ETV Bharat / state

20 વર્ષથી રોડ વિના હેરાન થતી પબ્લિકે દેખાડ્યો દમ, પહેલા રોડ બનાવો પછી વોટની વાત કરો

400થી વધુ વોટ ધરાવતા વલ્લભનગર વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે, તેમણે રોડ માટે દરેક જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી

400થી વધુ વોટ ધરાવતા વલ્લભનગર વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે, તેમણે રોડ માટે દરેક જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી
400થી વધુ વોટ ધરાવતા વલ્લભનગર વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે, તેમણે રોડ માટે દરેક જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 16, 2026 at 5:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

વાપી: વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હાલમાં જ સમાવિષ્ટ કરવામાં આવેલા 11 ગામ પૈકીના છીરી ગામને વોર્ડ નંબર ત્રણમાં સમાવવામાં આવ્યું છે. આ વોર્ડ નંબર ત્રણ છીરી ગામમાં આવેલા વલ્લભનગર વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી સોસાયટીની અંદર સુધી જતા મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલી પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં રોડ ન બનતા આખરે આ વખતે ચૂંટણી સમયે મતદારોએ રાજકારણીઓને પાઠ ભણાવવા માટે અને પોતાના વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાત એવા કામો કરાવવા માટે મોટા બેનરો માર્યા છે જેમાં લખ્યું છે - રોડ નહીં તો વોટ નહીં

વલ્લભનગર વિસ્તાર 20 વર્ષથી રોડથી વંચિત

વાપીના છીરી ગામમાં વલ્લભનગર વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી લોકોને રોડ બનાવી આપવામાં આવ્યો નથી, જેના કારણે ચોમાસા દરમિયાન રોડ ઉપર નાના તળાવો સર્જાય છે અને લોકોને આવા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ વખતે આવેલી ચૂંટણીમાં લોકોએ બેનરો મારીને રાજકારણીય નેતાઓને જણાવ્યું છે કે જો વોટ જોઈતો હોય તો પહેલા રોડ બનાવી આપવો પડશે માત્ર ખાલી વાયદાઓ ચાલશે નહીં.

રોડ નહીં તો વોટ નહીં (ETV Bharat Gujarat)

ગ્રામ પંચાયતના સમયથી રોડની સમસ્યા છે

સ્થાનિકોએ જણાવ્યું કે જ્યારથી ગ્રામ પંચાયત હતી તે સમયથી જ આ રોડની સમસ્યા જેવી તેવી રહી છે. વારંવાર સ્થાનિક લોકોએ સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, મામલતદાર, પ્રાંત અધિકારી અને છેક જિલ્લા કલેકટર સુધી પણ રોડ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ તમામ લોકો અહીં રોડને જોવા માટે આવે છે અને નિરીક્ષણ કર્યા બાદ બનાવી આપવામાં આવશે એવા વાયદા કરી જતા રહે છે પરંતુ આજ દિન સુધી આ રોડ બન્યો નથી જેના કારણે અહીં વસવાટ કરતાં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વોટ કરશું પણ NOTAમાં, કિંમતી મત બરબાદ નહીં કરીએ

કેટલાક સ્થાનિક અને સમજુ લોકોએ જણાવ્યું કે, 'રોડ નહીં તો વોટ નહીં'ના બેનરો લગાવવામાં આવ્યા છે પરંતુ લોકો વોટિંગ કરવા જશે પણ કોઈપણ ઉમેદવારને વોટ નહીં કરે, તેઓ NOTAમાં વોટિંગ કરશે. આગામી દિવસમાં રોડ બનશે કે કેમ એ તો સમય બતાવશે પરંતુ ચૂંટણી સમયે લોકોએ અચાનક જ બેનરો મારી હાલ તો ઉમેદવાર સહિત અનેક લોકોને દોડતા કરી દીધા છે.

આવી છે વલ્લભનગરમાં રસ્તાની હાલત
આવી છે વલ્લભનગરમાં રસ્તાની હાલત (ETV Bharat Gujarat)

ધનંજય સિંહ નામના એક સ્થાનિકે જણાવ્યું કે, 'અમે રજૂઆત કરવામાં કશું બાકી રાખ્યું નથી, તમામને રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. આ રસ્તા પર વિસ્તારના લોકો પડે છે, હેરાન થાય છે, વરસાદના સમયે તો પરિસ્થિતિ વધારે કપરી થઈ જાય છે પણ કોઈ રસ્તો બનાવી આપતું નથી. અમે તો કહીએ છીએ કે, પાક્કો રોડ ન બનાવો તો લેવલ કરી આપો, એ પણ ન થઈ રહ્યું હોવાથી આ વખતે અમે કોઈ ઉમેદવારને વોટ નહીં આપીએ, અમે NOTA અપનાવીશું.'

અમને ખૂબ જ તકલીફ પડે છે. વરસાદના સમયે જ્યારે અમારા બાળકો આ રસ્તાઓ પર ફસાય છે ત્યારે ખૂબ દુ:ખ થાય છે અને વિચાર આવે છે કે, કયા પાપ કર્યા હશે કે અમે આ વલ્લભનગર વિસ્તારમાં રહીએ છીએ. હું હંમેશાંથી ભાજપને જ વોટ આપતો આવ્યો છું અને મરીશ ત્યાં સુધી ભાજપ તરફી રહીશ પણ અત્યારે NOTA, NOTA, NOTA. - વિનય પાંડે, સ્થાનીક, વલ્લભનગર, વાપી

વલ્લભનગર વિસ્તારમાં 400 વોટ

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વલ્લભનગર વિસ્તારમાં આવેલી લગભગ 400થી વધુ લોકોનું વોટિંગ છે અને આ વોટ ન પડવાથી અનેક રાજકીય પાર્ટીઓને નુકસાન પણ થઈ શકે છે. લોકોને પ્રાથમિક જરૂરિયાત જ પૂરી ન પાડવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે લોકો તેનો વિરોધ કરશે જ ત્યારે આગામી ચૂંટણી પહેલા રાજકીય ઉમેદવારો અને પાર્ટી કેવા દાવ પેજ રમે છે અને સ્થાનિક લોકો વોટિંગ કરશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે.

આ પણ વાંચો: