ETV Bharat / state

ભુજમાં મધરાતે ડબલ દરોડો: બૂટલેગરના ઘરમાંથી એરગન-હથિયારો સાથે વન્યજીવોના અવશેષો અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો

બૂટલેગરના રહેણાક પર દરોડો પાડતાં વન્ય પ્રાણીઓના શિકાર માટે વપરાતી એરગન સહિત ઘાતક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

બૂટલેગરના ઘરમાંથી એરગન-હથિયારો સાથે વન્યજીવોના અવશેષો અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો
બૂટલેગરના ઘરમાંથી એરગન-હથિયારો સાથે વન્યજીવોના અવશેષો અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 9:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

કચ્છ: ભુજ શહેરમાં વન્યજીવોના શિકાર અને ગેરકાયદેસર દારૂના ધંધા સામે મોટી કાર્યવાહી સામે આવી છે. ભુજ એરપોર્ટ સામે આવેલા આશાપુરાનગર વિસ્તારમાં વન વિભાગે મધરાતે બૂટલેગરના રહેણાક પર દરોડો પાડતાં વન્ય પ્રાણીઓના શિકાર માટે વપરાતી એરગન સહિત ઘાતક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ શિકાર કરાયેલા વન્યજીવોના અવશેષો મળતા સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે.

ભુજના આશાપુરાનગરમાં રહેતા સુરેશ દિલીપભાઈ કસવીયા (કોલી) (મૂળ વતન મનફરા, તાલુકો ભચાઉ) વન્યજીવોનો શિકાર કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભુજ પશ્ચિમ રેન્જના આરએફઓ એ.એચ. સોલંકીના નેતૃત્વ હેઠળ 14 કર્મચારીઓની ટીમે રાત્રે લગભગ 11 વાગ્યે તેના ઘરે ત્રાટકી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન ઘરના પેટી પલંગ તથા અન્ય ભાગોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં હાઈ ક્વોલિટીની બે એરગન, નાના-મોટા ચાકુ, છરી, ભાલા, ટોર્ચ સહિત ૩૦થી વધુ ઘાતક હથિયારો અને સાધનો મળી આવ્યા હતા. આ ઉપરાંત શિકાર કરાયેલી એક શાહુડી તથા અન્ય વન્ય પ્રાણીઓના દાંત, જડબા અને અંગોના અવશેષો પણ મળી આવતાં વન વિભાગ ચોંકી ઉઠ્યો હતો.

વન વિભાગની તપાસમાં ખુલ્યું છે કે, આરોપી સુરેશ વગડાના વિસ્તારોમાં રખડતાં ભૂંડ સહિતના વન્ય પ્રાણીઓનો શિકાર કરતો હતો. આ મામલે તેની વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે જંગલ અને વગડામાં શિકારીઓને પકડતી વન વિભાગની ટીમે શિકારીના ઘરમાં જ દરોડો પાડતાં ગેરકાયદેસર શિકાર કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

દરોડા દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી હતી. સુરેશના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનું તેમજ દેશી દારૂથી ભરેલા 13 બેરલ અને આથો ભરેલા પીપડાં જોવા મળ્યાં હતા. જેના પગલે વન વિભાગે તાત્કાલિક ભુજ ‘એ’ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને અંદાજે 15 હજાર રૂપિયાની કિંમતનો 75 લિટર દેશી દારૂ ભરેલા 13 બેરલ તથા 10 લિટર આથો ભરેલું એક બેરલ જપ્ત કર્યું હતું.

પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. એક જ ઘરમાં વન્યજીવોના શિકાર માટેના હથિયારો અને દેશી દારૂનો મોટો જથ્થો મળતા આ કેસ ભુજ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. વન વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં દહેશત ફેલાઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: