ETV Bharat / state

મહંમદ ગઝનવીએ કેટલા સૈનિકો સાથે 16મી વખત સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું? આખરે તેનું મોત કેવી રીતે થયું?

સોમનાથ મંદિર પર મહંમદ ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂરા થયા, જોકે મંદિરને ધ્વંસ કર્યાના 1000 વર્ષ બાદ પણ હાલ સોમનાથ મહાદેવ મંદિર અડીખમ ઊભું છે.

સોમનાથ મંદિરની તસવીર
સોમનાથ મંદિરની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 10, 2026 at 7:24 PM IST

4 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: હાલમાં સોમનાથ સ્વાભિમાન મહાપર્વ ઉજવાય રહ્યો છે. સોમનાથ મંદિર પર મહંમદ ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂરા થયા, જોકે મંદિરને ધ્વંસ કર્યાના 1000 વર્ષ બાદ અને અનેક આક્રમણોનો સામનો કરવા છતાં પણ હાલ સોમનાથ મહાદેવ મંદિર અડીખમ ઊભું છે. ત્યારે મહમંદ ગઝનવી સોમનાથ ધ્વંસ કરવા માટે કેટલા સૈનિકો સાથે આવ્યો હતો અને આખરે તેનું મોત કેવી રીતે થયું હતું? મોહમ્મદ ગઝનવીના જન્મથી લઈને સોમનાથ મંદિર ધ્વંસ કરવા સુધીનો રોચક અને માહિતી સભર ઇતિહાસ જૂનાગઢના ઇતિહાસકાર હરીશભાઈ દેસાઈએ જણાવ્યો હતો.

સોમનાથ મંદિરનો ધ્વંસ અને મહંમદ ગઝનવીનો ઇતિહાસ
સોમનાથ ખાતે આવતીકાલે સોમનાથ સ્વાભિમાન મહાપર્વ વિધિવત રીતે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ચાર દિવસ ચાલેલા આ મહાપર્વની ઉજવણી વડાપ્રધાન મોદીના હાજરીની વચ્ચે પરિપૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે સોમનાથ મંદિરને અંતિમ વખત મહંમદ ગઝનવીએ ધ્વંસ કર્યું હતું તેને 1000 વર્ષનો સમય થઈ ગયો. જુનાગઢના ઈતિહાસકાર હરીશભાઇ દેસાઈ સોમનાથના ઇતિહાસના ઘટનાક્રમને વર્ણવે છે. હરીશભાઈ દેસાઈ સ્વયંમ 1951માં સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં પૂર્ણ થયેલા પ્રસંગમાં હાજર હતા. ધ્વંસ થયેલા મંદિરના પુન:ગઠન અને નવ નિર્માણના ત્રણ અલગ અલગ પ્રસંગોમાં પણ હરીશભાઈ દેસાઈ હાજર હતા.

સોમનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ વર્ણવતા ઈતિહાસકાર હરીશભાઈ દેસાઈ (ETV Bharat Gujarat)

મહંમદ ગઝનવીના આક્રમણ ખોર બનવા સુધીનો ઇતિહાસ

ઈતિહાસકાર હરીશભાઈ દેસાઈ સોમનાથ મંદિરના ઈતિહાશ વિશે જણાવતા કહે છે, મહંમદ ગઝનવી ગુલામડીનો પુત્ર હતો. જેથી તેના પિતાએ ગઝનવીના નાના ભાઈ ઈસ્માઈલને ગાદી સોંપી. જે મહંમદ ગઝનવીને પસંદ ન આવતા તેણે ઇ.સ. 998માં ગઝની પર ચડાઈ કરીને તેના સગા ભાઈને મારીને ગાદી કબજે કરી હતી. મહંમદ ગઝનવીના સમયમાં જેહાદ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયો હતો. અન્ય ધર્મમાંથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરનારને ગાઝી તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યાર બાદ મહંમદ ગઝનવીએ ભારત તરફ ચડાઈ કરવાની શરૂ કરી, જે ઇતિહાસમાં આજે પણ મહત્વની તારીખ તરીકે નોંધાયેલી છે. કેટલાક ઇતિહાસકારો મહમદ ગઝનવી ભારતમાં 12 થી 16 વખત આવ્યો હોવાની નોંધ કરવામાં આવી છે. પરંતુ 16 મી વખત ભારત પર કરેલી ચડાઈ બાદ મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો હતો. મહંમદ ગઝનવી જ્યારે ભારત પર પહેલી ચડાઈ કરી હતી. ત્યારે ઇ.સ 1000 ચાલી રહ્યું હતું. ત્યાર બાદ 26 વર્ષે તેમણે સોમનાથ મંદિરને ધ્વંસ કર્યું હતું.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની તસવીર
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની તસવીર (ETV Bharat Gujarat)

16મી વખતે સોમનાથ મંદિરને કર્યું ધ્વંસ
મહંમદ ગઝનવી ભારત પર 16મી ચડાઈ વખતે સોમનાથ મંદિરને ધ્વંસ કર્યું હોવાનો ઇતિહાસ જોવા મળે છે. જેમાં 1025ના ઓક્ટોબર મહિનાની 18મી તારીખે 30000 જેટલા સૈન્યના લશ્કર સાથે મહંમદ ગઝનવીએ ભારત પર ચડાઈ કરવા માટે પ્રયાણ કર્યું. ગઝનીથી નીકળીને 9મી નવેમ્બરના રોજ તે મુલતાન પહોંચ્યો. અહીંથી જ તે જેસલમેર નજીક આવેલા લોદરવા વિસ્તારમાં આવ્યો. ત્યારબાદ આબુ નજીક આવેલું ચિત્ર લોદરા ગામે પહોંચીને તે પાટણ, ત્યાંથી મોઢેરા ભીલના રસ્તે દેલવાડા અને ત્યાંથી સોમનાથ પહોંચ્યો હતો. છઠ્ઠી જાન્યુઆરી 1026ના દિવસે મહંમદ ગઝનવી તેની સેના સાથે સોમનાથ પહોંચ્યો. તેમાં તેના 80 દિવસનો સમય પસાર થયો હતો. સોમનાથ પહોંચ્યા બાદ મંદિરની જાહોજહાલી અને મંદિરમાં જોવા મળેલા સુવર્ણને લઈને તેણે સોમનાથ મંદિર પર હુમલો કરી દીધો. જેમાં સોમનાથમાં પચાસ હજાર હિન્દુ લડવૈયાઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં અનેક લોકોની શહીદી પણ થઈ હતી. પરંતુ મહંમદ ગઝનવી એ સોમનાથને લૂંટવા માટે ભારત પર ચડાઈ કરી હતી, તેવા તેના ઇરાદામાં તે સફળ રહ્યો અને સોમનાથ મંદિરને ધ્વંસ કરીને અહીંની તમામ જાહો જહાલી લુંટીને 18 દિવસ પ્રભાસ પાટણમાં રોકાયા બાદ તે ગજની પરત ફર્યો હતો.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની તસવીર
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની તસવીર (ETV Bharat Gujarat)

સોમનાથ લુંટવામાં ગઝનવીએ ગુમાવ્યા 28,000 સૈનિકો
30000 જેટલા સૈનિકો અને તેની લશ્કર સાથે આવેલા મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટવા માટે 18 દિવસના તેના મરણિયા પ્રયાસમાં તેની સાથે આવેલા 28,000 જેટલા સૈનિકો પણ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમનાથ મંદિરને બચાવવા માટે યુદ્ધે ચડેલા લડવૈયાઓના હાથે હણાયા હતા.

1030ના એપ્રિલ મહિનામાં થયું મોત
16મી અને અંતિમ વખત ભારત પર ચડાઈ કરીને પરત ફરેલા મહંમદ ગઝનવીનું મોત 30 એપ્રિલ 1030 ના દિવસે બીમારીને કારણે થયું હતું. ત્યારબાદ ધીમે ધીમે ગઝની સામ્રાજ્યનો પણ નાશ થવા લાગ્યો. સોમનાથ મંદિરને ધ્વંસ કર્યા બાદ તેનો જીર્ણોદ્ધાર કરવાનું કામ શરૂ થયું. 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે ભૂમિ પૂજન વિધિમાં હાજર રહીને સોમનાથના ધ્વંસ પછીના પહેલા નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની તસવીર
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની તસવીર (EETV Bharat Gujarat)

તમિલ સંગમ બાદ સોમનાથ સ્વાભિમાન મહાપર્વ
ખાસ છે કે, બે વર્ષ પૂર્વે સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન પણ થયું હતું. જે પણ સોમનાથ મંદિરના ધ્વંસ સાથે જોડાયેલા ઇતિહાસને સમર્પિત હતું. મહંમદ ગઝનવી દ્વારા સોમનાથ પર કરવામાં આવેલા હુમલા બાદ અહીંના લોકોએ દક્ષિણ ભારતના રાજ્યોમાં સ્થળાંતરિત થયા હતા. ત્યારબાદ સ્થળાંતરિત થયેલા લોકો સદીઓ પછી ફરી એક વખત પ્રભાસ તીર્થક્ષેત્રની ભૂમિ કે જેને આજે પણ તેમની માતૃભૂમિ સમજે છે તે સંગમ સ્થળ પર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યાના એક હજાર વર્ષના ઇતિહાસને ફરી એક વખત સોમનાથની ભવ્યતા સાથે ઉજવવા માટે સોમનાથ સ્વાભિમાન મહાપર્વની ઉજવણી થઈ રહી છે. જેમાં સ્વયંમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહીને 1000 વર્ષના સોમનાથના જાહોજહાલી ભર્યા પ્રસંગને ફરી એક વખત ઉજવતા જોવા મળશે. જેમાં સમગ્ર દેશમાંથી લોકો આ મહાપર્વને જોવા જાણવા અને માણવા માટે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. સોમનાથ સ્વાભિમાન પર્વ: વડાપ્રધાનમાં સ્વાગતમાં આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે
  2. સોમનાથમાં સાધુ-સંતોની ભવ્ય પદયાત્રા, ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી ધામ ભક્તિમય
  3. સોમનાથ સ્વાભિમાન પર્વ: સોમનાથ મંદિર બન્યું મહિલા સશક્તિકરણું કેન્દ્ર, 363 મહિલાઓને વર્ષમાં 9 કરોડની કમાણી થઈ