નવસારીના સીંગોદમાં લોકાર્પણ પહેલા જ પાણીની ટાંકી ધરાશાયી, ટેસ્ટિંગ દરમિયાન જ ધડાકાભેર તૂટી પડી
નવસારીના સીંગોદમાં 12 લાખના ખર્ચે 50 હજાર લીટરની પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ તૂટી પડી, ગ્રામજનોનો ભ્રષ્ટાચારનો આરોપ

Published : January 8, 2026 at 9:51 PM IST
નવસારી: નવસારીના સીંગોદમાં નવનિર્મિત 50 હજાર લીટરની ઓવરહેડ પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થતા ટાંકીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
ટેસ્ટિંગ દરમિયાન જ પાણીની ટાંકી ધરાશાયી
સીંગોદ ગામમાં લાંબા સમયથી ચાલી રહેલી પાણી સમસ્યાના નિરાકરણ માટે નવસારી પાણી પુરવઠા વિભાગ દ્વારા થોડા મહિના અગાઉ અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચે RBPL એજન્સી મારફતે 50 હજાર લીટરની પાણીની ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાંકીનું નિર્માણ પૂર્ણ થયા બાદ માત્ર દસ દિવસ જ થયા હતા અને ગત સોમવારથી કોન્ટ્રાક્ટર દ્વારા ટાંકીમાં અડધું પાણી ભરી ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા નવનિર્મિત ટાંકીમાંથી મોટર દ્વારા ગામમાં પાણી પુરવઠો શરૂ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેસ્ટિંગના બીજા જ દિવસે ટાંકીમાં તિરાડો દેખાતા ગ્રામ પંચાયતના સભ્યોએ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક જાણ કરી હતી. જેના જવાબમાં કોન્ટ્રાક્ટરે અઠવાડિયું પાણી ભરી રાખવા અને ત્યારબાદ તિરાડનું સમારકામ કરી દેવાની વાત કરી હતી. જોકે, ત્રીજા દિવસે, એટલે કે ગત રાત્રે લગભગ 9 વાગ્યાના સમયે ટાંકી અડધીથી વધુ ભરેલી હાલતમાં પૂર્વ દિશા તરફ નમીને ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

ટાંકી ધરાશાયી થતા જ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ કામમાં હલકી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે અને ગુણવત્તા વિનાના કામના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. તેમણે સરકાર પાસે ગુણવત્તાયુક્ત સામગ્રીથી નવી પાણીની ટાંકી બનાવવાની માંગ ઉઠાવી છે.
આ સમગ્ર મામલે કાર્યપાલક ઈજનેરે જણાવ્યું છે કે ટાંકી ધરાશાયી થઈ હોવાની ઘટના ગંભીર છે, પરંતુ હજુ સુધી સંબંધિત એજન્સીને કોઈ ચુકવણી કરવામાં આવી નથી. ટાંકી કયા કારણોસર પડી તે જાણવા માટે સરકારી તેમજ ખાનગી એજન્સીઓ મારફતે તપાસ કરાવવામાં આવશે અને તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં સીંગોદ ગામના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો વહેલી તકે નવી અને મજબૂત પાણીની ટાંકી બનાવી આપવા માટે માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:

