વલસાડ: વાપીના યુવાનનો ધોની પ્રત્યે અનોખો પ્રેમ, 500 કાગળોમાંથી 25 ફૂટનું ભવ્ય સ્કેચ તૈયાર કર્યું
આ ભવ્ય કળાકૃતિ બનાવવા માટે કરણને સતત સાત દિવસનો સમય લાગ્યો હતો

Published : April 30, 2026 at 10:00 AM IST
|Updated : April 30, 2026 at 8:12 PM IST
વલસાડ : રમતગમત જગતના સ્ટાર્સ પ્રત્યે ચાહકોનો પ્રેમ ઘણીવાર અનોખા અંદાજમાં સામે આવતો હોય છે. કોઈ પોતાના પ્રિય ખેલાડી માટે ચિત્ર દોરીને શ્રદ્ધાંજલિ આપે છે, તો કોઈ રેતીમાં આકૃતિ બનાવે છે અથવા ટેટૂ દ્વારા પોતાના લાગણી વ્યક્ત કરે છે. આવા જ એક અનોખા પ્રેમનો દાખલો વાપીના એક યુવાન કલાકારે રજૂ કર્યો છે, જેણે પોતાના આદર્શ ખેલાડી પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવા માટે ભવ્ય કળાકૃતિ તૈયાર કરી છે.
વાપીના રહેવાસી કરણ વિશ્વકર્માએ પોતાની અનોખી કળા દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીનું 25 ફૂટ લાંબું વિશાળ સ્કેચ તૈયાર કર્યું છે. આ ચિત્ર માત્ર કદમાં જ નહીં પરંતુ તેની બારીકીઓ અને જીવંત અભિવ્યક્તિ માટે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
500થી વધુ પેપર જોડીને બનાવ્યું મહાકાય સ્કેચ
કરણએ આ વિશાળ ચિત્ર બનાવવા માટે 500થી વધુ A4 સાઈઝના પેપર્સનો ઉપયોગ કર્યો છે. દરેક પેપર પર સ્કેચના અલગ અલગ ભાગો દોર્યા બાદ તેને એકબીજા સાથે ચોક્કસ રીતે જોડીને આખું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી, કારણ કે દરેક ટુકડો એકદમ પરફેક્ટ રીતે ફિટ થાય તે જરૂરી હતું.

આ ભવ્ય કળાકૃતિ બનાવવા માટે કરણને સતત સાત દિવસનો સમય લાગ્યો હતો. દિવસ-રાત મહેનત કરીને તેણે આ સ્કેચ પૂર્ણ કર્યું છે. એક સામાન્ય પેપર પર દોરેલી લાઈનોને આટલી મોટી સ્કેલ પર એકસરખી રીતે રજૂ કરવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, છતાં કરણે પોતાની લગન અને ધીરજથી આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

દરિયાકાંઠે પવન વચ્ચે પડકારોનો સામનો
દમણના મોટી દમણ કિલ્લા પાસે આવેલા લાઇટ હાઉસ વિસ્તારમાં આ ચિત્ર બનાવવામાં આવ્યું હતું. દરિયાકાંઠે સતત ફૂંકાતા તેજ પવનોને કારણે કાગળોને સ્થિર રાખવું મોટો પડકાર હતો. અનેક વખત પેપર્સ ઉડી જવાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ કરણે હિંમત હાર્યા વિના દરેક પેપરને સંભાળી અને ગોઠવીને આખું ચિત્ર પૂર્ણ કર્યું.
કરણએ જણાવ્યું કે, "ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ બહુ ઓછા મેચોમાં જોવા મળે છે. આવા સમયમાં પોતાના પ્રિય ખેલાડી પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવા માટે તેણે આ વિશાળ સ્કેચ બનાવવાનો નિર્ણય લીધો હતો. તેના માટે આ માત્ર ચિત્ર નહીં પરંતુ લાગણીઓનો એક અભિવ્યક્તિરૂપ પ્રયોગ છે."
કરણ પોતાની અનોખી કળા માટે ‘ક્રિએટિવ કરણ’ તરીકે ઓળખાય છે. તેની આ કૃતિ સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આ ચિત્રને નિહાળી તેની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકો માટે આ ચિત્ર પ્રેરણારૂપ બની રહ્યું છે.

કરણની સૌથી મોટી ઇચ્છા છે કે તેની આ મહેનત અને પ્રેમથી બનાવેલી કૃતિ મહેન્દ્ર સિંહ ધોની સુધી પહોંચે. તે ઈચ્છે છે કે સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા તેની આ ભેટ ‘માહી’ સુધી પહોંચે અને તે તેને નિહાળી શકે. આ આશા સાથે કરણ પોતાની કળાને વધુ ઊંચાઈએ લઈ જવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો...

