ઐતિહાસિક ચુકાદો: 1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં 33 વર્ષ બાદ જામનગર કોર્ટે 12ને ફટકારી સજા
1993માં બાબરી ધ્વંશનો બદલો લેવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા ભારત વિરુદ્ધ એક મોટું આતંકી કાવતરું ઘડવામાં આવ્યું હતું.

Published : May 4, 2026 at 7:16 PM IST
જામનગર: દેશને હચમચાવી દેનારા 1993ના મુંબઈ સીરીયલ બ્લાસ્ટ સાથે સંકળાયેલા પોરબંદરના કુખ્યાત ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ ટાડા અદાલતે આજે 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ આર.પી. મોગેરાએ આ આતંકી કાવતરામાં સામેલ 12 આરોપીઓને દોષિત જાહેર કરી જેલની સજા ફટકારી છે.
શું હતો સમગ્ર મામલો?
1993માં બાબરી ધ્વંશનો બદલો લેવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા ભારત વિરુદ્ધ એક મોટું આતંકી કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે પાકિસ્તાનથી 'બિસ્મીલાહ' નામની લોંચ મારફતે મધદરિયે હથિયારોનો મોટો જથ્થો લાવવામાં આવ્યો હતો. જેમાં ભારે માત્રામાં RDX, 150થી વધુ આધુનિક હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને રાઈફલોનો જથ્થો પોરબંદરના ગોસાબારા બંદર પર ઉતારવામાં આવ્યો હતો અને ત્યાંથી ટ્રકો મારફતે સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ મુંબઈ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો.
કોર્ટનો ચુકાદો અને સજાની વિગતો
લાંબી કાનૂની લડત બાદ અદાલતે 29 આરોપીઓ પૈકી 12ને દોષિત ઠેરવ્યા છે:
- 10 દોષિતોને: 5 વર્ષની કેદ અને ₹5,000નો દંડ.
- 2 દોષિતોને: 7 વર્ષની સખત કેદ અને ₹8,000નો દંડ.
મુખ્ય દોષિતોમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, સલીમ કુતા, પંજુમિંયા સૈયદ બુખારી અને આરીફ લંબુ જેવા નામ સામેલ છે. બીજી તરફ, પુરાવાના અભાવે 6 આરોપીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દાઉદ સહિત 15 હજુ પણ ફરાર
આ કેસમાં મુખ્ય સુત્રધાર એવા દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ, છોટા શકીલ અને અનીશ ઈબ્રાહીમ સહિત કુલ 15 આરોપીઓને અદાલતે ભાગેડુ જાહેર કર્યા છે. તપાસ એજન્સીઓ હજુ પણ આ આરોપીઓની શોધખોળ કરી રહી છે.
તપાસની સફર
1993થી શરૂ થયેલી આ તપાસ 2018 સુધી સત્તાવાર રીતે ચાલી હતી. આ કેસમાં કુલ 46 આરોપીઓ નોંધાયા હતા, જેમાંથી 11ના કેસ દરમિયાન મૃત્યુ થયા છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી અને તેમની ટીમે માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં 63 સાક્ષીઓની જુબાની નોંધીને પ્રોસિક્યુશનનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો, જેના પરિણામે આજે આ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.
મુખ્ય આંકડાઓ એક નજરે:
- કુલ આરોપી: 46
- દોષિત ઠર્યા: 12
- ભાગેડુ જાહેર: 15
- કેસ દરમિયાન મૃત્યુ: 11
- ડિસ્ચાર્જ થયેલા: 06

