સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ: 'પિતૃદોષ' દૂર કરવાના બહાને લાખોના દાગીના સેરવનાર રાજકોટના બે ગઠિયા ઝડપાયા
ઠગિયાઓ સુરતના કાઠિયાવાડી પરિવારો અને ખાસ કરીને વૃદ્ધોને ટાર્ગેટ બનાવી તેમની પાસેથી વિધિ કરવાના બહાને દાગીના અને રૂપિયા પડાવતા હતા

Published : June 30, 2026 at 9:24 PM IST
સુરત: શહેરમાં અંધશ્રદ્ધાના નામે છેતરપિંડી આચરતા ગઠિયાઓનો આતંક સામે આવ્યો છે. ઘરમાં પિતૃદોષ છે, બીમારી રહે છે અને પૈસા ટકતા નથી, તેવી વાતો કરી ધાર્મિક વિધિના બહાને મહિલાઓને છેતરી લાખોના દાગીના સેરવી લેનાર રાજકોટના બે ઈસમોને લસકાણા પોલીસે આખરે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ધરપકડ સાથે લસકાણા અને ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
લસકાણા વિસ્તારમાં એક પરિવાર પર કુદરતનો કેર તૂટી પડ્યો હતો. ઘરનો મોભી યુવાન છેલ્લા બે મહિનાથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે જજુમી રહ્યો હતો. પરિવારની આ લાચારીનો ગેરફાયદો લેવા આરોપીઓ સક્રિય થયા હતા. આરોપીઓએ યુવકના પિતાના પાનના ગલ્લા પર જઈ પરિવારની ધાર્મિક આસ્થા અને બીમારી વિશે જાણી લીધું હતું. ત્યારબાદ ઘરે આવીને 'પિતૃદોષ' હોવાનું જણાવી વિધિ કરવાનું નાટક રચ્યું હતું.
વિધિના નામે કેવી રીતે આચરતા હતા છેતરપિંડી?
આરોપીઓની મોડસ ઑપરેન્ડી વિશે જણાવતા સુરત શહેર પોલીસના DCP આલોક કુમારે જણાવ્યું કે, તેઓ બહુ આયોજનબદ્ધ રીતે કામ કરતા હતા, તેઓ મુખ્યત્વે કાઠિયાવાડી વસ્તી ધરાવતા વિસ્તારોમાં જઈ વૃદ્ધો અને મહિલાઓને શિકાર બનાવતા હતા. તેઓ તેમની સાથે ભ્રામક વાતો કરતા હતા. સાથે જ રામદેવપીરના મંડળના નામે વિશ્વાસ જીતતા અને ઘરમાં પિતૃદોષ હોવાની બીક બતાવતા. તેઓ વિધિનું નાટક કરી મહિલાઓ પાસે સોનાના દાગીના, કંકુ, ચોખા મંગાવી એક પોટલીમાં બંધ કરાવી મંદિરે મુકાવતા. આ લોકો ઘરના સભ્યોને મંત્ર જાપ કરવા માટે અલગ-અલગ રૂમમાં મોકલી દઈ તક મળતા જ દાગીના અને રોકડ લઈને ફરાર થઈ જતા હતા.
લસકાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજકોટ પહોંચીને કાળુનાથ લખુનાથ નકુમ (ઉ.૩૭) અને દેવાયત કાનજીભાઈ નાથબાવા (રાઠોડ) (ઉ.૩૬) ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી કે, આરોપીઓ છેતરેલા દાગીનાને તરત જ ઓગાળીને સોનાની લગડી બનાવી દેતા હતા, જેથી પકડાય તો પણ દાગીનાની ઓળખ ન થઈ શકે.
પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ ગુનાઓમાં છેતરેલા સોનાના દાગીનામાંથી બનાવેલી કુલ 15.08 ગ્રામ, 6.05 ગ્રામ અને 7.09 ગ્રામની સોનાની લગડીઓ તેમજ રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:

