વડોદરા: કરિયરની ચિંતામાં ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
વડોદરાના આજવા રોડની સાંઈકૃપા રેસિડેન્સીમાં 18 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ રૂમમાંથી મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Published : August 30, 2026 at 7:46 PM IST
વડોદરા: આજવા રોડ વિસ્તારમાં ધોરણ-12 સાયન્સના 18 વર્ષીય વિદ્યાર્થીના ઘરે અચાનક મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાંઈકૃપા રેસિડેન્સીમાં રહેતા આ વિદ્યાર્થીનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ધોરણ-12માં 74 ટકા આવ્યા બાદ કરિયર અને ભવિષ્યને લઈને ચિંતાના કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી સાંઈકૃપા રેસિડેન્સીમાં રહેતા ધોરણ-12 સાયન્સના 18 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ઘરે જીવન ટૂંકાવી લેતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મૃતક વિદ્યાર્થી પિતાનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. આશાસ્પદ પુત્રના આત્યંતિક પગલાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલ મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી પોતાના રૂમમાં હતો. સવારે લાંબા સમય સુધી દરવાજો ન ખોલતા પિતાને શંકા ગઈ હતી. ત્યારબાદ દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, દરવાજો ન ખૂલતા પિતાએ દરવાજો તોડ્યો હતો. રૂમમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયો હતો. આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ બાપોદ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
બાપોદ પોલીસ મથકના એએસઆઈ હર્ષિતભાઈ સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ વિદ્યાર્થી ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને બોર્ડની પરીક્ષામાં તેને 74 ટકા આવ્યા હતા. પરિણામ બાદ કરિયર અને ભવિષ્યને લઈને તેને ચિંતા સતાવતી હોવાની પ્રાથમિક આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જોકે, વિદ્યાર્થીએ આ અંતિમ પગલું કયા ચોક્કસ કારણોસર ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનો, પરિચિતો અને અન્ય પાસાંઓ અંગે પણ પોલીસ માહિતી મેળવી રહી છે.
આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી
જો તમને આત્મહત્યાના વિચારો આવી રહ્યા હોય, અથવા તમે કોઈ મિત્ર વિશે ચિંતિત હોવ, અથવા તમને ભાવનાત્મક ટેકોની જરૂર હોય, તો કોઈ એવી વ્યક્તિ છે જે હંમેશા તમારી વાત સાંભળવા માટે તૈયાર હોય છે. સ્નેહા ફાઉન્ડેશન - 04424640050 (24x7 ઉપલબ્ધ) અથવા iCall, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ હેલ્પલાઇન 9152987821 પર કૉલ કરો (સોમવારથી શનિવાર સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ).
આ પણ વાંચો...

