ગીરમાં ગંભીર વાયરસને કારણે વધુ બે સિંહબાળના મોત, અત્યાર સુધી 11 સિંહના મોતે ચિંતા વધારી
અમરેલી જિલ્લાના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સિંહોના અકુદરતી મોતના વધતા બનાવોએ વન વિભાગની ચિંતા વધારી.

Published : May 29, 2026 at 11:50 AM IST
અમરેલી: અમરેલી જિલ્લાના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સિંહોના અકુદરતી મોતના વધતા બનાવોએ વન વિભાગની ચિંતા વધારી છે. જસાધારા એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા વધુ બે સિંહબાળના મોત થયા છે. ગીરમાં સિંહના રહસ્યમય મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. આ વાતની પુષ્ટી વન વિભાગના ઉચ્ચ અધિકારી PCCF ભવાની પતિએ કરી છે.
ગીરમાં વધુ બે સિંહના મોત
છેલ્લા કેટલાક દિવસોથી એક બાદ એક ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં સિંહોના મોતના બનાવોને લઇને વન વિભાગ એલર્ટ થયું છે. ગાંધીનગરથી વન વિભાગના પ્રમુખ અધિકારી પીસીસીએફ ભવાની પતિ પોતે ગીર વિસ્તારમાં પહોંચી વિવિધ એનિમલ કેર સેન્ટર અને સારવાર કેન્દ્રોની મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગીર પૂર્વના જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા બે સિંહબાળના મોત થયા હોવાની PCCF ભવાની પતિએ સત્તાવાર રીતે પુષ્ટી કરી છે. આ સાથે અત્યાર સુધીમાં કૂલ 11 સિંહના મોત થયા છે.
શરૂઆતમાં સિંહોમાં બેબીસિયા જેવા વાયરસ અથવા પરોપજીવીજન્ય રોગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હાલ મળતી પ્રાથમિક માહિતી મુજબ બેબસીયા વાયરસ નહીં હોવાનું સામે આવતા સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવે સિંહોમાં CDV (કેનીન ડિસ્ટેમ્પર વાયરસ) જેવા ગંભીર રોગના લક્ષણોની શક્યતા અંગે પણ ચર્ચા શરૂ થઇ છે. જોકે, આ બાબતે હજુ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

વન વિભાગ દ્વારા મૃત સિંહના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આજ સાંજ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ સિંહોના મોત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઇ શકશે. હાલ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં સિંહો ઉપર ખાસ મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે તેમજ એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળના સિંહો પર તબીબી ટીમો સતત નજર રાખી રહી છે.

ગાંધીનગરથી આવેલા પીસીસીએફ ભવાની પતિએ જણાવ્યું હતું કે, હાલ બીમારીને કારણે વધુ બે બાળસિંહના મોત થયા છે અને સમગ્ર મામલે વન વિભાગ ગંભીરતાથી કામગીરી કરી રહી છે. ગીરના જંગલોમાં વધતા સિંહોના મોતને લઈને વનપ્રેમીઓ, પ્રાણીપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

વન મંત્રીએ શું કહ્યું?
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સિંહોમાં રોગચાળાનો પ્રસાર અટકાવવા માટે વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણ, આરોગ્ય ચકાસણી તેમજ સિંહોના શરીર પરથી ઇતરડી દૂર કરવાની વિશેષ સારવાર હાથ ધરાઈ રહી છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ અત્યાર સુધીમાં 350થી વધુ સિંહોનું સફળતાપૂર્વક ડી-ટીકિંગ કરવામાં આવ્યું છે, જ્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા સિંહોને અલગ રાખી તેમના સ્વાસ્થ્ય પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને આરોગ્ય સુરક્ષા માટે રાજ્ય સરકાર અને વન વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરી રહ્યા છે."
આ પણ વાંચો:

