વડોદરાઃ ગરબાની રમઝટ જોઈ વિદેશી રાજદ્વારીઓ અભિભૂત, લક્ષ્મી વિલાસ પેલેસથી નવલખી મેદાન સુધી છવાયો ઉત્સાહ
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીની આગેવાની હેઠળ આયોજિત ‘વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ-2026’માં વિદેશી મહેમાનોએ ગરબાની રમઝટનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

Published : October 12, 2026 at 11:44 AM IST
|Updated : October 12, 2026 at 12:08 PM IST
વડોદરા: વિશ્વવિખ્યાત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ અને એકસાથે ગુંજતા ગરબાના તાલ જોઈને વિવિધ દેશોના રાજદ્વારીઓ અને વિદેશી પ્રતિનિધિમંડળ અભિભૂત થઈ ગયા હતા. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીની આગેવાની હેઠળ આયોજિત ‘વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ-2026’માં વિદેશી મહેમાનોએ ગરબાની રમઝટનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. લક્ષ્મી વિલાસ પેલેસ અને નવલખી મેદાન ખાતે ખેલૈયાઓના ઉત્સાહે વિદેશી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે માતા આદ્યશક્તિની આરતી અને ગરબાની રમઝટ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં. માતાજીની આરાધના સાથે શરૂ થયેલા ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. પરંપરાગત ગરબાના તાલે મેદાનમાં સર્જાયેલા ઉત્સાહને જોઈ વિદેશી પ્રતિનિધિઓ પણ ગરબા ગ્રાઉન્ડમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં ગરબા રમવા લાગ્યા હતા. ગુજરાતની ધાર્મિક પરંપરા અને સામૂહિક ઉજવણીનો આ અનુભવ તેમના માટે ખાસ રહ્યો હતો.
આગળના કાર્યક્રમમાં વિદેશી પ્રતિનિધિમંડળે નવલખી મેદાન સ્થિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં પણ હાજરી આપી હતી. અહીં ખેલૈયાઓની વિશાળ સંખ્યા અને એકસાથે ગરબા રમવાની પરંપરાએ મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું. નવરાત્રી માત્ર નૃત્યનો ઉત્સવ નહીં, પરંતુ સંગીત, ભક્તિ, પરંપરા અને સામૂહિક જોડાણનું પ્રતીક છે, તેનો અનુભવ વિદેશી મહેમાનોએ મેદાનમાં હાજર રહીને કર્યો હતો.
ગરબાની આ રમઝટ વચ્ચે વિદેશી પ્રતિનિધિઓએ વડોદરાની સાંસ્કૃતિક ઓળખને નજીકથી નિહાળી હતી. એક તરફ માતાજીની આરાધના અને પરંપરાગત ગરબાના તાલ, તો બીજી તરફ હજારો ખેલૈયાઓનો એકસાથે થતો ઉત્સાહભર્યો નૃત્યાવિષ્કાર, સમગ્ર આયોજનને યાદગાર બનાવતો હતો. વિદેશી મહેમાનો માટે વડોદરાના ગરબાને માત્ર જોવાની નહીં, પરંતુ તેની સાથે જોડાઈને અનુભવવાની તક પણ બની હતી.
સ્વીડિશ સંસદનાં પૂર્વ સભ્ય પેનેલોપે વડોદરામાં ગરબાનો આનંદ માણ્યા બાદ જણાવ્યું હતું કે, સંગીત, નૃત્ય, પરંપરાગત વસ્ત્રો અને લોકોના ઉત્સાહે તેમને મંત્રમુગ્ધ કરી દીધાં છે. તેમણે ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને કલા સાથે આધુનિક ઉદ્યોગો તથા ભવિષ્યના વિકાસના સમન્વયની પણ પ્રશંસા કરી હતી. તેમના મતે, વડોદરામાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે, જે શહેરના સાંસ્કૃતિક અનુભવને વિશેષ બનાવે છે.
ઉરુગ્વેના આલ્બર્ટોએ પણ ગરબાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ગરબા વિશ્વમાં અનોખી અને ભવ્ય પરંપરા છે. ભારતનાં સૌથી ગતિશીલ રાજ્યોમાંના એક ગુજરાતમાં ગરબાનું આયોજન થતું હોવાનો તેમને આનંદ છે. તેમણે ઉમેર્યું હતું કે, આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લઈને દરેક વ્યક્તિએ ગર્વ અને ખુશી અનુભવવી જોઈએ. તેમના નિવેદનથી ગરબાની પરંપરા અને તેના વૈશ્વિક આકર્ષણ અંગેનો અભિપ્રાય સામે આવ્યો હતો.
વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ-2026માં ખેલૈયાઓના ઉત્સાહ અને ગરબાની રમઝટે વિદેશી પ્રતિનિધિમંડળને અભિભૂત કર્યું હતું. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે માતા આદ્યશક્તિની આરતીથી લઈને નવલખી મેદાનના વિશાળ ગરબા મહોત્સવ સુધી, વડોદરાની ગરબા પરંપરાનો વૈશ્વિક રંગ મહેમાનોએ નજીકથી અનુભવ્યો હતો. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને ભક્તિમય વાતાવરણ વિદેશી મહેમાનો માટે યાદગાર સંભારણું બન્યાં હતાં.
આ પણ વાંચોઃ
નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષા માટે વડોદરા પોલીસની ડિજિટલ પહેલ, એપથી મહિલાઓ સુરક્ષિત ઘરે પહોંચશે
30 દેશોનું ડેલિગેશન બન્યું સંસ્કારી નગરીનું મહેમાન, વડોદરાનો વૈભવ અને મહેમાનગતિ માણીને થયા અભિભૂત

