વલસાડ: પારડીમાં ત્રણ દિવસીય ગાંધીમેળાનો પ્રારંભ, ગ્રામ્ય સ્વરાજ અને આત્મનિર્ભરતાના સંદેશ સાથે અનોખું આયોજન
પારડીમાં પ્રથમવાર આવા વિશાળ સ્તરે ગાંધીમેળાનું આયોજન થતા સ્થાનિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Published : February 20, 2026 at 5:15 PM IST
વલસાડ : જિલ્લાના પારડી ખાતે આજથી ત્રણ દિવસીય ગાંધીમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. તારીખ 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમ્યાન ડી.સી.ઓ. હાઈસ્કૂલના પરિસરમાં આયોજિત આ મેળો ગાંધી વિચારધારા અને મૂલ્યોના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત છે. 78 વર્ષ બાદ પારડીમાં પ્રથમવાર આવા વિશાળ સ્તરે ગાંધીમેળાનું આયોજન થતા સ્થાનિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રીબન કાપીને પ્રારંભ, અગ્રણીઓની ઉપસ્થિતિ
ગાંધીમેળાનો પ્રારંભ ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા નટુભાઈ દેસાઈના હસ્તે રીબિન કાપીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગાંધી વિચારધારા માનનાર અનેક વડીલો, અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. આયોજન સમિતિ દ્વારા જણાવાયું કે, આજના યુગમાં ગાંધીજીના મૂલ્યો વધુ પ્રાસંગિક બન્યા છે, જેને યુવા પેઢી સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ છે.
સત્ય, અહિંસા અને અપરિગ્રહના મૂલ્યો પર ભાર
મેળામાં ખાસ કરીને મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અસતેય જેવા સિદ્ધાંતોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં આ મૂલ્યોનો સંસ્કાર વિકસે અને વર્તમાન સમયમાં પણ ગાંધી વિચારોનું મહત્વ સમજાય તે માટે વિવિધ પ્રદર્શન અને માહિતીપ્રદ સ્ટોલો મૂકવામાં આવ્યા છે. ગ્રામ્ય સ્વરાજ અને આત્મનિર્ભરતા જેવા હેતુઓને સિદ્ધ કરવા માટે સ્વવલંબન આધારિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

મહિલા સશક્તિકરણ અને પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલો
ગ્રામીણ કક્ષાએ કાર્યરત અને મહિલાઓને આત્મનિર્ભર બનાવતી વિવિધ સંસ્થાઓ દ્વારા હસ્તકલા આધારિત ચીજવસ્તુઓના સ્ટોલો મૂકવામાં આવ્યા છે. ખાદી અને પ્રાકૃતિક કાપડ, ઘરેલુ હસ્તનિર્મિત ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી, નેચરોપેથી અને સર્પદંશ સારવાર અંગેની માહિતી સહિત અનેક વિષયો પર પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓના હાથથી બનેલા ઉત્પાદનોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, જે ગાંધીજીના સ્વદેશી અને સ્વાવલંબનના સંદેશને મજબૂત બનાવે છે.
ગાંધીજીના જીવનચરિત્રનું ચિત્ર પ્રદર્શન
મેળામાં મહાત્મા ગાંધીના સમગ્ર જીવન દરમિયાન બનેલી ઘટનાઓ અને સ્મૃતિઓને રજૂ કરતું વિશાળ ચિત્ર પ્રદર્શન પણ આયોજિત છે. સાથે જ ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સત્ય અને અહિંસા જેવા મૂલ્યોનું સંવર્ધન થાય તે માટે માહિતીસભર ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. બાળકો અને યુવાનો માટે સરળ ભાષામાં રજૂ કરાયેલ માહિતી વિશેષ આકર્ષણ બની રહી છે.

વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ
વલસાડ જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ગાંધીમેળાની મુલાકાત લઈ રહ્યા છે. પ્રથમ દિવસે પારડીની અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ મેળાની મુલાકાત લીધી હતી અને ચિત્ર પ્રદર્શન દ્વારા ગાંધીજીના જીવન અને વિચારો વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટોલો અને પ્રદર્શનનો અભ્યાસ કર્યો.

જાણિતા વક્તાઓના પ્રવચનો યોજાશે
ત્રણ દિવસીય મેળા દરમ્યાન ગાંધી વિચારધારા પર આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે. 22 ફેબ્રુઆરીના રોજ ડો. જયનારાયણ વ્યાસ, બીરેન કોઠારી અને અંકિત દેસાઈ સહિતના જાણિતા વક્તાઓ પોતાના વિચારો રજૂ કરશે. ‘સાંપ્રત સમયમાં ગાંધીના વિચારો કેમ જરૂરી છે’, ‘ગાંધીજી અને રમૂજ’ તેમજ ‘કસ્તુરબા અને ગાંધીમેળો’ જેવા વિષયો પર વિશેષ પ્રવચનો યોજાશે.

વર્તમાન સમયમાં ગાંધી મૂલ્યોની પ્રાસંગિકતા
આ આયોજનનો મુખ્ય હેતુ આજના વિદ્યાર્થીઓ અને સમાજમાં ગાંધીજીના મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આધુનિક યુગમાં વધતી સ્પર્ધા અને મૂલ્યવિહિનતાની વચ્ચે સત્ય, અહિંસા અને સ્વાવલંબન જેવા સિદ્ધાંતોને ફરી જીવંત બનાવવાનો પ્રયાસ આ મેળા દ્વારા કરવામાં આવ્યો છે. પારડીમાં આયોજિત આ ગાંધીમેળો સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે.
આ પણ વાંચો...

