અમદાવાદ: RBI કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ઉચાપત, પોલીસે વધુ બે આરોપી પિતા-પુત્રને ઝડપ્યા, મળ્યા લાખો રૂપિયા રોકડા
કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની RBI કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ઉચાપત મામલે પોલીસે વધુ બે આરોપી પિતા-પુત્રને ઝડપી પાડ્યા છે.

Published : May 27, 2026 at 8:00 AM IST
અમદાવાદ: કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની RBI કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ઉચાપત મામલે કાલુપુર પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી હરિસિદ્ધ કડીયારાની પૂછપરછ દરમિયાન વધુ બે સહ આરોપીઓની સંડોવણી સામે આવતા પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી 60 લાખ રૂપિયા રોકડા પણ કબજે કરવામાં આવ્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે કાલુપુર ગાંધી રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની કરન્સી ચેસ્ટમાં જોઇન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા હરિસિદ્ધ અર્જુનભાઈ કડીયારાએ પૂર્વ આયોજિત કાવતરું રચીને કરોડોની ઉચાપત આચરી હતી. આરોપીએ 6 જાન્યુઆરીથી 13 મે વચ્ચે કરન્સી ચેસ્ટ પોર્ટલમાં ખોટા ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અને ખોટી એન્ટ્રીઓ કરી હિસાબોમાં ગડબડ સર્જી હતી. જેના આધારે કુલ 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.
આ મામલે વધુ તપાસ કરતા કાલુપુર પોલીસે વટવા વિસ્તારમાં રહેતા જુલ્ફીકાર મુસ્તાક અંસારી અને તેનો પુત્ર સુલતાન જુલ્ફીકાર અંસારીને ઝડપી પાડ્યા છે. બંને પિતા-પુત્ર બેંકમાં રોકડ નાણાં લાવવા અને લઈ જવાની કામગીરી કરતા હતા. તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી હરિસિદ્ધે બંનેની મદદથી રોકડ નાણાંની હેરફેર કરી હતી અને બદલામાં તેમને 60 લાખ રૂપિયા આપ્યા હતા.

કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, કાલુપુર પોલીસે આરોપીઓ પાસેથી 60 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. અત્યાર સુધીની સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ 2 કરોડ 85 લાખ 47 હજાર 500 રૂપિયા રોકડા, એક અર્ટિકા કાર અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ 2 કરોડ 91 લાખ 83 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મુખ્ય આરોપીની પૂછપરછ દરમિયાન બંને સહ આરોપીઓની ભૂમિકા સામે આવી હતી. બંને આરોપીઓ રોકડ રકમની હેરફેરમાં મદદરૂપ બન્યા હતા. હાલ બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. સમગ્ર કાવતરામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે (26 મે) અમદાવાદ ઝોન-3 લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગાંધી રોડ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં આવેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કરન્સી ચેસ્ટમાંથી આશરે ₹8.77 કરોડની ઉચાપત કરવાના આરોપમાં એક બેંક કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ₹2.2 કરોડની રોકડ રકમ પણ જપ્ત કરી છે.

પોલીસ અનુસાર, આરોપીની ઓળખ હરસિદ્ધ અર્જુનભાઈ કડિયારા (ઉંમર 42) તરીકે થઈ, જે ચાંદખેડા વિસ્તારમાં રહે છે. ઝોન-3 લોકલ ક્રાઈમ બ્રાન્ચે 22 મેના રોજ સોલા NFC રોડ વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે પાર્ક કરેલી એક કારમાંથી છુપાવી રાખેલી ₹2.2 કરોડની રોકડ રકમ કબજે કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપી RBI દ્વારા માન્યતા પ્રાપ્ત કરન્સી ચેસ્ટમાં જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 6 જાન્યુઆરીથી 13 મે સુધી આરોપીએ “eKuber Currency Chest” પોર્ટલ પર ખોટા ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અને સ્લિપ્સ અપલોડ કરી હતી તેમજ ખાતાવહીમાં ખોટી એન્ટ્રીઓ કરીને ઉચાપત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગેરરીતિ સામે આવતાં કાલુપુર પોલીસ સ્ટેશને 15 મેના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, RBI સાથે સંકળાયેલી રોકડ રકમ અને ઉચાપતના મોટા પ્રમાણને ધ્યાનમાં રાખીને કેસને અત્યંત સંવેદનશીલ ગણવામાં આવ્યો હતો.

