45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર મહિલાઓ! વલસાડમાં ભરઉનાળે તરસ છિપાવવા જીવ સટોસટનો ખેલ
ગામમાં 8 કૂવા છતાં ઉનાળો શરૂ થતા જ કૂવામાં પાણી તળિયાઝાટક થઇ ગયું.

Published : May 22, 2026 at 4:32 PM IST
|Updated : May 23, 2026 at 6:26 PM IST
તેજસ દેસાઈ, વલસાડ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ વલસાડથી 64 કિલોમીટર દૂર કપરાડાના અંતરિયાળ મોટી પલસાણ ગામમાં એક એવી તસવીર સામે આવી છે જે વિકાસના દાવાઓને ઉજાગર કરી રહી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જ્યા પડે છે અને ગુજરાતના 'ચેરાપુંજી'ની ઓળખ ધરાવતા મોટી પલસાણ ગામમાં પાણી માટે હાહાકાર જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર બની છે.
ઉનાળો આવતા જ તમામ કૂવા સુકાઇ ગયા
મોટી પલસાણના બેરસ્તા ફળિયામાં અંદાજે 1200 જેટલી વસ્તી વસવાટ કરે છે. ગામમાં સરકારી રેકોર્ડ મુજબ 8 જેટલા કૂવા બનાવવામાં આવ્યા છે. જોકે, ઉનાળો શરૂ થતા જ તમામ કૂવાઓ તળિયાઝાટક થઇ ગયા છે. કૂવામાં પાણી ન હોવાને કારણે ગામની મહિલાઓ અને પુરૂષો રોજિંદા ઉપયોગ માટે પાણી મેળવવા માટે જીવલેણ સંજોગોમાં કૂવામાં ઉતરે છે. કોઇ દોરડાની મદદથી નીચે ઉતરે છે તો કોઇ લોખંડની સીડીના સહારે કૂવાની અંદર પહોંચે છે. કૂવાના પથ્થરો વચ્ચે જે થોડું પાણી એકઠું થાય છે તેને વાસણોમાં ભરી બહાર લાવવામાં આવે છે.

પાણીના એક એક ટીપા માટે મહિલાઓનો જંગ
સ્થિતિ એટલી ગંભીર બની છે કે ગામની મહિલાઓ પાણીના એક એક ટીપા માટે જીવના જોખમે કૂવામાં ઊતરવા મજબૂર બને છે. અનેક વખત પાણી ભરતી વખતે મહિલાઓના પગ લપસતા કૂવામાં ખાબકવાની ઘટનાઓ પણ બની ચુકી છે. સ્થાનિકોના કહેવા મુજબ તંત્રને અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઇ કાયમી ઉકેલ આવ્યો નથી.

એક-બે બેડા પાણી માટે કલાકો સુધી જોવી પડે છે રાહ
બેરસ્તા ફળિયામાં પાણી મેળવવું હવે યુદ્ધ જીતવા સમાન બની ગયું છે. વહેલી સવારથી જ કૂવા પાસે મહિલાઓની લાંબી લાઇનો લાગી જાય છે. કૂવામાં ટીપે-ટીપે પાણી ભરાય છે અને ત્યારબાદ મહિલાઓ તેને ઉલેચીને વાસણોમાં ભરે છે. એક પરિવારને માત્ર એકથી બે બેડા પાણી મેળવવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે.

કરોડોની યોજના છતાં નળમાં પાણી આવ્યું નથી
આ સમગ્ર મામલે સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ સામે પણ સવાલ ઉભા થયા છે. કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે અંદાજે 586 કરોડ રૂપિયાના ખર્ચે 'એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના' અમલમાં મુકવામાં આવી હતી. આ યોજના હેઠળ મોટી પલસાણમાં ઘરે ઘરે નળ અને પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આજદિન સુધી આ નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષો પહેલાં નાખવામાં આવેલી પાઇપલાઇન અને નળ પણ હવે સડવા લાગ્યા છે.

મોટી પલસાણમાં પાણીની સમસ્યાને લઇને વલસાડના DDO અતિરાજ ચપલોતે જણાવ્યું હતું કે, "મોટી પલસાણના લોકોએ પાણી માટે જોખમી રીતે કૂવાની અંદર ઉતરીને પાણી ભરવાના સમાચાર ધ્યાનમાં આવ્યા છે. હાલ તમામ અધિકારીઓને ઓડર્સ આપી પાણીની વ્યવસ્થા કાયમી ધોરણે દૂર કરવા માટે જણાવ્યું છે અને જ્યાં સુધી તેનું કામ ચાલે ત્યાં સુધી ફળીયાના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના આદેશ જારી કર્યા છે."

આ પણ વાંચો:

