વડોદરા : દસ દિવસમાં બીજી ફાયરિંગની ઘટના, ભાયલીના એરીના-48 ફ્લેટ પર બે રાઉન્ડ ફાયરિંગ; 6 આરોપીઓની ધરપકડ
દારૂ પાર્ટી કરવા બેઠેલા મિત્રોએ તેમના એક મિત્ર પાસે રહેલી રિવૉલ્વર ખરેખર ચાલે છે કે નહીં તે ચેક કરવા ફાયરિંગ કરી દીધું

Published : July 4, 2026 at 6:40 PM IST
વડોદરા: વડોદરામાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે. છેલ્લા દસ દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટના નોંધાતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ભાયલી વિસ્તારમાં આવેલા એરીના-48 એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળના ફ્લેટ તરફ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઝડપી તપાસ બાદ પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી છ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગત રાત્રે અંદાજે 1:10 વાગ્યાના સમયે એરીના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201 અને 301 તરફ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક ગોળી ફ્લેટ નંબર 201ની બાલ્કનીનો કાચ તોડીને ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી હતી. અચાનક ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા.
વડોદરા ગ્રામ્ય પોલીસ વડા એસ.પી. સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઘટનાના પગલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેક્નિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસે થોડા જ સમયમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.
મજાક-મજાકમાં કરી દીધું ફાયરિંગ
તપાસમાં જાણવા મળ્યું કે એરીના-48ની નજીક આવેલી અશ્વમેઘ એપાર્ટમેન્ટમાં આવેલી એક ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ દરમિયાન નશાની હાલતમાં હાજર મિત્રો વચ્ચે મજાક શરૂ થઈ હતી. આરોપીઓએ અમદાવાદના રહેવાસી મેહુલ ગઢવીને તેની લાયસન્સવાળી રિવોલ્વર ખરેખર ચાલે છે કે નહીં તે અંગે ઉશ્કેરતા તેણે નશાની હાલતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ગોળીઓ સામે આવેલી એરીના-48 એપાર્ટમેન્ટ તરફ જઈ વાગી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી ચાર જીવતા કારતૂસ કબજે કર્યા છે તેમજ ઘટનામાં વપરાયેલી રિવોલ્વર પણ જપ્ત કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી રિવોલ્વર મેહુલ ગઢવીના નામે કાયદેસર લાયસન્સ ધરાવતી હતી. જોકે નશાની હાલતમાં બેદરકારીપૂર્વક હથિયારનો ઉપયોગ કરવાના કારણે તેની સામે ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે ઓફિસમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી તે જોગા ભરવાડની માલિકીની હોવાનું અને તે ઓફિસ ક્રિપાલસિંહ નામના વ્યક્તિને ભાડે આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે આ ઓફિસમાં કોઈ નિયમિત વ્યવસાય થતો ન હતો અને માત્ર પાર્ટી માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કેસમાં પોલીસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અમદાવાદના મેહુલ ગઢવી, વડોદરાના શક્તિસિંહ રાણા, સંજય દવે ઉર્ફે RDX, દીપક ઝા, દાહોદના વિજય ભારવાની અને રાજકોટના ઈન્દ્રજીત વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સંજય દવે ઉર્ફે RDX સામે અગાઉથી અંદાજે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસ હાલ તમામ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને દારૂની પાર્ટી, હથિયારના ઉપયોગ તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર વડોદરામાં જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો:

