ETV Bharat / state

ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહની નજર, તંત્રને આપ્યા યુદ્ધના ધોરણે કામગીરીના આદેશ

ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ અંગે ગાંધીનગરના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશ આપ્યાં છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 5, 2026 at 10:27 AM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગાંધીનગર શહેરના સેકટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૂષિત પાણીથી બાળકો અને નાગરિકોમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે. જે અંગે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે સતત સંપર્કમાં રહી, ચર્ચા કરી વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવી પ્રવર્તમાન પરિસ્થિતિ સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે.

અમિત શાહે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરીના આદેશ આપ્યા

અમિત શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે માટેના આદેશ આપ્યા છે, તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત દર્દીઓ અને સગાઓ માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા અંગે સૂચના આપી છે. શાહે લીકેજના તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના પણ આદેશ આપ્યા છે.

હેલ્થ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો

ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસો અંગે સઘન આરોગ્ય વ્યવસ્થા અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે તે સેક્ટર 24, 26 અને 28 તથા આદીવાડામાં 75 હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં શંકાસ્પદ ટાઈફોડના 113 કેસો નોંધાયા

આ શંકાસ્પદ ટાઈફોડના 113 કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે, અને સારવાર ગ્રસ્ત દર્દીઓમાંથી 19ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે અન્ય 94 દર્દીઓને ગાંધીનગર સિવિલ તેમજ સેક્ટર 24 અને 29ના UHCમાં સારવાર અપાઈ રહી છે અને આ દર્દીઓની હાલત સ્થિર છે. અસર ગ્રસ્ત વિસ્તારોમાં 24 કલાકની ઓપીડી શરૂ કરવામાં આવી છે . જે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાય છે તેમના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની કામગીરી

ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 20,800 થી વધુ ઘરોમાં સર્વે કરીને 90 હજારથી વધુ વસ્તીને આવરી લીધી છે. રોગ અટકાયતના પગલાં તરીકે 30,000 ક્લોરિન ટેબલેટ અને 20,600 ORS પેકેટનું પણ વિતરણ કરાયું છે. આ ઉપરાંત સર્વેક્ષણ ટીમો ઘરે-ઘરે સંપર્ક કરીને જાગૃતિ પત્રિકાઓ વિતરણ કરવા સાથે લોકોને પાણી ઉકાળીને જ પીવાની, બહારના ખોરાક ન ખાવાની તેમ જ હાથ સ્વચ્છ રાખવા સહિતની માહિતી પૂરી પાડે છે. રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરીનેશનની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા પણ તપાસવામાં આવે છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા ખાણીપીણીના વિક્રેતાઓની તપાસ

ગાંધીનગર મહાનગર પાલિકા તંત્ર દ્વારા સોમવાર સુધીમાં 24x7 પાણી સપ્લાયના સ્વિચઓવરની કામગીરી હાથ ધરાશે. આના પરિણામે છેવાડાના ઘરો સુધી ક્લોરિનની યોગ્ય માત્રા વાળું પાણી પહોંચાડી શકાશે. રોગ અસરગ્રસ્ત વિસ્તારોમાં જે પણ નાના મોટા લીકેજ મળી આવ્યા છે તેનું રીપેરીંગ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પાણીપુરી, રગડા પેટીસ, બરફ ગોળા, શિકંજી સોડા તથા દૂધની બનાવટના પીણાઓના વેચાણની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.