ETV Bharat / state

AMCના બજેટ સત્રના પ્રથમ દિવસે જ હોબાળો, વી એસ હોસ્પિટલના મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

AMCના પહેલા દિવસના આ બજેટ સત્રમાં સ્કૂલ બોર્ડના બજેટ, એમ જી લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલ અંગે ચર્ચા કરવામાં આવી હતી

AMC બજેટ સત્રનો પ્રથમ દિવસ
AMC બજેટ સત્રનો પ્રથમ દિવસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 19, 2026 at 10:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2026 27 ના બજેટ અંગે બજેટ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. AMCના પહેલા દિવસના આ બજેટ સત્રમાં સ્કૂલ બોર્ડના બજેટ, એમ જી લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વી એસ હોસ્પિટલના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે નારાજગી વ્યક્ત કરી વૉક આઉટ કર્યું હતું. ગોમતીપુરના કોર્પોરેટર કાગળ નાખી સદનમાંથી બહાર જતા રહેતા ભાજપ દ્વારા તેમને બે દિવસ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના બોર્ડમાં વીએસ હોસ્પિટલના બજેટની અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કહ્યું હતું કે, 'ભાજપને વીએસ હોસ્પિટલનું બજેટ મુકવાનો અધિકાર નથી. બજેટ મુકવામાં આવે છે પણ હોસ્પિટલમાં કશું કામ કરવામાં આવ્યું નથી.

AMCના પહેલા દિવસના આ બજેટ સત્રમાં સ્કૂલ બોર્ડના બજેટ, એમ જી લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલ અંગે ચર્ચા કરવામાં આવી (ETV Bharat Gujarat)

આ ઉપરાંત સત્રમાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના બોર્ડમાં ખ્યાતિ કાંડનો મુદ્દો ઉઠ્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા માં કાર્ડ યોજનાની વાત કરવામાં આવી. વિપક્ષે કહ્યું, તમારા શાસનમાં ખ્યાતિ કાંડ જેવા કાંડ થાય છે. લોકોના ખોટા ઑપરેશન કરવામાં આવે છે. હોસ્પિટલમાં લોકોને લૂંટવામાં આવે છે. જરૂર વગર લોકોના ઑપરેશન થાય છે. લોકોને હવે સરકારી યોજનાઓ પર વિશ્વાસ કરતા બીક લાગે છે. વીએસ હોસ્પિટલ હાલ બંધ હાલતમાં છે.

ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યા હતા કે, VS હોસ્પિટલ માં સૌથી વધુ કૌભાંડ થાય છે. રસીદ કૌભાંડ , નીરવ એન્ટરપ્રાઈઝ ને બ્લેક લિસ્ટ કરવા જેવા અનેક કૌભાંડ કર્યા છે. 10 વર્ષમાં 10 કૌભાડ થયા છે. ક્લિનિકલ ટ્રાયલ VS હોસ્પિટલ થયા. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ કોર્પોરેટરને બજેટ બેઠક માં બોલવા દેવામાં નથી આવતા. ચર્ચા કરવા ના બદલે મેયર ને સત્તાપક્ષ મેદાન છોડી ને ભાગી જાય છે.

રાજશ્રી કેસરી વધુ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે 15 થી 20 કરોડની વસુલાતની વાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જોકે હજુ સુધી ડોક્ટરો પાસેથી માત્ર 35 લાખ રૂપિયા જ વસૂલવામાં આવ્યા છે અને આ સિવાય કોઈ ખાસ કામગીરી કરવામાં આવી નથી. શું પૈસા વસૂલી લેવાથી ગુનો માફ થઈ જાય છે? ક્લિનિકલ ટ્રાયલમાં બે વ્યક્તિના મોત થયા છે છતાં તંત્ર ચૂપ છે.

બીજી તરફ, વી એસ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના લોકો સામે પ્રક્રિયા ચાલુ છે. બે લોકોના મોતની વાત કરવામાં આવે છે પરંતુ તેમાંથી એક વ્યક્તિ જીવિત છે. પાલનપુર ખાતે રહે છે. બીજી વ્યક્તિ જેમના મૃત્યુની વાત કરવામાં આવે છે તેઓ બીમાર હતા તેમનું મૃત્યુ બીમારીને કારણે થયું હતું, ક્લિનિકલ ટ્રાયલ થયું નથી.

આ પણ વાંચો: