અમરેલીમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું શંકાસ્પદ મોત, ફોરેન્સિક રિપોર્ટના વિલંબથી ઉગ્ર આક્રોશ
અનેક દિવસો વીતી જવા છતાં ફોરેન્સિક રિપોર્ટ ન આવતા પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Published : February 24, 2026 at 4:58 PM IST
અમરેલી: અમરેલી ખાતે ગર્ભાશય (યૂટેરસ)ના ઓપરેશન બાદ એક મહિલાનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાની લાશ ભાવનગર ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી હતી, પરંતુ અનેક દિવસો વીતી જવા છતાં ફોરેન્સિક રિપોર્ટ ન આવતા પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઓપરેશન બાદ મહિલાની તબિયત બગડતા તેનું મોત નિપજ્યું હતું. મોત શંકાસ્પદ હોવાના કારણે પરિવારજનોએ તાત્કાલિક ન્યાયની માગણી કરી હતી. ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા પરિવારે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.
મૃતક મહિલાના પતિએ મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જ્યાં સુધી ફોરેન્સિક રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી. ન્યાય ન મળે ત્યાં સુધી અહીં જ બેસી રહીશું.” છેલ્લા પાંચ દિવસથી મૃતદેહ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે અને પરિવાર પીએમ રિપોર્ટ તથા ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે.
પરિસ્થિતિ તંગ બનતા સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર ટીમ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાંથી પોલીસ જવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન પરિવારજનો તથા સમાજના લોકોએ સૂત્રોચાર કર્યા, મહિલાઓ દ્વારા છાજિયા લઈ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું.
આ મામલે દેવીપુજક સમાજ દ્વારા ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ જિલ્લા કલેકટર કચેરીનો ઘેરાવ કરી લેખિત આવેદન પાઠવ્યું હતું. બાદમાં રેલી સ્વરૂપે એસપી કચેરીએ પહોંચી નાયબ અધિક્ષકને પણ રજૂઆત કરી ન્યાયની માગણી કરી હતી.
હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દેવીપુજક સમાજના લોકો ધરણા પર બેસી ગયા છે. માત્ર અમરેલી જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાભર અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી સમાજના લોકો અહીં ઉમટી પડ્યા છે. દિવસ પ્રતિદિન મામલો વધુ તીવ્ર બની રહ્યો છે અને વહીવટીતંત્ર પર વહેલી તકે ફોરેન્સિક રિપોર્ટ જાહેર કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.
પરિવારજનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં રિપોર્ટ નહીં મળે અને ન્યાય નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સમગ્ર મામલે હવે તંત્રના આગામી પગલાં ઉપર સૌની નજર મંડાઈ છે.
આ પણ વાંચો:

