ETV Bharat / state

વલસાડ: વાપી મનપાના જન સેવા કેન્દ્રમાં અરજદારોની લાંબી કતારો, અરજદારોમાં ભારે અસંતોષ

મર્યાદિત ટોકન વ્યવસ્થાના કારણે અરજદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

વાપી મનપાના જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ
વાપી મનપાના જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 20, 2026 at 1:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

વલસાડ : વાપી મહાનગરપાલિકાના જન સેવા કેન્દ્ર ખાતે જન્મ અને મરણના દાખલામાં સુધારા-વધારા તેમજ નવા દાખલા મેળવવા માટે આવનારા અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. રોજબરોજ મોટી સંખ્યામાં લોકો અહીં પોતાની કામગીરી માટે પહોંચતા હોવા છતાં મર્યાદિત ટોકન વ્યવસ્થાના કારણે અરજદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

અરજદારોના જણાવ્યા અનુસાર, જન્મ-મરણ શાખા દ્વારા દરરોજ માત્ર 25 લોકોને જ ટોકન આપવામાં આવે છે. ટોકન મેળવવા માટે વહેલી સવારથી જ લોકો કચેરી બહાર પહોંચી જાય છે અને ટોકન માટે પડાપડી મચી જાય છે. ટોકન મળ્યા બાદ પણ લોકોને ફરી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને એક પછી એક અરજીઓ સ્વીકારવામાં આવતી હોવાથી કલાકો સુધી રાહ જોવી પડે છે.

વાપી મનપાના જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ (ETV Bharat Gujarat)

સવારે 7 વાગ્યાથી જ લાગી જાય છે ભીડ

ટોકનની મર્યાદિત સંખ્યાને કારણે ઘણા લોકો સવારે સાત વાગ્યાથી જ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી જાય છે. મહિલાઓ, વૃદ્ધો તેમજ દૂરના વિસ્તારોમાંથી આવતા લોકો પણ વહેલી સવારે કચેરી બહાર રાહ જોતા જોવા મળે છે. જોકે તમામ લોકોને ટોકન મળી રહે તેવી કોઈ સુનિશ્ચિત વ્યવસ્થા ન હોવાના કારણે અનેક અરજદારો નિરાશ થઈ પરત ફરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

કર્મચારીઓની મોડે હાજરી અંગે ઉઠ્યા સવાલ

મહાનગરપાલિકાના કર્મચારીઓનો સત્તાવાર સમય સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો હોવા છતાં જન્મ-મરણ શાખામાં સમયસર કર્મચારીઓ હાજર રહેતા નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. અરજદારોના જણાવ્યા મુજબ સવારે 10 વાગ્યા બાદ પણ લાંબા સમય સુધી કચેરીની ખુરશીઓ ખાલી જોવા મળે છે અને ઘણીવાર 10:30 વાગ્યા સુધી પણ કામગીરી શરૂ થતી નથી. જેના કારણે પહેલેથી રાહ જોઈ રહેલા લોકોને વધુ સમય બગાડવો પડે છે.

વાપી મનપાના જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ
વાપી મનપાના જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ (ETV Bharat Gujarat)

સર્વર ડાઉન બન્યું નવી મુશ્કેલીનું કારણ

જન્મ-મરણ દાખલામાં સુધારા-વધારા માટે આવનારા લોકોને સર્વર ડાઉનની સમસ્યાનો પણ વારંવાર સામનો કરવો પડી રહ્યો છે. ટોકન મેળવી કલાકો સુધી રાહ જોયા બાદ જ્યારે કામગીરીનો વારો આવે ત્યારે સર્વર બંધ હોવાનું કારણ આપવામાં આવતું હોવાનું અરજદારો જણાવી રહ્યા છે. પરિણામે લોકોને ફરી બીજા દિવસે આવવું પડે છે અને એક જ કામ માટે અનેક વખત ધક્કા ખાવા પડે છે.

11 ગામોના સમાવેશ બાદ વધી અરજદારોની સંખ્યા

તાજેતરમાં વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે જન્મ અને મરણના દાખલાઓ સંબંધિત કામગીરી માટે આવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભીલાડ, સરીગામ, ઉમરગામ સહિતના વિસ્તારોમાંથી પણ લોકો અહીં આવે છે. પરંતુ વધેલા કામના ભાર સામે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.

વાપી જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ
વાપી જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ (ETV Bharat Gujarat)

મહિલાઓ અને દૂરથી આવતા લોકોને વધુ તકલીફ

મહિલા અરજદારો પોતાના નાના બાળકો સાથે અથવા તેમને ઘરે મૂકીને કામગીરી માટે કચેરીએ પહોંચતી હોય છે. ઘણી મહિલાઓને આખો દિવસ લાઈનમાં ઊભા રહીને પસાર કરવો પડે છે. બીજી તરફ દૂરના વિસ્તારોમાંથી આવતા અરજદારોને એક જ કામ માટે ત્રણથી ચાર વખત કચેરીના ચક્કર લગાવવા પડે છે. જેના કારણે સમય અને નાણાં બંનેનો બગાડ થઈ રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

કેટલાક અરજદારોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, જન્મ-મરણ શાખામાં આવનારા લોકો સાથે યોગ્ય રીતે વાતચીત કરવામાં આવતી નથી. જરૂરી માર્ગદર્શન આપવાના બદલે લોકોને અલગ-અલગ કારણો આપી પરત મોકલવામાં આવે છે. જેના કારણે અરજદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કેટલીકવાર આ બાબતે શાબ્દિક બોલાચાલી અને ટપાટપીના બનાવો પણ સર્જાતા હોવાનું જાણવા મળ્યું છે.

જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ
જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભીડ (ETV Bharat Gujarat)

જન્મ મરણ વિભાગ દ્વારા અપાયેલો નંબર સ્વીચ ઓફ રહે છે

જન્મ મરણ વિભાગ દ્વારા લોકોની પૂછપરછ માટે જાહેર કરવામાં આવેલો અને કચેરીની બહાર ચોંટાડવામાં આવેલો મોબાઈલ નંબર 97277 99 2 61 દિવસ દરમિયાન સવારે 10:00 વાગ્યા સુધી બંધ રહે છે અને 10:30 એ જ્યારે પણ કર્મચારી કચેરીમાં પ્રવેશે ત્યારે જ આ ફોન ચાલુ થતો હોય છે આમ સામાન્ય વ્યક્તિ જો કચેરી ઉપર પહોંચે અને બહારથી જોયેલો નંબર ઉપર ફોન કરે તો આ ફોન સ્વીચ ઓફ જ આવે છે એટલે કે જેવી કચેરી બંધ થાય કે ફોન સ્વીચ ઓફ થઈ જાય છે બહાર ગામના લોકોએ જો ફોન કરી પૂછવું હોય તો તેઓને માત્ર સ્વીચ ઓફ ની ટોન જ સાંભળવા મળે છે

જન્મ મરણ વિભાગ દ્વારા અપાયેલો નંબર સ્વીચ ઓફ
જન્મ મરણ વિભાગ દ્વારા અપાયેલો નંબર સ્વીચ ઓફ (ETV Bharat Gujarat)

અરજદારોનું કહેવું છે કે, જન્મ-મરણ શાખામાં ટોકનની સંખ્યા વધારવી, પૂરતા કર્મચારીઓની નિમણૂક કરવી અને સર્વર સંબંધિત સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે. વધતી વસ્તી અને મહાનગરપાલિકાના વિસ્તરણને ધ્યાનમાં રાખીને સેવાઓ વધુ સુલભ બનાવવાની માંગ ઉઠી રહી છે. હવે વાપી મહાનગરપાલિકા દ્વારા અરજદારોની આ સમસ્યાઓને કેટલા ઝડપથી ઉકેલવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

આ પણ વાંચો...

  1. મહેસાણામાં મહિલા સરપંચે જન સેવા કેન્દ્ર શરૂ કર્યું, સરકારી યોજનાથી લઈને આધાર કાર્ડ સુધી બધી માહિતી અહીં મળશે
  2. જન સેવા કેન્દ્ર પર રોજની 600 અરજીઓનો નિકાલ થાય છે, સોશિયલ ડિસ્ટન્સન અદ્રશ્ય