વઢવાણમાં રાણકદેવીના શ્રાપથી આજે પણ ભોગાવો નદી કોરી કટ, 1100 વર્ષ જૂનો રાણકદેવીનો અમર ઇતિહાસ
આજની તારીખે પણ રાણકદેવી દ્વારા આપવામાં આવેલો શ્રાપ વઢવાણ ભોગાવો નદીમાં પાણી રહેવા દેતો નથી તેવું વઢવાણના સ્થાનિક લોકો પણ માની રહ્યા છે.

Published : February 26, 2026 at 11:02 AM IST
|Updated : February 26, 2026 at 11:20 AM IST
સુરેન્દ્રનગર : વઢવાણ શહેરની ભૂમિ પવિત્ર ગણવામાં આવે છે. વઢવાણ એ પૌરાણિક શહેર તરીકે પણ પ્રખ્યાત છે. વઢવાણમાં આવેલી ઐતિહાસિક ઇમારતો, કિલ્લાઓ, ગઢ, વાવો, મહેલો અને રાણકદેવી જેવા ઐતિહાસિક મંદિરોના ડેવલોપમેન્ટ માટે સરકાર દ્વારા હવે વિચારણા કરવામાં આવી રહી છે.
વઢવાણ ભોગાવો નદી કિનારે રાણકદેવીનું મંદિર આવેલું છે, તે 1100 વર્ષ જૂનું છે. હાલના તબક્કામાં રાણકદેવી મંદિર અત્યંત જર્જરિત હાલતમાં છે. નાગર પ્રકારની સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવેલું આ મંદિર કલા અને કારીગરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મંદિરમાં અદભુત શિલ્પ કલાથી સુશોભન કરવામાં આવ્યું છે. અત્યંત પૌરાણિક મંદિર ગણાતું રાણકદેવીનું મંદિર આજે પણ વઢવાણ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
સિધ્ધરાજ જયસિંહ દ્વારા જુનાગઢ ઉપર આક્રમણ કરી અને રાખેંગારને શહીદ કરી, ત્યારબાદ રાણકદેવીનું અપહરણ કરી અને તેમને પાટણ જવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન રાણકદેવી વઢવાણ ખાતે આવી અને અગ્નિ માંગ્યો, પરંતુ વઢવાણના લોકોએ અગ્નિ આપવાનો ઇનકાર કર્યો તેને લઈને ગુસ્સે ભરાયેલા રાણકદેવીએ ભોગાવો નદી કાંઠે જ શ્રાપ આપ્યો કે જેમ હું પતિ વિના વિફળ થઈ છું, તેમ ભોગાવો નદી પણ વરસાદ વિના દૂર્બળ રહેશે અને તેમાં પાણી રહેશે નહીં અને તેમ કહી અને પોતાના પગના અંગૂઠામાંથી જ અગ્નિ પ્રગટ કરી અને ત્યારબાદ રાણકદેવી સતી થયા હતા.

આજે પણ વઢવાણ ભોગાવો નદીમાં વરસાદ હોય ત્યાં સુધી જ પાણી રહે, ત્યારબાદ 8 મહિના સુધી ભોગાવો નદી કોરીકાટ નજરે પડે છે. આજની તારીખે પણ રાણકદેવી દ્વારા આપવામાં આવેલો શ્રાપ વઢવાણ ભોગાવો નદીમાં પાણી રહેવા દેતો નથી તેવું વઢવાણના સ્થાનિક લોકો પણ માની રહ્યા છે.

"1100 વર્ષ પહેલા મંદિર બંધાવવામાં આવ્યું હતું, ત્યારબાદ તંત્ર સરકાર અને અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી. અત્યારે મંદિરની ઉપરના પાણા પણ તૂટી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આ મુદ્દે ડેવલોપમેન્ટ હાથ ધરવામાં આવે તેવી માંગ છે." - વિનોદગિરી ગોસાઈ, પૂજારી મંદિર
બીજી તરફ વઢવાણ તેમજ અન્ય આજુબાજુના વિસ્તારની મહિલાઓને જ્યારે પ્રસૂતિ થાય ત્યારે તેમને ધાવણ ન બનતું હોય અને તે રાણકદેવી મંદિરના પગથિયાં વાળવાની માનતા રાખે તો આ માનતા પૂરી થઈ રહી છે, તેવા પણ હજારો પ્રકારના દાખલાઓ આજે પણ ઉપલબ્ધ છે.

"વઢવાણને હેરિટેજ સિટી તરીકે ડેવલોપમેન્ટ કરવા અંગેનો આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેની પાછળ 60 કરોડથી વધુનો ખર્ચો કરવાનો છે, ત્યારે વઢવાણમાં આવેલા રાણકદેવીના મંદિર માટે પણ ડેવલપમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 1100 વર્ષ જૂનું મંદિર છે.
આ મંદિરના શિખરો તેમ જ આજુબાજુમાં ડેવલપમેન્ટ માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે, તેના પ્લાન પણ મંગાવવામાં આવ્યા છે. નજીકમાં બાગ બગીચાઓ તેમજ લોકો હરીફરી શકે તે પ્રકારના ડેવલોપમેન્ટ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે." - કલ્પેશ ચૌહાણ, ડેપ્યુટી કમિશનર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા
ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં આજે પણ રાણકદેવી મંદિરનો વારસો અમર છે, ત્યારે હાલના તબક્કામાં મંદિર અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયું છે. ચોમાસા દરમિયાન મંદિરની અંદર પાણી પડે છે અને મંદિરની કોતરણીને લુણો લાગી ગયો છે. આ અંગે પણ સુરેન્દ્રનગર તંત્ર દ્વારા વિચારણા કરી અને રાણકદેવી મંદિરને ડેવલોપમેન્ટ માટે પ્રયાસ કરે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો...

