અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયની સારવાર દરમિયાન મહિલાના મોત બાદ હોબાળો, પરિવારજનોએ કર્યો ગંભીર આક્ષેપ
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીથી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

Published : February 22, 2026 at 11:27 AM IST
અમરેલી: અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થતા સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે. મહિલાના અવસાન બાદ પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. પરિવારજનોએ હોસ્પિટલની સારવાર પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપ કરતા હોબાળો મચાવ્યો હતો. બનાવની જાણ થતા જ કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસની માંગ કરી હતી.
શું છે સમગ્ર ઘટના?
બોટાદ જિલ્લાના ટાટમ ગામના રહેવાસી ભનીબેન મણદુરિયા નામની મહિલાને કોથળી (ગોલ્ડ બ્લેડર) ગર્ભાશયના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અચાનત તેમની તબિયત બગડતા મોત થયું હતું.
મહિલાના અચાનક અવસાન બાદ પરિવારજનોમાં ભારે શોક સાથે રોષ ફેલાયો હતો. પરિવારજનોએ હોસ્પિટલની સારવાર પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપ કરતા સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઘટનાને લઇને હોસ્પિટલ પરિસરમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

આ સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિટેડન્ટ દ્વારા મૃતકના પરિવારજનોને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેડન્ટે જણાવ્યું કે પી.એમ.રિપોર્ટ આવ્યા બાદ જ મહિલાના મોતનું સાચુ કારણ સ્પષ્ટ થશે. મામલાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદેસરની પ્રક્રિયા મુજબ મૃતક મહિલાના બોડી પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવી હતી.

બનાવની જાણ થતા જ કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પરિવારજનોની વાત સાંભળી તેમણે સાત્વના પાઠવી ન્યાયિક તપાસની માંગ કરી હતી.
આ પણ વાંચો:

