સુરેન્દ્રનગર: કરોડના ખર્ચે બનેલો રોડ 26 દિવસમાં ધ્વસ્ત, મેયરે આપ્યા તપાસના આદેશ
અંદાજિત 1 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરાયેલા રોડ પરથી સિમેન્ટ કોંક્રીટ બહાર આવી, સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવાની માંગ કરી.

Published : July 3, 2026 at 5:40 PM IST
સુરેન્દ્રનગર: મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કામોમાં નબળી ગુણવત્તાની ફરિયાદો વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વઢવાણ રેલવે સ્ટેશન બાયપાસ રોડનું નવીનીકરણ માત્ર 26 દિવસમાં જ ધ્વસ્ત થઈ ગયું છે. સ્થાનિક લોકો વર્ષોથી આ રોડ નવો બનાવવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ બન્યાના ગણતરીના દિવસોમાં જ રોડ પર પાથરવામાં આવેલી સિમેન્ટ કોંક્રીટ બહાર આવી ગઈ અને રોડ તૂટવા લાગ્યો.
અંદાજિત એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચે હાથ ધરવામાં આવેલા આ રોડ નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો સ્થાનિકો અને આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવી છે. આ મુદ્દે સ્થાનિક આગેવાનોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશ રાઠોડને લેખિત રજૂઆત કરી હતી. ફરિયાદના આધારે મેયરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને ખુદ સ્થળની મુલાકાત લઈને રોડની ચકાસણી કરવાની તૈયારી દર્શાવી છે.
સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામગીરી સાવ નબળી કક્ષાની કરવામાં આવી છે. એક મહિનો પણ ન થયો ત્યાં રોડ ફાટી ગયો અને સિમેન્ટ કોંક્રીટ ઉપર આવવા લાગી. આ અંગે તેમણે કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેકલિસ્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટના અંગે નિવેદન આપતા મેયર રાકેશ રાઠોડે જણાવ્યું કે, "શહેરમાં નબળી કક્ષાના જે રોડ-રસ્તાના કામો થયા છે, તે મોટાભાગે વહીવટદાર શાસન દરમિયાન થયા છે. પરંતુ હવે કોઈપણ એજન્સી નબળી કામગીરી કરશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પ્રજાના નાણાનો વ્યય અને ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. માત્ર 26 દિવસમાં બનેલો રોડ તૂટી ગયો છે, આ અંગે મેં તપાસના આદેશ આપી દીધા છે. ખુદ જાત તપાસ કરી યોગ્ય રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જરૂર પડ્યે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી કાયદાકીય પગલાં ભરવામાં આવશે."
મેયરની આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં આશાનું મોજું ફરી વળ્યું છે, પરંતુ તેઓ માંગ કરી રહ્યા છે કે દોષિતો સામે કડકમાં કડક પગલાં લઈ રકમ રિકવરી કરવામાં આવે.
આ પણ વાંચો...

