મનરેગા થી VBG રામજી યોજનામાં શું બદલાયું?, ગ્રામીણ રોજગારીને મજબૂત બનાવવાનો ભાજપનો દાવો
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના ગામમાં જ પૂરતી રોજગારી મળી રહે અને રોજગાર માટે શહેરો તરફ સ્થળાંતર કરવાનું ટળે.

Published : January 7, 2026 at 8:41 PM IST
ગુજરાત : ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જિલ્લામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગ્રામીણ વિકાસને કેન્દ્રમાં રાખતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં જરૂરી સુધારા-વધારા કરીને હવે તેને નવી ઓળખ સાથે 'વી.બી.જી. રામજી યોજના' તરીકે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો
કચ્છ કમલમ ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ
પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, સમયાંતરે કોઈ પણ લોક કલ્યાણકારી યોજનાનું વિશ્લેષણ કરવું અને બદલાતી પરિસ્થિતિ પ્રમાણે તેમાં સુધારા લાવવું જરૂરી બની જાય છે. આ જ અભિગમ હેઠળ મનરેગા યોજનામાં ફેરફાર કરી તેને વધુ અસરકારક અને વ્યાપક બનાવવામાં આવી છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના ગામમાં જ પૂરતી રોજગારી મળી રહે અને રોજગાર માટે શહેરો તરફ સ્થળાંતર કરવાનું ટળે.
રોજગારીના દિવસો વધારવામાં આવ્યા
નવી સુધારેલી યોજના હેઠળ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર તરીકે રોજગારીના દિવસો 100 થી વધારી 125 દિવસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાંથી ગામડાના મજૂરોને વર્ષ દરમિયાન વધુ સ્થિર આવક મળી શકે તેવો ભાજપનો દાવો છે. સાથે જ, અગાઉ મનરેગા હેઠળ મજૂરી ચૂકવણી માટે 15 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, જ્યારે હવે માત્ર 7 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે, જેથી મજૂરોને આર્થિક તકલીફનો સામનો ન કરવો પડે.
વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વી.બી.જી રામ જી અધિનિયમ–૨૦૨૫ અંતર્ગત આજે કચ્છ કમલમ્, ભુજ મધ્યે જિલ્લા ભા.જ.પા ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.. pic.twitter.com/29MC2FLxW2
— Vinod Chavda 🇮🇳 (@VinodChavdaBJP) January 7, 2026
ખેતી અને મજૂરી વચ્ચે સંતુલન
ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને પણ નવી યોજનામાં મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેતીની મુખ્ય સિઝન દરમિયાન આ યોજના હેઠળ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવે, જેથી ખેડૂતોને જરૂરી સમયે મજૂરો મળી રહે અને કૃષિ વ્યવસાય પર કોઈ નકારાત્મક અસર ન પડે. બીજી તરફ, સિઝન સિવાયના સમયમાં મજૂરોને યોજના અંતર્ગત પૂરતું કામ મળી રહે તે રીતે આયોજન કરાયું છે.
ગ્રામપંચાયતોને વધુ સત્તા અપાઈ
ભાજપે દાવો કર્યો હતો કે નવી યોજનામાં 50 ટકા કરતાં વધુ કામ શરૂ કરવાની સત્તા સીધી ગ્રામપંચાયતોને સોંપવામાં આવી છે. આથી સ્થાનિક જરૂરિયાત પ્રમાણે વિકાસ કામો થઈ શકશે અને ગામડાઓનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. સ્થાનિક સ્વરાજ્યને મજબૂત બનાવવાનું આ મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું છે.
હસ્તકલા, આરોગ્ય અને શિક્ષણ પર ખાસ ધ્યાન
નવી યોજના હેઠળ માત્ર મજૂરી પૂરતી જ નહીં, પરંતુ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે હસ્તકલા કારીગરો માટે ગામડામાં જ હાટ-બજારો ઊભા કરવાની યોજના પણ સામેલ છે. આથી કારીગરોને પોતાની કળા વેચવા શહેર જવાની જરૂર નહીં રહે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો, ગ્રામ્ય આરોગ્ય સેવાઓ અને શહેરોમાં ઉપલબ્ધ ન હોય તેવી સ્થાનિક જરૂરિયાત આધારિત શિક્ષણ વ્યવસ્થાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.
ભાજપના જણાવ્યા અનુસાર, આ તમામ પગલાંઓથી ગ્રામીણ યુવાનોને રોજગારી માટે શહેર તરફ ભાગવું નહીં પડે, ગામડાઓ ખાલી નહીં થાય અને શહેરોમાં વધતી ગીચતા પર પણ અંકુશ આવી શકશે.
વિકસિત ગ્રામ પંચાયતથી વિકસિત ભારત તરફ...
— Jagdish Vishwakarma (@iJagdishBJP) January 6, 2026
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (વિકસિત ભારત - જી રામ જી) સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધી. pic.twitter.com/8RgDOj34Ou
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
પત્રકાર પરિષદ દરમિયાન ભાજપે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી ગાંધીજીના નામે રાજનીતિ કરી, પરંતુ જમીનસ્તર પર વાસ્તવિક વિકાસ કર્યો નથી. નવી યોજના બાબતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા દુષ્પ્રચારને ભાજપે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
ભાજપનું કહેવું હતું કે, કોંગ્રેસને ભગવાન રામના નામથી જ વાંધો હોય તેમ નવી યોજનાના નામમાં 'રામ' આવતાં જ ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે.
કચ્છના 900થી વધુ ગામડાઓને લાભ
કચ્છ જિલ્લાની વિશાળ ભૂગોળ અને 900થી વધુ ગામડાઓને ધ્યાનમાં રાખીને આ યોજના ખાસ લાભદાયી સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે રોજગારી, વિકાસકામો અને આર્થિક સશક્તિકરણ થકી કચ્છ સહિત સમગ્ર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સમતોલ વિકાસ સાધી શકાય તેમ ભાજપનો દાવો છે.
" વિકસિત ગ્રામ પંચાયતથી વિકસિત ભારત તરફ" 🇮🇳
— Mayank Nayak (@MayankNayakBJP) January 7, 2026
‘વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (વિકસિત ભારત – જી રામ જી)’ અંતર્ગત મહેસાણા જિલ્લાની પત્રકાર પરિષદને સંબોધી.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલી આ યોજના ગ્રામિણ ગરીબો અને શ્રમિકોના આર્થિક… pic.twitter.com/S4nsXMSx3R
મહેસાણા કમલમ ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ
કેન્દ્ર સરકાર દ્વારા ગત સત્રમાં મંજૂર કરાયેલું 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે 'જી-રામ-જી' (G-RAM-G) બિલ હવે ચર્ચાના કેન્દ્રમાં છે. આ બિલની મહત્વની જોગવાઈઓ લોકો સુધી પહોંચાડવા મહેસાણા સ્થિત ' કમલમ' કાર્યાલય ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે આ નવા કાયદાને જૂની મનરેગા યોજનાનું આધુનિક અને સશક્ત સ્વરૂપ ગણાવ્યું હતું.
"2047ના વિકસિત ભારતના લક્ષ્યને પહોંચી વળવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. જેમાં હવે ગ્રામીણ લોકોને 100 દિવસને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. આ ઉપરાંત, પરંપરાગત મજૂરી કામો ઉપરાંત હવે કૌશલ્ય વર્ધન, ડેરી ઉદ્યોગ, પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ જેવા નવા ક્ષેત્રોનો પણ રોજગાર મિશનમાં સમાવેશ કરાયો છે. જેથી ગામડાઓ પણ શહેરો સાથે કદમ મિલાવી શકે." - મયંક નાયક, સાંસદ
બીજી તરફ, આ બિલ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. સાંસદ મયંક નાયકે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જે રીતે રામ નામનો વિરોધ થતો હતો, તે જ રીતે વિપક્ષ આજે આ પ્રજાલક્ષી બિલનો ખોટો વિરોધ કરી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે પણ ઉમેર્યું હતું કે, પીએમ મોદી અને અમિત શાહ દ્વારા રજૂ કરાયેલું આ બિલ દેશના જન-જન સુધી પહોંચે તે માટે સંગઠન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો...

