ETV Bharat / state

રામોલ પોલીસના હાથે ગાંજાના કેસમાં ઝડપાયેલી મહિલા નીકળી કુખ્યાત ગુનેગાર, હત્યાના પ્રયાસ સહિત 21 કેસ નોંધાયેલા

તેના સામે અગાઉથી કુલ 21 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી, મારામારી, ધમકી, પ્રોહિબિશન અને NDPS જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

રામોલ પોલીસના હાથે ગાંજાના કેસમાં ઝડપાયેલી મહિલા નીકળી કુખ્યાત ગુનેગાર, હત્યાના પ્રયાસ સહિત 21 કેસ નોંધાયેલા
રામોલ પોલીસના હાથે ગાંજાના કેસમાં ઝડપાયેલી મહિલા નીકળી કુખ્યાત ગુનેગાર, હત્યાના પ્રયાસ સહિત 21 કેસ નોંધાયેલા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 4, 2026 at 12:26 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદના રામોલ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલી કુખ્યાત સિતારા મેમણનો ગુનાહિત ઇતિહાસ સામે આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રામોલ પોલીસે તેના કબજામાંથી 6 કિલો 600 ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન અને ટેબલેટ સહિત કુલ રૂ. 3.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રામોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.ડી. મોરીએ જણાવ્યું હતું કે, શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરફેર સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજીવનગર ટેકરા ગેટ નંબર-3 વિસ્તારમાં રહેતી સિતારા મેમણ ગાંજાનું વેચાણ કરી રહી છે. બાતમીના આધારે રામોલ પોલીસની ટીમે તેના રહેણાંક મકાનની તપાસ કરતા 6 કિલો 600 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપીની ધરપકડ કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રામોલ પી.આઈ. વી ડી મોરીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો છૂટક વેચાણ માટે લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કેસમાં અન્ય મહિલાઓની સંડોવણી પણ સામે આવી રહી છે અને સમગ્ર સપ્લાય ચેઇન તથા નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સિતારા મેમણ માત્ર ગાંજા કેસની આરોપી જ નથી, પરંતુ તેનો લાંબો ગુનાહિત ઇતિહાસ પણ છે. પોલીસ રેકોર્ડ મુજબ તેના સામે અગાઉથી કુલ 21 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી, મારામારી, ધમકી, પ્રોહિબિશન અને NDPS જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

સિતારા મેમણ સામે સૌથી વધુ ગુનાઓ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

  • વર્ષ 2015માં મારામારીના ગુનાથી શરૂ થયેલો તેનો ગુનાહિત ઇતિહાસ વર્ષો દરમિયાન વધુ ગંભીર બનતો ગયો હતો.
  • વર્ષ 2017થી 2019 દરમિયાન તેની સામે અનેક પ્રોહિબિશનના કેસ નોંધાયા હતા.
  • વર્ષ 2018માં IPC કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધાયો હતો.
  • આ ઉપરાંત ઘરફોડ ચોરી, ધમકી, આરોપીને ભગાડવામાં મદદ અને કાયદાકીય કાર્યવાહીથી બચાવવા સંબંધિત ગુનાઓ પણ તેના નામે નોંધાયેલા છે.
  • વર્ષ 2021માં બાપુનગર અને રાખીયાલ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ધાડના ગંભીર ગુનાઓ નોંધાયા હતા. જેમાં IPC કલમ 392, 394 અને 397 જેવી ગંભીર કલમો લાગુ કરવામાં આવી હતી.
  • વર્ષ 2023માં અમદાવાદ રેલવે પોલીસે પણ સિતારા મેમણ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. એટલું જ નહીં, તે જ વર્ષે તેની સામે ફરી એક વખત હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.

પોલીસ રેકોર્ડ મુજબ સિતારા મેમણ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં 18, રાખીયાલ પોલીસ સ્ટેશનમાં 1 અને અમદાવાદ રેલવે પોલીસમાં 1 ગુનો નોંધાયેલો છે. હવે રામોલ પોલીસ દ્વારા નોંધાયેલા તાજા NDPS કેસ સાથે તેના ગુનાહિત ઇતિહાસમાં વધુ એક ગંભીર ગુનો ઉમેરાયો છે.

હાલ આરોપી પાસેથી મળેલા ગાંજાનો સ્ત્રોત, તેની પાછળ કાર્યરત નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.