વેરાવળ વન વિભાગની દિલધડક રેસ્ક્યુ કામગીરી, ખાટલા અને દોરડાની મદદથી બચાવ્યો દીપડો
વેરાવળ રાઉન્ડના ડારી નવાપરા બીટ વિસ્તારમાં આવેલા ખેડૂત માલાભાઈ ડોડીયાના કૂવામાં અંદાજે એક વર્ષનો નર દીપડો ખાબક્યો હતો.

Published : May 28, 2026 at 4:30 PM IST
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં વન વિભાગે એક દિલધડક અને પ્રશંસનીય રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી કૂવામાં ખાબકેલા દીપડાનો જીવ બચાવ્યો હતો. નવાપરા ગામે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી, જ્યારે વન વિભાગની સમયસૂચક કામગીરીએ એક નિર્દોષ વન્યપ્રાણીનું જીવન સુરક્ષિત રાખ્યું હતું.
માહિતી મુજબ વેરાવળ રાઉન્ડના ડારી નવાપરા બીટ વિસ્તારમાં આવેલા ખેડૂત માલાભાઈ ડોડીયાના કૂવામાં અંદાજે એક વર્ષનો નર દીપડો ખાબક્યો હતો. દીપડાને કૂવામાં જોઈ ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગેશ કલસરિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી દોરડા અને ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ જોખમી પરંતુ કુશળ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા દીપડાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ બાદ દીપડાની તાત્કાલિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. દીપડાને વધુ સારવાર અને દેખરેખ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પશુચિકિત્સકોની ટીમ તેની સારવાર કરી રહી છે. હાલ દીપડાની સ્થિતિ સ્થિર હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
વન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે સારવાર પૂર્ણ થયા બાદ દીપડાને ફરીથી તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગની આ જીવદયાળુ અને ઝડપી કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.
ગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વન્યપ્રાણીઓ માનવ વસાહતો નજીક આવી ચઢવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વન વિભાગે લોકોને સાવચેત રહેવા તેમજ આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:

