ભાવનગર જિલ્લામાં ચાલતી આયુર્વેદ હોસ્પિટલોની શું છે સ્થિતિ ? કેવા દર્દીઓ લે છે સારવાર ? કેટલો ખર્ચ ? જાણો...
ભાવગનર જિલ્લામાં ચાલતી આયુર્વેદ હોસ્પિટલોમાં કેવી દવાઓ મળે છે ?, ક્યા ક્યા બિમારીના દર્દીઓ આવે છે ?અને કેટલો ખર્ચ થાય છે ? તે જાણીશું વિસ્તારથી...

Published : November 17, 2025 at 12:56 PM IST
ભાવનગર: ભારતની મૂળ આરોગ્યને લગતી ઉપકેહર પદ્ધતિ એટલે આયુર્વેદ છે, પરંતુ આજની ભાગદોડભરી જિંદગીમાં મનુષ્ય 'ચટ મંગની પટ શાદી'ની જેમ પરિણામ ઈચ્છે છે.
ત્યારે આયુર્વેદ તે રીતે પરિણામ આપતું નહિ હોવાથી તેની સારવાર લેનાર વર્ગ ઓછો છે. જો કે સરકાર દ્વારા વર્ષોથી શહેર અને જિલ્લામાં આયુર્વેદ હોસ્પિટલ ચલાવી રહી છે. ત્યારે આ હોસ્પિટલની સ્થિતિ અને દર્દીઓ કેટલા આવે છે ? અને શું ખર્ચ થાય છે તેના વિશે જણાવી રહ્યાં છે.
આયુર્વેદ હોસ્પિટલ અને ખર્ચ
ભાવનગર જિલ્લામાં અવડલ આયુર્વેદ અને હોમિયોપેથી હોસ્પિટલ જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહી છે. ભાવનગર જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી ડૉ.કલ્પના ભટ્ટે જણાવ્યા અનુસાર, ભાવનગર જિલ્લામાં 24 આયુર્વેદ ડિસ્પેન્સરી અને 8 હોમિયોપેથી ડિસ્પેન્સેરી આવેલી છે. જેમાં આખા વર્ષમાં બે લાખની મર્યાદામાં ડિસ્પેન્સરીની દવા મંગાવવામાં આવે છે.

સરકારી આયુર્વેદ ફાર્મસીમાંથી દવા ફાળવવામાં આવે છે. મારી 24 ડિસ્પેન્સરીમાં ગત વર્ષે 24 થી 24.50 લાખનો ખર્ચો થયો છે, જે ગ્રાન્ટ માંથી હોય છે, તેમ હોમિયોપેથીની પણ હોય છે પણ તેની ગ્રાન્ટ ઓછી હોય છે બધું નિયામકમાંથી આવે છે.
સૌથી વધુ સંધિવા અને મધુપ્રમેહના રોગો
જિલ્લા પંચાયતના આયુર્વેદ વિભાગના અધિકારી ડૉક્ટર કલ્પનાબેન ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે સૌથી વધુ સંધિવાના રોગ જોવા મળે છે, કારણ કે તેમને એલોપેથીમાંથી રીવર્સનું રીઝલ્ટ મળતું નથી, પણ આયુર્વેદ થી ઘણો ફાયદો થાય છે. તેની સાથે કોઈ આડ અસર નથી કે કિડની કે તેમાં અસર થતી નથી. તેથી લાંબો સમય લઈને રાહત મેળવી શકે છે, પણ આયુર્વેદથી જો સચોટ પાલન કરો તો રીવર્સ થઈ શકે અને વધુ ફાયદો મળી શકે છે. અત્યારે ઓબેસિટી પ્રોગ્રામ સારો ચાલી રહ્યો છે, સાથે ચામડીના રોગો સાથે મધુપ્રમેહ જેમાં જનરલ સુધારો થાય છે.

આયુર્વેદ હોસ્પિટલમાં કેટલી હોય છે OPD
આયુર્વેદ અધિકારી ડૉક્ટર કલ્પનાબેન ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ડિસ્પેન્સરી છે, તેમાં ગામ મોટું હોય તો ઓપીડી 40 થી 45ની રહે છે, અને ગામ નાનું હોય તો 30થી 35ની આસપાસ હોય છે. તેમાં પણ જનરલ ઓપીડી 30 થી 32ની રહે છે. અમારે ગુગળની બધી ઔષધીઓ આવે છે. જેમાં યોગરાજ ગુગળ, કાચના ગુગળ, પાપડા ગુગળ છે. આ સાથે પાવડર ફોર્મમાં વિરેચન સિવાય પાચન છે, અજમો અને હરડે જેવી ઔષધીઓ છે. ટૂંકમાં પેટને લગતા રોગોની દવા મળે છે. આ સાથે મલમ પણ રાખીએ છીએ ઘંટક મલમ છે, જાતયાદી મલમ છે. આ ડિસ્પેન્સરી લેવલે આટલું મળે છે વધુ દવાઓ મોટી હોસ્પિટલે જ મળતી હોય છે.

જિલ્લામાં બિલ્ડિંગોની વ્યવસ્થાઓ
જિલ્લામાં આવેલી હોસ્પિટલોની સ્થિતિને લઈને આયુર્વેદ અધિકારી ડૉક્ટર કલ્પનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે, અત્યારે બધા હોસ્પિટલ ભાડે નથી ચાલતા પણ પંચાયત બિલ્ડિંગમાં આપેલા છે, અમે છેલ્લે પાંચ વર્ષમાં ઇનોવેશનની કામગીરી કરી છે. જેમાં 15થી 20 નવા બિલ્ડિંગોનું અમે બાંધકામ કરેલું છે. આ સિવાયના જે છે એ ટ્રસ્ટ અને પંચાયતના બિલ્ડીંગમાં ચાલે છે તેના માટે અમે પ્રોસેસ કરી રહ્યા છે કે તેનું પણ નવીનીકરણ થાય.

