરમાં ધાર્મિક પ્રસંગોમાં જઈને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
ભીડમાં ભળી જઈ નજર ચૂકવી કરતી ચોરી
ગત 27 ડિસેમ્બરના રોજ વેસુ ખાતેની ભાગવત કથામાં આરતી સમયે ભારે ભીડ જામી હતી. આ ભીડનો ફાયદો ઉઠાવી અજાણી મહિલાઓએ સાત મહિલાઓના ગળામાંથી આશરે ₹6.77 લાખની કિંમતની 7 સોનાની ચેઈન ચોરી કરી હતી. વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કીમ ચાર રસ્તા પાસેથી ત્રણ મહિલાઓને દબોચી લીધી હતી.
ઝડપાયેલી મહિલા આરોપીઓ:
૧. વનિતા ઉર્ફે વનીદા રંગાસ્વામી (૩૫): (રહે. દિલ્હી) - ૮ થી વધુ ગુનામાં સામેલ.
૨. રાધા ઉદયા વેલગુ (૪૫): (રહે. દિલ્હી) - ગોવા અને સુરતના ગુનામાં વોન્ટેડ.
૩. મનીષા પટનતાલ નાયડુ (૩૨): (રહે. દિલ્હી).
વેશપલટો કરીને શ્રદ્ધાળુઓમાં ભળી જતી
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ગેંગ જે તે રાજ્ય કે ધર્મના પ્રસંગ મુજબ વેશભૂષા ધારણ કરતી હતી જેથી કોઈને શંકા ન જાય. લગ્ન કે કથામાં ભીડ વચ્ચે જે મહિલાએ વધુ દાગીના પહેર્યા હોય તેને ટાર્ગેટ કરી નજર ચૂકવી ગણતરીની સેકન્ડોમાં દાગીના સેરવી લેતી હતી.
ગુનાહિત ઇતિહાસ: અનેક રાજ્યોમાં આતંક
મુખ્ય આરોપી વનિતા અગાઉ અમદાવાદ, ભુજ, વલસાડ અને ગોવા જેવા શહેરોમાં 8 જેટલા ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે. જ્યારે રાધા વેલગુ પણ ગોવા અને સુરતના અલથાણ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતી. હાલ સુરત ક્રાઈમ બ્રાંચે ત્રણેયનો કબજો વેસુ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:

