કાલોલમાં પોલીસ સામે રોફ મારવો ભારે પડ્યો, પાંચ લોકો સામે નોંધાઇ ફરિયાદ; શું છે સમગ્ર ઘટના
કાલોલમાં વાહનચેકિંગ દરમિયાન પોલીસે કાળા કાચ વાળી ગાડીને રોકતા વિવાદ

Published : January 8, 2026 at 4:52 PM IST
કાલોલ: કાલોલમાં વાહનચેકિંગ દરમિયાન પોલીસે કાળા કાચ વાળી ગાડીને રોકતા વિવાદ થયો છે. ગાડીમાં બેસેલી મહિલાઓએ હંગામો કરતા અમારી ગાડી તમે કેવી રીતે રોકી શકો તેમ કહી પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓએ હંગામો કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે કાર રોકતા મહિલાઓનો હોબાળો
બનાવની વિગત જોઇએ તો કાલોલમાં રહેતા પ્રતિક જોશી પોતાની ગાડી લઇને પુરઝડપે જતા હતા. આ દરમિયાન વાહન ચેકિંગમાં રહેલી પોલીસે કાળા કાચની ગાડી જોઇ ગાડી ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે ગફલતભરી રીતે કારને ભગાવી હતી અને અભદ્ર ઇશારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે કારનો પીછો કરતા ઝંડા સર્કલ નજીક કારને રોકી હતી. આ દરમિયાન કારમાં સવાર મહિલાઓએ હોબાળો કર્યો હતો. પોલીસે કાર રોકતા કારમાં સવાર મહિલાઓએ હોબાળો કરતા સવાલ કર્યો હતો કે, 'તમે અમારી ગાડી કેવી રીતે રોકી શકો' તેમ કહી જાહેરમાં ગાળાગાળી કરી હતી. સાથે ગાડીમાં બેઠેલા નેહા પાઠક તેમજ વર્ષા જોશી કહેવા લાગ્યા કે, 'અમારી ગાડી રોકવાનો તને ક્યો પાવર છે, તારી વર્ધી ઉતરાવી દઇશ' તેવી ધમકી આપી હતી. આ દરમિયાન જ્યોત્સનાબેન બેલદાર નામની મહિલાએ ગાડીને હાથ અડાડ્યો છે તો તારો હાથ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ દરમિયાન કારના ડ્રાઇવર પ્રતિક જોશી, નેહા પાઠક, વર્ષા જોશી,જ્યોત્સના બેલદાર તેમજ પ્રિયંકા બેનની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં પણ જ્યોત્સનાબેન બેલદાર નામની મહિલાએ 'મને જેલમાં પુરી દો' કહીને લોકઅપને લાતો મારી હતી. આ સાથે જ 'જો મારા વિરૂદ્ધ FIR કરી તો તમારા બધાની બદલી કરાવી દઇશ, મારી ઉપર સુધી પહોંચ છે' તેમ કહીને બેફામ ગાળો બોલી હતી. પોલીસે ફરજ પર રૂકાવટ સહિતના ગુના નોંધીને પાંચેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:

