ગીરના જંગલમાં લોકશાહીની અનોખી કહાની: એક મત માટે 20 કિમી અંદર ઊભું થાય છે બૂથ
ગીરગઢડા તાલુકાના જામવાળા ગામથી અંદાજે 20 કિલોમીટર દૂર આવેલા મધ્ય ગીરમાં સ્થિત ઐતિહાસિક બાણેજ મહાદેવ મંદિર આસપાસ કોઈ વસવાટ નથી.

Published : April 16, 2026 at 6:57 PM IST
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે લોકશાહીની શક્તિ અને સંવેદનશીલતા દર્શાવતું એક અનોખું ચિત્ર ફરી સામે આવ્યું છે. ગીરના ઘન જંગલની મધ્યમાં આવેલ બાણેજ આશ્રમમાં રહેતા મહંત હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાન બૂથ ઊભું કરવામાં આવે છે કારણ કે તેઓ આ વિસ્તારમાં એક માત્ર મતદાતા છે.
ગીરગઢડા તાલુકાના જામવાળા ગામથી અંદાજે 20 કિલોમીટર દૂર આવેલા મધ્ય ગીરમાં સ્થિત ઐતિહાસિક બાણેજ મહાદેવ મંદિર આસપાસ કોઈ વસવાટ નથી. વર્ષો પહેલા અહીં મહંત ભરતદાસ બાપુ એકમાત્ર મતદાતા હતા. તેમના અવસાન બાદ તેમના શિષ્ય હરિદાસ બાપુએ આશ્રમની ગાદી સાથે આ અનોખી લોકશાહી પરંપરા પણ જાળવી રાખી છે.
આ બૂથની સૌથી વિશેષ વાત એ છે કે અહીં હંમેશા 100 ટકા મતદાન થાય છે કારણ કે મતદાતા માત્ર એક જ છે. જોકે, એક મત હોવાને કારણે મતદાનની ગુપ્તતા જાળવવી મુશ્કેલ બને છે. છતાં, ચૂંટણી પંચ પોતાના ફરજ પ્રત્યે પ્રતિબદ્ધ રહી આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે પાર પાડે છે.
મતદાન પહેલાં જ પ્રિસાઇડિંગ ઓફિસર, સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથેની ટીમ જંગલમાં પહોંચી જાય છે અને ત્યાં જ રાત્રી રોકાણ કરે છે. માત્ર એક મત માટે સરકારનો આખો તંત્ર જે રીતે કાર્યરત થાય છે, તે ભારતીય લોકશાહીની મજબૂતાઈ અને દરેક મતની કિંમત દર્શાવે છે.

મહંત હરિદાસ બાપુ આ માટે ચૂંટણી તંત્રનો આભાર વ્યક્ત કરે છે, પરંતુ સાથે સ્થાનિક નેતાઓ પ્રત્યે થોડી નારાજગી પણ વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર આ ઉદાહરણ આપી ભારતની લોકશાહીની પ્રશંસા કરી છે, છતાં સ્થાનિક સ્તરે નેતાઓ અહીં પહોંચતા નથી.

બાપુની અપેક્ષા સરળ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગરીબો, વૃદ્ધો અને સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે અને તેમના સુધી પહોંચે. તેઓ માને છે કે એક મત પણ જીત-હાર નક્કી કરી શકે છે, તેથી દરેક મતદાતાને મહત્વ આપવું જરૂરી છે.
બાણેજનું આ બૂથ માત્ર મતદાન કેન્દ્ર નથી, પરંતુ ભારતીય લોકશાહીના મૂલ્યોનું જીવંત પ્રતિક છે જ્યાં એક મત માટે પણ સમગ્ર તંત્ર તત્પર રહે છે.
આ પણ વાંચો:

