ETV Bharat / state

મહેસાણા: નાગલપુર હાઇવે પર કારને ટક્કર માર્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ, સ્થળ પરથી કારતૂસ મળ્યા; પોલીસે તપાસ હાથ ધરી

ફોર્ચ્યુનર ગાડીમાં બેઠેલા યુવક પર સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ ટક્કર મારી રિવોલ્વર જેવા હથિયારથી ગોળીબાર કર્યો હતો.

નાગલપુર હાઇવે પર કારને ટક્કર માર્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ
નાગલપુર હાઇવે પર કારને ટક્કર માર્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 31, 2026 at 9:24 AM IST

2 Min Read
Choose ETV Bharat

મહેસાણા: મહેસાણાના નાગલપુર હાઇવે પર ફિલ્મી ઢબે હુમલાની ઘટના બની છે. ફોર્ચ્યુનર ગાડીમાં બેઠેલા યુવક પર સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ ટક્કર મારી રિવોલ્વર જેવા હથિયારથી ગોળીબાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા બી ડિવિઝન પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નાગલપુર હાઇવે પર ફાયરિંગની ઘટના

મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના ચાણસ્માના ઝીલીયા ગામના વતની ભાવેશ રબારી (ઉં.વ.32) પોતાના મિત્રો સાથે મહેસાણા આવ્યા હતા. 30 ઓગસ્ટના રોજ રાત્રિના આશરે સાડા 12 વાગ્યાના સુમારે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોઢેરા ચોકી નજીક, માધવી પાર્લર પાસે પોતાની ફોર્ચ્યુનર ગાડી ઊભી રાખીને રોડ પર ઉભા હતા.

મહેસાણામાં અકસ્માત બાદ ફાયરિંગની ઘટના બની હતી (ETV Bharat Gujarat)

તે દરમિયાન સામેની તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલી એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડીના ચાલકે જાનથી મારી નાખવાના સ્પષ્ટ ઈરાદે ભાવેશભાઈની ફોર્ચ્યુનર ગાડીને આગળના ભાગે જોરદાર ત્રણથી ચાર વખત ટક્કરો મારી હતી. ગાડીને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો ગાડીમાં સવાર અજાણ્યા શખ્સે પોતાના હાથમાં રહેલા રિવોલ્વર જેવા ઘાતક હથિયાર વડે સીધું ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ અજાણ્યા શખ્સો સ્કોર્પિયો ગાડી લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

સ્થળ પરથી કારતૂસ મળ્યા

જાહેર રોડ પર અચાનક થયેલી ગાડીઓની ટક્કર અને ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા Dysp મિલાપ પટેલ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ ટીમે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ હાથ ધરતાં ત્યાંથી ગોળીબાર દરમિયાન વપરાયેલ એક મિસફાયર થયેલો રાઉન્ડ (જીવતો કારતૂસ) તેમજ એક ફાયર થયેલો ખાલી કેસ (ખોખું) મળી આવ્યો હતો. પોલીસે બંને પુરાવાઓને કબ્જે લઈ FSLની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

આ ચકચારી બનાવ અંગે ભોગ બનનાર ભાવેશભાઈ બળદેવભાઈ રબારીની ફરિયાદના આધારે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સફેદ કલરની સ્કોર્પિયો ગાડીના અજાણ્યા ચાલક તેમજ ગાડીમાંથી ફાયરિંગ કરનાર અજાણ્યા ઇસમ સહિતના શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 281, 109(1),54 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ તેજ

ઘટનાને પગલે જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. હુમલાખોરો કઈ દિશામાંથી આવ્યા હતા અને ફાયરિંગ કર્યા બાદ કઈ તરફ ફરાર થયા તે જાણવા માટે હાઇવે તેમજ નાગલપુર ચાર રસ્તા આસપાસની હોટલો અને દુકાનોના CCTV ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે. આ હુમલો જૂની અદાવત કે અંગત અણબનાવના કારણે કરવામાં આવ્યો છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: