ઉત્તરાયણ પર રાજ્યના ખૂણે ખૂણે પતંગ પહોંચાડતું નડીયાદ, જુઓ પતંગ ઉદ્યોગની ઇનસાઇડ સ્ટોરી
શહેરમાં ચાલતા અનેક ગૃહઉદ્યોગોમાં હજારેક જેટલા કારીગરો દ્વારા વર્ષ દરમિયાન પતંગો બનાવવામાં આવે છે. પતંગ રસિયાઓની માનીતી ચીલ પતંગ નડીયાદમાં જ બનાવાય છે.

Published : January 6, 2026 at 4:40 PM IST
ખેડા: ઉત્તરાયણનું પર્વ હવે નજીક આવતા બજારોમાં અનેક જાતની પતંગો જોવા મળી રહી છે ત્યારે આ પતંગો રાજ્યભરમાં પતંગ ઉદ્યોગના હબ તરીકે જાણીતા નડીયાદ શહેરમાંથી પહોંચાડાય છે. ખેડા જીલ્લાનું મુખ્ય મથક નડીયાદ શહેર વર્ષોથી પતંગ બનાવવાના વ્યવસાય માટે જાણીતું છે. શહેરમાં ચાલતા અનેક ગૃહઉદ્યોગોમાં હજારેક જેટલા કારીગરો દ્વારા વર્ષ દરમિયાન પતંગો બનાવવામાં આવે છે. પતંગ રસિયાઓની માનીતી ચીલ પતંગ નડીયાદમાં જ બનાવાય છે.
શહેરમાં પતંગના સો જેટલા કારખાના:
સમગ્ર શહેરમાં પતંગ બનાવતા અંદાજે સો જેટલા કારખાના આવેલા છે જે હજાર ઉપરાંત કારીગરો માટે રોજગારીનું માધ્યમ છે. આ કારખાનામાં વિવિધ પ્રકારની પતંગો બનાવવામાં આવે છે. પતંગ બનાવવાના કારખાનામાં કમાન લગાવવાથી માંડી પેપર સ્ટીકર ચોટાડવા જેવી કામગીરી અલગ અલગ વ્યક્તિઓ કરતા હોય છે. એક પતંગ પાંચ કારીગર પાસે જાય પછી એ પતંગ તૈયાર થાય છે. બધા કારખાનાઓમાં મળી હજાર ઉપરાંત કારીગરો વિવિધ કામગીરી કરે છે. આ કારીગરો પરંપરાગત રીતે પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કારીગરોને પતંગ બનાવવાની મજૂરી નંગ પર આપવામાં આવતી હોય છે. કેટલાક કારખાનામાં મહિલાઓ પણ પતંગ બનાવવાની કામગીરી કરે છે. પતંગ બનાવવાના ઢઠ્ઠા કમાન કલકત્તા અને આસામથી મંગાવવામાં આવે છે, જ્યારે પતંગ બનાવવાના કાગળ પૂના, બોમ્બે, દિલ્હી જેવા શહેરોમાંથી ખરીદી કરવામાં આવે છે.

અનેક પ્રકારની પતંગો:
સમગ્ર રાજ્યમાંથી વેપારીઓ નડિયાદમાંથી પતંગની ખરીદી કરતા હોય છે. તેમજ મહિનાઓ અગાઉથી ઓર્ડર આપીને પણ વેપારીઓ પતંગો બનાવડાવતા હોય છે. અહીં બનતી પતંગો બીજે કરતા ભાવમાં સસ્તી હોય છે. આ પતંગોમાં જુદા જુદા રંગ તેમજ ડીઝાઈનો હોય છે, જે એક રૂપિયાથી લઈ દસ રૂપિયા સુધીની કિંમતની હોય છે. જેમાં ફેન્સી પ્રિન્ટ, પ્લેન, ફરાચીલ, સફેદ ચિલ, રંગીન પત્તાચીલ, કાટદાર, પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગો બનાવાય છે. અહીં બનાવાતી ચીલ પતંગ એ જાણીતી અને પતંગ રસિયાઓની ફેવરિટ છે, જેની રાજ્યભરમાં ભારે માંગ રહે છે.

આખુ વર્ષ પતંગ બનાવવાની કામગીરી:
નડીયાદની પતંગોની સમગ્ર રાજ્યમાં ભારે માંગ રહે છે, જે માંગને પહોંચી વળવા આ કારખાનાઓમાં સમગ્ર વર્ષ દરમ્યાન પતંગો બનાવવાની કામગીરી ચાલતી રહે છે. પતંગ બનાવવાની કામગીરી ઉતરાયણ બાદ થોડા દિવસ માટે બંધ રહે છે. બાદમાં આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલુ રહે છે. એક કારીગર મિનિટમાં સાત જેટલા પતંગ બનાવે છે. ઉત્તરાયણ નજીક આવતા એક અંદાજ મુજબ નડીયાદમાં રોજની લગભગ બે લાખ જેટલી પતંગો બનાવવામાં આવે છે.

અમને દસથી અગિયાર મહીનાની રોજગારી મળે છે: કારીગર
પતંગ બનાવનાર કારીગર જહાંગીરખાને જણાવ્યું હતું કે, અહી અલગ-અલગ કારીગર અલગ-અલગ કામ કરે છે. આ કામથી અમને દસ અગિયાર મહિનાની રોજગારી મળે છે. દરેક અલગ કારીગર કોઈ કમાન લગાવે કોઈ ઢઢ્ઢા, કોઈ કટિંગ કરે એ રીતે અલગ અલગ કામ હોય છે.

નડીયાદની પતંગો ગુજરાતના ખૂણે ખૂણે જાય છે: કારખાનેદાર
કારખાનેદાર મહેબૂબભાઈએ જણાવ્યું હતું કે, નડીયાદ પતંગમાં બહુ ફેમસ છે. નડીયાદમાં બે જ આઈટમ ખાસ આખા વર્ષમાં બને છે. એક ચીલ અને એક ફર્રા ચીલ નડીયાદમાં આખા વર્ષમાં આ જ પતંગો બને છે. રોજની દોઢથી બે લાખ પતંગ બને છે તો પણ એક પતંગ નડીયાદમાં રહેતી નથી. નડીયાદ આખા ગુજરાતમાં સસ્તું બજાર છે. અત્યારે પહેલા હતો એ જ ભાવ છે. ત્રણથી ચાર રૂપિયાની એક ચીલ પતંગ મળે છે. એક પતંગ પાંચ હાથે ફરે છે એટલે પાંચ જગ્યાએ જાય ત્યારે એક પતંગ તૈયાર થાય છે. લગભગ સિત્તેર વર્ષથી અહી પતંગના કારખાના ચાલે છે જેમાં મટિરિયલ આખા હિન્દુસ્તાનમાંથી આવે છે.
પંદરથી વીસ બહેનોને કામ આપુ છું: કારખાનેદાર
કારખાનેદાર મુબિનબેને જણાવ્યું હતું કે, મારૂ કારખાનું લગભગ વીસ વર્ષથી ચલાવું છું. એનાથી પંદરથી વીસ બહેનોને હું કામ પણ આપુ છું. એમના ઘરે પણ કામ આપું અને અહી બેસાડીને પણ કામ આપું છું. પતંગમાં બધી વેરાયટી હું બનાવું છું. ચીલ, રોકેટ બધી વેરાયટી બનાવું છું.
આ પણ વાંચો:
- અમદાવાદના ફેમસ પતંગ બજારમાં આ વખતે શું છે નવી વેરાયટી ? બાળકો માટે આવી ઓટોમેટિક પતંગ
- ભરૂચના વૃદ્ધાએ પતંગને બનાવ્યો રોજગારીનો આધાર, મળો 'પતંગ વાળા ચાચી'ને
- ઉત્તરાયણ 2026: પતંગ બનાવીને જમાલપુરની મહિલાઓ બની આત્મનિર્ભર, જાણો કેવી રીતે બને છે પતંગ
- આ ઉત્તરાયણમાં જોવા મળશે નવો ટ્રેન્ડ, પતંગ બજારમાં લોકો પતંગ-દોરી સાથે 'બાવલા' પણ ખરીદી રહ્યા છે
- ઉત્તરાયણમાં ટ્રેન્ડી ચશ્માની માંગ, લોકોમાં કઈ સ્ટાઈલના સનગ્લાસનો વધારે ક્રેઝ?
- આંગળીના ઈશારે ઉડતો 'પતંગ', વડોદરાના આ યુવકે બનાવ્યો રીમોટ કંટ્રોલવાળો પતંગ
- સુરતમાં 86 વર્ષ પહેલા લખાયું 'પતંગ પુરાણ', શું તમે ઉત્તરાયણની રજા પાછળનું કારણ જાણો છો ?

