ETV Bharat / state

વડોદરા-હાલોલ હાઇવે પર જરોદ નજીક ટ્રક ભડકે બળી, ડ્રાઈવરની સમયસૂચકતાથી જાનહાનિ ટળી

ચાલતી ટ્રકમાંથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

ચાલતી ટ્રકમાં લાગી આગ
ચાલતી ટ્રકમાં લાગી આગ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 23, 2026 at 8:23 PM IST

1 Min Read
Choose ETV Bharat

વડોદરા: વડોદરા-હાલોલ હાઇવે પર જરોદ નજીકથી ભીષણ આગની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક માલવાહક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતાની સાથે જ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં આખી ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

ચાલતી ટ્રકમાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. સાથે જ ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળતા હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે હાઇવે પરના વાહનોને સર્વિસ રોડ પરથી પસાર કરવાની નોબત આવી હતી.

ચાલતી ટ્રકમાંથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો (ETV Bharat Gujarat)

પ્રાથમિક માહિતી મુજબ ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. આગની ઘટનાને પગલે ટ્રકમાં રહેલો માલ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. મળતી માહિતી મુજબ ટ્રકમાં કોપર એટલે કે તાંબાનો જથ્થો ભરેલો હતો. આગના કારણે ટ્રક અને તેમાં ભરેલા માલ-સામાનને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં ટ્રકનો મોટાભાગનો હિસ્સો આગની લપેટમાં આવી ગયો હતો.

ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા હાઇવે પરની ટ્રાફિક વ્યવસ્થા પણ સંભાળવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે આગ લાગ્યા બાદ ટ્રક ચાલકે સમયસૂચકતા દાખવી હતી. આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ ચાલક ટ્રકમાંથી નીચે ઉતરી ગયો હતો. જેના કારણે ચાલકનો જીવ બચી ગયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટના અનુમાન વચ્ચે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ઘટનાની હકીકત અંગે જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: