ETV Bharat / state

વિસનગરનું અનોખું 'ખાસડા યુદ્ધ', રંગોની જગ્યાએ ફેંકાય છે જૂતાં અને શાકભાજી

ખાસડા યુદ્ધની ઉજવણી દરમિયાન જેને ખાસડુ કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ ખૂબ જ સારૂ જાય તેવી માન્યતા.

વિસનગરનું અનોખું 'ખાસડા યુદ્ધ'
વિસનગરનું અનોખું 'ખાસડા યુદ્ધ' (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 4, 2026 at 12:02 PM IST

|

Updated : March 4, 2026 at 12:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

મહેસાણા: આમ તો ધૂળેટી એટલે રંગોનો પર્વ. લોકો એકબીજા પર અબિલ, ગુલાલ અને વિવિધ રંગો છાંટીને ઉત્સવ મનાવતા હોય છે પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડાં (જૂતાં) અને શાકભાજી મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડાં મારવામાં આવે છે, જેને વિસનગરના લોકો 'ખાસડા યુદ્ધ' તરીકે ઓળખે છે. એવી લોકવાયકા અને અતૂટ માન્યતા છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ ખૂબ જ સારૂ જાય છે.

સમય જતાં ખાસડાંની જગ્યાએ શાકભાજીએ લીધું સ્થાન

વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે 100 વર્ષથી ખાસડાં યુદ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જો કે, સમય બદલાતા હવે ખાસડાંની સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. આખું વર્ષ લોકો જૂના-પુરાણા જૂતાં ભેગા કરે છે. બંને જૂથો સામસામે આવીને ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે.

વિસનગરનું અનોખું 'ખાસડા યુદ્ધ' (ETV Bharat Gujarat)

કહેવાય છે કે વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી. તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યનો હિસ્સો હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં વિસનગરમાં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર માત્ર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાંનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિ‌તનાં શાકભાજીએ લીધું છે. ધૂળેટીના દિવસે વિસનગરવાસીઓએ હજુ પણ આ ઐતિહાસિક પરંપરાને જીવંત રાખી છે.

વિસનગરનું અનોખું 'ખાસડા યુદ્ધ',
વિસનગરનું અનોખું 'ખાસડા યુદ્ધ', (ETV Bharat Gujarat)

આ અમારી વિસનગરની અનોખી પરંપરા- કેબિનેટ ઋષિકેશ પટેલ

આ ખાસડા હોળીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "સમગ્ર ભારત અને ગુજરાતીઓને ધુળેટીના પ્રસંગે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિસનગરની અમારી આ અનોખી પરંપરા છે. વિસનગરની અંદર આ 'ખાસડા યુદ્ધ' વર્ષોથી રમાય છે. કાળક્રમે હવે આમાં શાકભાજી - ટામેટા, બટાકા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડીને સામસામે આનંદથી મજા લેતા લેતા એકબીજા પર મારો ચલાવે છે. સ્વાભાવિક છે કે વિસનગરની આ અનોખી પરંપરા આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને લોકો ખૂબ આનંદ લઈ રહ્યા છે. એવી માન્યતા છે કે જેને ખાસડું વાગે તેનું આખું વર્ષ સારું જાય. આ તહેવાર દરમિયાન ત્યારબાદ માટલી બંધાય છે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવીને માટલી ફોડી તેનો પ્રસાદ લોકો માણીને વિદાય લેતા હોય છે."

આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ ખૂબ જ સારૂ જાય છે
આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ ખૂબ જ સારૂ જાય છે (ETV Bharat Gujarat)

સ્થાનિકોનો ઉત્સાહ: "તહેવાર છે એટલે વાગે તો પણ દુઃખ નથી થતું"

સ્થાનિક યુવાન કલ્પેશ પટેલે પોતાના ઉત્સાહને વર્ણવતા કહ્યું હતું કે, "અમે બહુ મજા કરીએ છીએ. જૂના બાપ-દાદા વખતનું આ ચાલતું આવે છે અને આ પૌરાણિક છે. અમે દર વખતની જેમ ભટા (રીંગણ), ચપ્પલ એનાથી જ રમીએ છીએ. પહેલાં ખાસડાથી રમતા હતા, હવે રીંગણ અને બટાકાથી રમીએ છીએ. તહેવાર છે એટલે વાગે તો પણ ચાલી જાય, અને મજા આવે છે. વર્ષ પણ સારું જાય છે." અન્ય એક સ્થાનિક અગ્રણીએ ઉમેર્યું હતું કે, "અમારા વિસનગરની ત્રણ દરવાજા, ટાવર અને મંડી બજારની આ પરંપરા છે. શાકભાજી અને ખાસડાથી મારામારી કરી એકબીજા પર ટામેટા અને રીંગણ મારીએ છીએ. જેને વાગે એનું વર્ષ સારું જાય એવી જૂની પરંપરા છે અને એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે."

આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ ખૂબ જ સારૂ જાય છે
આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ ખૂબ જ સારૂ જાય છે (ETV Bharat Gujarat)

યુદ્ધ બાદ યોજાય છે મટકી ફોડ કાર્યક્રમ

આનંદ અને ઉલ્લાસથી રમાતા આ શાકભાજી અને ખાસડા યુદ્ધ બાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો (મટકી) મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. યુવાનો પિરામિડ બનાવીને મટકી ફોડે છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને પ્રસાદ રૂપે વહેંચણી કરે છે.

આ પણ વાંચો:

Last Updated : March 4, 2026 at 12:10 PM IST